700 વર્ષથી ઈન્ડોનેશિયામાં ભભૂકતા જ્વાળામુખીના મુખ પર બિરાજેલા છે વિઘ્નહર્તા ગણેશ

આ તસવીર જ્વાળામુખી માઉન્ટ બ્રોમોના મુખ પર બિરાજેલા વિઘ્નહર્તા ગણેશની છે. આ વિસ્તારમાં 141 જ્વાળામુખી છે, જેમાંથી 130 હજુયે સક્રિય છે. પૂર્વ જાવાનો માઉન્ટ બ્રોમો તેમાંનો જ એક છે, જે હજારો વર્ષોથી આ જ રીતે ભભૂકી રહ્યો છે. આ પહાડ પર 2329 મીટરની ઊંચાઈએ લાવા પથ્થરોથી બનેલા ગણેશની સ્થાપના આશરે 700 વર્ષ પહેલા કરાઈ હતી. અહીંના 48 ગામના 3 લાખ હિંદુઓને આસ્થા છે કે, આ ગણેશ જ તેમના રક્ષક છે.

માઉન્ટ બ્રોમો પર આખું વર્ષ ગણપતિની પૂજા થાય છે

આ પહાડની સૌથી નજીકના ગામ કેમોરો લવાંગમાં હિંદુ પરિવારો રહે છે, જે સ્થાનિક ભાષામાં ટેંગરેસ તરીકે ઓળખાય છે. તેઓ પોતાને 12મી સદીના માજપાહિત શાસકના વંશજો કહે છે. આ લોકો માને છે કે, તેમના પૂર્વજોએ આ ગણેશની સ્થાપના કરી હતી. જે જગ્યાએથી જ્વાળામુખી પર્વતનું ચઢાણ શરૂ થાય છે, ત્યાં નવમી સદીમાં કાળા પથ્થરોથી બનેલા બ્રહ્માજીનું પણ મંદિર છે. જાવાની જેવનીઝ ભાષામાં બ્રહ્માને બ્રોમો કહેવાય છે. માઉન્ટ બ્રોમો પર આખું વર્ષ ગણપતિની પૂજા થાય છે, પરંતુ મુખ્ય આયોજન જુલાઈમાં 15 દિવસ સુધી કરાય છે. 500 વર્ષથી જૂની આ પરંપરા ‘યાદનયા કાસડા’ કહેવાય છે, જે આજ સુધી ક્યારેય અટકી નથી. ભલે પછી જ્વાળામુખીમાં ભીષણ વિસ્ફોટ કેમ ના થતા હોય!

અહીંની રૂ. 20 હજારની નોટ પર પણ ગણેશની તસવીર

2016માં જ્વાળામુખી વિસ્ફોટ થઈ રહ્યા હતા, ત્યારે સરકારે ફક્ત 15 પૂજારીને પૂજાની મંજૂરી આપી હતી, પરંતુ હજારો લોકો ત્યાં પહોંચી ગયા હતા. લોકોનું માનવું છે કે, ગણપતિની પૂજા ના થાય તો અનિષ્ટ થઈ શકે છે. ઈન્ડોનેશિયામાં ગણેશજીની ધાર્મિક-સાંસ્કૃતિક માન્યતા એટલી મજબૂત છે કે, અહીંની રૂ. 20 હજારની નોટ પર પણ ગણેશની તસવીર છે. – કેતૂત ડોંડેર ઈન્ડોનેશિયા હિંદુ ધર્મ પરિષદના અધ્યક્ષ છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો