અમદાવાદના બે યુવાનોની અનોખી ઝુંબેશ, મંદિરોમાં ચઢાવાતા 1 હજાર કિલો ફૂલમાંથી બનાવ્યું ખાતર

મંદિરોમાં ભક્તો ભગવાનને ફૂલ અર્પણ કરે છે. બીજા દિવસે આ ફૂલ મંદિર પાણીમાં પધરાવી દે છે અથવા કચરામાં આપી દે છે. ઘણીવાર કચરામાં આપેલા ફૂલ લોકોના પગમાં પણ કચડાતા હોય છે. પરંતુ અમદાવાદના બે યુવાન અર્જુન ઠક્કર અને યશ ભટ્ટે મંદિરમાં ચડાવાતા ફૂલોમાંથી ખાતર અને અગરબત્તી બનાવવાનું અનોખું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. અત્યારે આ યુવાનો શહેરના 40 દેરાસર અને 46 મંદિરમાંથી દરરોજના 1 હજાર કિલોગ્રામ ફૂલોનું કલેક્શન કરે છે. વિક્ટોરિયા ગાર્ડનમાં કોર્પોરેશન આપેલી નાની જગ્યામાં આ ફૂલમાંથી ખાતર અને અગરબત્તી તૈયાર કરવામાં આવે છે.

સિલ્વર ઓક કોલેજમાં મિકેનિકલ એન્જિનિયરિંગમાં અભ્યાસ પૂરો કરીને જીટીયુના ઇનોવેશન કાઉન્સિલની મદદથી સમગ્ર પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. પ્રોજેક્ટની શરૂઆતમાં શહેરના પાંચ બંદરોને પાઇલટ પ્રોજેક્ટમાં સમાવાયા હતા. ત્યારબાદ મંદિરના ટ્રસ્ટીઓ અને ભક્તોનો સહકાર મળતા આવનારા સમયમાં અમદાવાદના 500 કરતા વધારે મંદિરો જોડાશે તેવી આશા યુવાનો સેવી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે, કોર્પોરેશન દૈનિક 3800 મેટ્રીક ટન કચરો લેવામાં આવે છે. આ પૈકી 1 હજાર ટન કચરામાંથી ખાતર બનાવવામાં આવતું હોવાનો દાવો કરાય છે.

બે યુવાને શરૂ કરેલું સ્ટાર્ટઅપ, 46 મંદિર, 40 દેરાસરમાંથી ફૂલ એકત્ર કરે છે, 500 મંદિર આવરી લેવાશે.

મ્યુનિ.એ ખાતર પ્લાન્ટ માટે વિક્ટોરિયા ગાર્ડનમાં જગ્યા આપી અને ફૂલ એકત્ર કરવા બે ગાડી આપી

પ્રોજેક્ટ વિશે વાત કરતા યુવાને કહ્યું કે,`પ્રોજેક્ટ શરૂ કર્યો ત્યારે મંદિરોમાંથી ફૂલ કેવી રીતે એકત્ર કરવા સૌથી મોટો પડકાર હતો. અમે મેયર અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી તો તેમણે પ્રોજેક્ટને જોઇને કચરો એકઠો કરતી બે અલગ જ ગાડી ફાળવી. આ બે ગાડી મંદિરોમાં ફરીને માત્ર ફૂલ એકત્ર કરે છે. આ ગાડી અન્ય કચરો એકત્ર કરતી નથી. સરકારે પણ અમને 2 લાખની સહાય કરી છે.’

કચરામાંથી બનેલી અગરબત્તીનું વેચાણ

મંદિરમાંથી નીકળેલા કચરામાંથી તૈયાર થયેલી અગરબત્તી વેચાણ માટે મહિલાઓને અપાશે. મંદિરની આસપાસ રહેતી જે મહિલા આર્થિક રીતે નબળી હશે તેઓને આ અગરબત્તીને વેચાણ માટે અપાશે. આ રીતે આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓને થોડા ઘણા અંશે રોજગારી મળવા સાથે આવકનો બીજો એક સ્રોત પણ ખૂલશે. પ્રોજેક્ટથી ખાતર બનવા ઉપરાંત આત્મ નિર્ભરતાનો લક્ષ હાંસલ થઈ શકશે.

ખાતર બનાવવા 2016માં રિસર્ચ કર્યું

અમે 2016માં રિસર્ચ કર્યું કે મંદિરોમાંથી નીકળતા ફૂલને નદીમાં પધરાવી દેવાતા હતા. ઘણીવાર તેને કારણે પાઇપ ચોકઅપ થઇ જતી. મંદિરો માટે પણ નિકાલ મોટી સમસ્યા હતી. આજે અમે શહેરના મંદિરોમાંથી 1000 કિલો ફૂલ એકત્ર કરીએ છીએ. કોર્પોરેશન વિક્ટોરિયા ગાર્ડનમાં ફાળવેલી જગ્યામાં અમે માણસો પાસે ખાતર-અગરબત્તી તૈયાર કરાવીએ છીએ.
– અર્જુન ઠક્કર, ફાઉન્ડર મેમ્બર

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો