વડોદરાના 13 વર્ષના છોકરાએ તળાવોનો કચરો સાફ કરતું વર્કિંગ મોડેલ બનાવ્યું,

પાણીના સ્ત્રોતમાં વધતા સોલિડ વેસ્ટનું પ્રમાણ ઘટાડવા વડોદરાના 13 વર્ષના વરૂણ સાઈકિયાએ બેટરી-રિમોટ સંચાલિત આર્યન બ્લેડવાળું વર્કિંગ મોડેલ બનાવ્યું છે. જેને જી.ટી.યુ ઇનોવેશન કાઉન્સિલ તરફથી 1.86 લાખની ગ્રાન્ટ અપાઇ છે. આ મશીનમાં અલ્ટ્રાસોનીક સેન્સર, ઇમેજ સેન્સર, જી.પી.એસ સેન્સર તેમજ ફિશ આઈ લેન્સ કેમેરા છે. જેનાથી આ મશીન તળાવમાંનો વેસ્ટ સાફ કરે છે. વરૂણની માતા રૂચિરા સાઈકિયાએ જણાવ્યું હતું કે, મોડેલથી અમદાવાદનું વિરમગામ તળાવ સાફ થશે. વડોદરાના મ્યુનિ. કમિશનરે પણ બાળકને આ મોડેલ બનાવવા માટે જોઈતી મદદની તૈયારી બતાવી છે.

સ્ટાર્ટઅપને મદદ કરવામાં સરકાર આગળ છે પણ માતા-પિતા હજુ પણ પાછળ પડે છે.. GTUએ 2011માં ઇનોવેશન કાઉન્સિલ સ્થાપી હતી, 6 વર્ષે પણ હજુ સ્થિતિ વધુ સુધરી નથી

સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં આગળ વધવા માંગતા લોકોને માર્ગદર્શન આપવામાં આવે છે

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા 2011માં જી.ટી.યુ. ઇનોવેશન કાઉન્સિલની સ્થાપના કરવામાં આવી હતી. જે અંતર્ગત સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં આગળ વધવા માંગતા લોકોને પ્રોત્સાહિત કરીને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે. અને જરૂર પડે તો તેમને ફંડિંગ પણ આપવામાં આવે છે. જે વિશે વાત કરતા ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલર પ્રો.ડો.નવીન શેઠે જણાવ્યું હતું કે સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવાનું કાર્ય ઘરમાંથી જ થવું જોઈએ. જે બાળક કંઈક અલગ કરવા માંગે છે તો તેની માટે સરકાર હવે મદદ કરવા માટે આગળ આવી છે. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રોટોટાઇપ બનાવવા માટે 2 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. જ્યારે સરકાર દ્વારા જ પેટન્ટ રજિસ્ટર કરાવવા માટે 25 હજાર રૂપિયા સુધીની મદદ કરવામાં આવે છે. પરંતુ તેમ છતાં વિદ્યાર્થિઓ, વાલીઓમાં હજુ પણ સ્ટાર્ટઅપને લઇને નિરસતા જોવામાં આવી રહી છે.

બાળકોને સ્ટાર્ટઅપની પ્રેરણા મળે તે માટે પ્રયાસ

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીની ઇનોવેશન કાઉન્સિલ દ્વારા સ્ટાર્ટઅપને પ્રોત્સાહિત કરનાર વાલીઓને 14 ફેબ્રુઆરી એટલે ઇનોવેશન સંકુલ દિવસે પ્રેરણા સર્ટિફિકેટ આપીને નવાજવામાં આવે છે. જેથી વાલીઓને તેમનું બાળક સારૂ કામ કરે છે તે વાતની જાણ થાય અને તેને આગળ વધવા માટે વધુ પ્રોત્સાહિત કરે. જેને કારણે નવા વિદ્યાર્થીઓ અને વાલીઓ વધુ ઇનોવેશન કરવામા માટે પ્રોત્સાહિત થાય અને ભારતમાં ઇનોવેશનની સંખ્યા વધે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો