અમદાવાદ સિવિલના સ્ટાફ નર્સ ઝેબાબેને રોઝા હોવા છતાં PPE કીટ પહેરી 8 કલાક સિવિલમાં ફરજ બજાવીને માનવસેવાની મિસાલ કાયમ કરી

આજે 14 મેના રોજ પવિત્ર રમઝાન માસ પૂર્ણ થઈ રહ્યો છે. રમઝાનમાં રોઝા રાખવાનું અનેરૂ મહત્વ છે. તો બીજી તરફ આખુંય વિશ્વ કોરોનાની મહામારીનો એક સંપ થઈને સામનો કરી રહ્યું છે. સૌ માણસ આજે પરસ્પર વેરઝેર કે ઉંચનીચમાં પડ્યા વગર માનવતાની સેવામાં રત થયો છે, ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સ્ટાફ નર્સ ઝેબા ચોખાવાલાને આખા પવિત્ર રમઝાન માસ દરમિયાન દરરોજ ચાલુ રોઝાએ 6-7 કલાક સુધી P.P.E. કીટ પહેરીને દર્દીઓની સેવા કરીને સાબિત કર્યું છે કે જ્યારે મદદ કરનારનો ઇરાદો મહાન હોય ત્યારે ઇશ્વર પણ તેની મદદે આવે જ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

દુનિયામાં બીજાની ઓળખ કે કોઇ ભેદભાવ જોયા વિના મદદ કરવી એ જ એક માણસનું પરમકર્તવ્ય છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સ્ટાફ નર્સ ઝેબા ચોખાવાલાએ આખાય રમઝાન માસમાં પૂર્ણ શ્રદ્ધાથી રોઝા કર્યાં. રોઝાની સાથે જ કોરોનામાં ફરજ પણ બજાવી. ઝેબાબહેનનું કહેવું છે કે, રોઝા રાખ્યા હોય ત્યારે શારીરિક નબળાઇ ઘણી આવે છે પરંતુ તેના કારણે હું સ્ટાફ નર્સ તરીકેની મારી ફરજથી પાછીપાની ન કરી શકું. મેં રોઝા રાખીને અલ્લાહ તાલાની બંદગી કરી છે, તો અલ્લાહે પણ મને ફરજ દરમિયાન શક્તિ જરૂરથી આપી છે.

અમદાવાદ સિવિલમાં ઓપરેશન થિયેટરમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતા ઝેબાબહેન ચોખાવાલાના શબ્દો લાખો કોરોના વોરિયર્સ માટે પ્રોત્સાહનરૂપ બની રહ્યાં છે. 30 વર્ષીય ઝેબાબેનને એક સાડા ત્રણ વર્ષની દિકરી છે અને માતા કેન્સરગ્રસ્ત છે. તેમના પતિ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરમાં વ્યવસાય કરે છે. આવામાં તેમનું પરિવાર પાસે રહેવું અતિઆવશ્યક હોય, પરંતુ ઝેબાબહેને કોરોનાની બીજી લહેરમાં પરિવારથી વિખૂટા રહેવાનું પસંદ કર્યું અને પોતાના મૂલ્યોને પ્રાથમિકતા આપી. કોઇ પણ પડકારોને ગણકાર્યા વિના જુસ્સાભેર પોતાની ફરજનું પાલન કર્યું.

ઝેબાબેન ચોખાવાલા રોઝા સાથે પીપી.ઇ. કીટ પહેરીને કામ કરવાનો અનુભવ વર્ણવતા કહે છે કે, સામાન્ય દિવસોમાં પણ ગરમીમાં 7 થી 8 કલાક પી.પી.ઇ. કીટ પહેરીને ડ્યુટી કરવી અત્યંત પડકારજનક છે. ત્યારે રમઝાન માસમાં તો જેણે રોઝા કર્યા હોય એ માણસ 16 થી 17 કલાક પાણી અને ભોજન વગર રહે છે. જેથી શરીરમાં ડિહાઇડ્રેશનનુ પ્રમાણ ઘણું વધી જતું હોય છે. એવામાં પી.પી.ઇ. કીટ પહેરીને ડ્યુટી કરવી અત્યંત જોખમી અને મુશ્કેલ બની રહે છે. પરંતુ આવી પરિસ્થિતિમાં મેં પાછીપાની કરી નથી. મારા માટે દર્દીનો જીવ પહેલા. મેં પોતે જ આ નોકરી પસંદ કરી છે અને દર્દીઓના જીવ બચાવવામાં હું નિમિત્ત બની શકું છું ત્યારે સ્વ ને ભૂલીને, પોતાની પીડાને ભૂલીને અમે બધા કોરોનાના સેવાયજ્ઞમાં જોડાઇ ગયા છીએ.

રમઝાન માસમાં અમેં સવારે ત્રણ વાગે ઉઠીને શહેરી કરતા અને સાંજે સાત વાગે ઇફતારી કરતા હતાં. ઘણી વખત ડ્યૂટીના કલાકો દરમિયાન જ મારે શહેરી અને ઇફતારી કરવી પડતી. પરંતુ હોસ્પિટલ તંત્રના સહયોગના કારણે તે મારા માટે સરળ બની રહ્યું. રોઝા રાખ્યા હોય ત્યારે ફરજ ચૂકી જાઉં તો અલ્લાહના દરબારમાં મને ક્યારેય માફી ન મળે તેમ ઝેબાબેન ઉમેરે છે.

ઝેબાબહેને કહ્યું કે, સિવિલ હોસ્પિટલમાં માર્ગ અકસ્માત કે અન્ય કોઇપણ પ્રકારની ઇમરજન્સીમાં આવતા દર્દીઓ કે જેમની સર્જરી કરવી અતિ આવશ્યક હોય, જીવન અને મરણ વચ્ચે ઝઝૂમતા દર્દીઓના જીવ બચાવવા એ જ તમામ હોસ્પિટલ સ્ટાફની પ્રાથમિકતા હોય ત્યારે કોરોના સંક્રમણના ભય, શંકા તમામને નેવે મૂકીને માત્ર ને માત્ર દર્દીની સારવારમાં લાગી જવું પડે. આ જ જુસ્સા સાથે ઝેબાબહેન રમઝાનના મહિનામાં પણ સતત સેવારત રહીને ઝેબાબહેન અનેક દર્દીઓના જીવ બચાવવામાં નિમિત બન્યા છે.

વિશ્વના લગભગ તમામ ધર્મોમાં સેવા અને એકબીજાની મદદ કરવાની ભાવનાને એક સ્થાન મળેલું છે. આપણે પોતાની શક્તિ પ્રમાણે બીજાની મદદ કરીએ, આપણી ઇચ્છાશક્તિના અભાવે કોઇ પીડાય નહીં અને લોકોની જીવનજરૂરી જરૂરિયાત સંતોષવી એ ઇશ્વરીય કાર્ય ગણાય છે, ત્યારે ઝેબાબહેન જેવા કર્મઠ લોકોના કિસ્સા અનેકને આવી સુંદર માનવસેવા કરવા પ્રેરણા આપતા રહેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો