અમદાવાદમાં એમ્બ્યુલન્સની તંગી વચ્ચે નિસ્વાર્થ સેવા માટે યુવતીએ ગ્રુપ સાથે ‘ઓટો એમ્બ્યુલન્સ’નો પ્રોજેક્ટ શરૂ કર્યો, પોઝિટિવ દર્દીઓને હોસ્પિટલ અને રિપોર્ટ કઢાવવા લઈ જવાય છે

કોરોનાની બીજી કહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ છે. હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવા માટે જગ્યા પણ રહી નથી સાથે જ એમ્બ્યુલન્સ પણ હવે ખૂટી પડી છે. 108, સરકારી એમ્બ્યુલન્સ, પ્રાઇવેટ એમ્બ્યુલન્સ એમ તમામ એમ્બ્યુલન્સમાં અત્યારે 24 કલાકથી પણ વધુનું વેઈટિંગ છે. હાલ અનેક પરિવાર અથવા તો પરિવારના મોટાભાગના સભ્યો સંક્રમિત થયા હોય છે. જેથી કોરોના દર્દી સાથે હોસ્પિટલ અથવા લેબ સુધી જવા કોઈ તૈયાર પણ થતું નથી. ત્યારે સામાજીક કાર્ય સાથે જોડાયેલી યુવતીએ પોતાના ગ્રુપ સાથે મળીને પહેલ કરી અને શહેરમાં કોરોનાના દર્દીઓ માટે ઓટો રિક્ષાની સેવા આપવાનું શરૂ કર્યું છે. આ સેવાથી રિક્ષાચાલકને રોજગારી મળશે અને કોરોના દર્દીઓને હોસ્પિટલ જવા કે શંકાસ્પદને લેબ જવામાં મદદ મળશે.

આઈટીના મિત્રએ ટૂંક જ સમયમાં એપ બનાવી દીધી

રિચા પાઠક નામની યુવતી છેલ્લા કેટલાક વર્ષોથી સામાજિક કાર્યો કરે છે. જેમાં સ્લમ વિસ્તારના બાળકો અને ત્યાંના લોકો માટે ખાસ કામગીરી કરે છે. હાલ ચાલી રહેલ મહામારીને ધ્યાનમાં રાખીને પોતાનાથી શું થઈ શકે તેમ વિચારીને રિચાએ પોતાના ગ્રુપ સાથે મળીને ઓટો રિક્ષાની સેવા કોરોનાના દર્દીઓને આપવાનું વિચાર્યુ. જે માટે આઇટી ક્ષેત્ર સાથે જોડાયેલ સુકેતુ મોદીએ ટૂંક જ સમયમાં એક એપ્લીકેશન તૈયાર કરી અને કેબ સર્વિસની જેમ તેનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું.

શરૂઆતના દિવસે ટ્રાયલ રન લેવામાં આવ્યો હતો. બાદમાં લોકો માટે આ સેવા ખુલ્લી મૂકવામાં આવી હતી. આ સેવા મેળવવા માટે સૌ પ્રથમ ગૂગલ પર just 100 નામે વેબસાઇટ અથવા QR કોડ અથવા લિંક પર ક્લિક કરીને ફોર્મ ભરવાનું હોય છે. ફોર્મમાં દર્દીને પોતાની વિગત ભરવાની જે બાદ દર્દીને રિક્ષાચાલકનો નંબર મળી જશે. રિક્ષાચાલકનો સંપર્ક કરીને રિક્ષા ચાલક હાજર હોય તે સમયે દર્દીને ઘરેથી હોસ્પિટલ અથવા લેબ સુધી લઈ જાય છે.

આખો દિવસ બુકિંગ કૂલ હોય છે

3 દિવસથી રિક્ષા સેવા શરૂ કરવામાં આવી છે. પહેલાં 2 દિવસ 3 રિક્ષા જ હતી અને આજે બીજી 2 રિક્ષા એડ કરવામાં આવી છે. પહેલાં 2 દિવસમાં 70થી વધુ ઇન્કવાયરી આવી હતી. જેમાંથી 50થી વધુ દર્દીઓને મદદ કરી શકાઈ છે જ્યારે આજે ત્રીજા દિવસે સવારથી જ આખા દિવસ માટેનું બુકિંગ ફૂલ થઇ ગયું છે. સવારે 8 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધી રિક્ષા સેવા આપવામાં આવે છે. હાલ 5 રિક્ષા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ફરે છે જેથી બીજી 5 રિક્ષા આગામી દિવસોમાં પૂર્વ વિસ્તારમાં પણ મૂકવામાં આવશે.

રિક્ષાચાલક દર્દીને હોસ્પિટલ કે રિપોર્ટ કઢાવવા માટે લેબ સુધી લઈ જાય છે. તે માટે ભાડું પણ રિક્ષા ચાલક નક્કી કરે છે. જે વ્યક્તિ ભાડું ના આપી શકે તેમનું ભાડું રિચા પાઠક દ્વારા આપવામાં આવે છે. કોઈ દર્દી સાથે ગેરવર્તણૂક કે ગેર વ્યવહાર ના કરવા માટે રિક્ષા ચાલકોને સૂચના આપવામાં આવી છે. રિક્ષા ચાલક સાથે આઇટીની ટીમ પણ રાત દિવસ આ પ્રોજેક્ટમાં કામ કરી રહી છે.

મિત્રોના ખરાબ કિસ્સા સાંભળી આઈડિયા આવ્યો

રિચા પાઠકે જણાવ્યું હતું કે, મારા નજીક સગાસંબંધી અને મિત્ર સર્કલમા ઘણા કિસ્સા બન્યા હતા. જેમાં અનેક લોકોને એમ્બ્યુલન્સ મળી નહોતી અને પ્રાઇવેટ વાહન પણ લઈ જવા તૈયાર નહોતી જેથી મને આ અંગે રિક્ષાની સેવા શરૂ કરવાનો વિચાર આવ્યો અને રિક્ષા ચાલકો સાથે વાત કરી ત્યારે જાણવા મળ્યું કે, રિક્ષાચાલકોને પણ અત્યારે સવારી મળતી નથી. જેથી દર્દીનું કામ થઈ જાય અને રિક્ષાચાલકને રોજગારી પણ મળી રહે તે ઉદ્દેશ સાથે બંને વચ્ચે માધ્યમ બનીને અમે કામ કરી રહ્યા છે. ખૂબ જ ઝડપથી સુકેતુ મોદીએ વેબસાઇટ બનાવી અને તે વેબસાઇટ લોકો માટે ખુલ્લી મૂકી આજે સેવા આપી છે.તેમની સાથે તેમના ગ્રુપના સભ્યોનો પણ ખૂબ મોટો ફાળો છે.

રિક્ષામાં ચાલક અને દર્દી વચ્ચે પડદો

રિક્ષાચાલક જ્યારે કોરોનાના દર્દીને લઈ જાય ત્યારે રિક્ષા ચાલકને પણ કોરોના થવાનો ભય રહેલો છે જેથી રિક્ષામાં દર્દી અને ડ્રાઇવર વચ્ચે પડદો, માસ્ક, ફેસ શિલ્ડ, હેન્ડ ગ્લોવસ, સેનિટાઈજર સહિતની કીટ પણ વિના મૂકીએ આપવામાં આવી છે. રિક્ષાચાલકને પણ કેટલીક છૂટ આપવામાં આવી છે. રિક્ષાચાલક પાસેથી કોઈ પ્રકારનો ચાર્જ કે કમિશન પણ લેવામાં આવતું નથી. રિક્ષાચાલક અને અમારી ટીમ આ કામથી ખુશ છીએ.

ફરી ટિફિન સેવા પણ આપે છે રિચા

આ ઉપરાંત રિચા પાઠક દ્વારા અત્યારે જે દર્દીઓ કે પરિવાર ઘરે કોરેન્ટાઇન હોય તેમના માટે ટિફિન સેવા પણ વિના મૂલ્યે શરૂ કરી છે.રોજ 150 દર્દીઓને ટિફિન તેમના ઘર સુધી વિના મૂલ્યે પહોચાડવામાં આવે છે. પરિવારમાં પિતાને 2 બાળકો હોવા છતાં એક અઠવાડિયાથી તેમનાથી દૂર રહીને રિચા પાઠક દ્વારા આ પ્રકારે સેવા આપવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો