સુરતમાં 80% ફેફસાંના ઇન્ફેક્શન સાથે આવેલા યુવાનને 34 દિવસમાં સાજો કર્યો, પરિવાર હિંમત હારી ગયો, પણ દિકરો જંગ જીતી ગયો

સુરત સિવિલની કોવિડ-19 હોસ્પિટલમાં 80 ટકા ફેફસાંના ઇન્ફેક્શન સાથે આવેલા એક શ્રમજીવી યુવાનને 34 દિવસની સતત મોનિટિંગ સાથેની સારવાર બાદ સાજો કરી ડોક્ટરોએ રજા આપી છે. હિંમત હારી ગયેલા પરિવારે ધર્મેન્દ્ર યાદવને આંખ સામે જોઈ ભાવુકતાનાં દૃશ્યો સર્જાયાં હતાં. પરિવારે મેડિસિન વિભાગના ડો. અશ્વિન વસાવા અને તેમની આખી ટીમનો ભીની આંખે આભાર વ્યક્ત કર્યો છે. સાહેબ, આ જીવન તમે આપ્યું છે, ક્યારેય પણ કામ આવે તો માગી લેજો, હું પાછળ નહીં જાઉં, એવી લાગણી વ્યક્ત કરનાર ધર્મેન્દ્રને ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ અને કર્મચારીઓએ બે કદમ સાથે ચાલી હોસ્પિટલના દરવાજા સુધી છોડવા આવતાં પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

તાવ અને શરદી-ઉધરસ બાદ ડેંગ્યૂની અસર થઈ હતી

રિન્કુ યાદવ (કોરોનાને હરાવનાર યુવાનના બનેવી)એ જણાવ્યું હતું કે 2 વર્ષ પહેલાં ધર્મેન્દ્ર ઉત્તરપ્રદેશ રાયબરેલીમાં પરિવારના તમામ સભ્યો અને ઘર છોડીને સુરત રોજગારીની શોધમાં ગયો હતો. સુરતમાં ધર્મેન્દ્રએ ખાવાની ટેસ્ટી આટા ચકરીનું કારખાનું નાખ્યું હતું. 5 બહેનોનો એકનો એક ભાઈ ધર્મેન્દ્ર મહામારીમાં વેપાર-ધંધો પડી ભાંગતાં વતન આવવાની તૈયારી કરી રહ્યો હતો. તાવ અને શરદી-ઉધરસ બાદ ડેંગ્યૂની અસર થતાં તાત્કાલિક 24 માર્ચના રોજ મિત્ર ચંદન તેને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયો હતો. ત્યાં સીટી સ્કેન રિપોર્ટમાં 75-80 ટકા ફેફસાંમાં ઇન્ફેક્શન પ્રસરી ગયું હોવાનું બહાર આવતાં ડોક્ટરોએ તાત્કાલિક દાખલ કરી દીધો હતો.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં મોત સામે લડતા ધર્મેન્દ્રનું મોઢું જોવા રાત-દિવસ પરિવાર તરફડતું હતો. ખેડૂત પિતા સહિત પત્ની અને ત્રણેય સંતાન સુરત જવાની જીદ પકડીને બેઠાં હતાં. સુરતમાં એકનો એક મિત્ર ચંદન તેની સેવા ચાકરી કરતો હતો. રોજ ફોન પર ચંદન સાથે વાત કરીને ધર્મેન્દ્રના હાલ ચાલ પૂછી લેતા હતા. જોકે પરિવારે આશા છોડી દીધી હતી. સિવિલના ડોક્ટરોએ જ ધર્મેન્દ્રને નવું જીવન આપ્યું છે.

હું ઘરે આવું છું કહેતા જ પરિવારની આંખ છલકાઈ

વધુમાં તેમણએ જણાવ્યું હતું કે પિતા બાદ 5 બહેનોનો એકનો એક મોટો ભાઈ હોસ્પિટલમાં મોત સામે લડતો હોવાથી પરિવારે ત્રીજા નંબરની દીકરી અનીતાના લગ્ન પણ રદ કરી દીધા હતા. અનીતાના આજે એટલે કે 28 ફેબ્રુઆરીના રોજ વતન યુપી રાયબરેલીમાં લગ્ન હતા. પરિવારે લગ્નની તમામ તૈયારીઓ કરી નાખી હતી. ત્યાર બાદ દીકરો કોરોના પોઝિટિવ થયો હોવાની જાણ થઈ હતી. ધર્મેન્દ્રને રજા મળી ગઈ હોવાના સમાચાર મળતાં જ પરિવારમાં દિવાળી જેવો ખુશીનો માહોલ બની ગયો હતી. ધર્મેન્દ્રએ હોસ્પિટલ બહારથી જ પરિવારના સભ્યો સાથે મોબાઈલ પર વાત કરી. હું આવું છું ઘરે, એમ કહેતાં તમામની આંખ છલકાઈ ગઈ હતી. યાદવ પરિવાર સુરત સિવિલના ડોક્ટરો ડો. અશ્વિન વસાવા, ડો. સંદીપ કાકલોતર, ડો. ભૂમિકા, ડો. ગ્રીનિષ, ડો. એકતા, નરસિંગ સ્ટાફ, અને વોર્ડના તમામ કર્મચારીઓનો બે હાથ જોડી ભીની આંખે આભાર વ્યક્ત કરી આખી જિંદગી આભારી રહીશું એવું જણાવ્યું હતું.

ડો. સંદીપ કાકલોતરે જણાવ્યું હતું કે દર્દી આવ્યો ત્યારે એની તબિયત ખૂબ જ ગંભીર હતી. જોકે યુનિટ હેડ ડો. અશ્વિન વસાવાના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક કોવિડ-19 હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરી દર્દીની સારવાર શરૂ કરી હતી. 24મી માર્ચ 2021ના રોજ દર્દીનું ઓક્સિજન લેવલ 60 ટકા જ હતું. સીટી સ્કેન રિપોર્ટમાં 75-80 ટકા ફેફસાંનું ઇન્ફેક્શન આવ્યુ હતું. 15 દિવસ સુધી બાયપેપ પર રાખી દર્દીને ઓક્સિજન પર શિફ્ટ કરાયો હતો. રેમડેસિવિર ઇન્જેક્શન, લોહી પાતળું કરવાનાં ઇન્જેક્શન અને સ્ટ્રોઇડ સાથે બીજી દવા આપી ધર્મેન્દ્રને 34 દિવસ સુધી સારવાર આપ્યા બાદ નોર્મલ કરવામાં ડોક્ટરો સફળ થયા હતા. 27 એપ્રિલે દર્દીને રજા આપ્યા બાદ ડોક્ટરો પણ ભાવુક બનીને દરવાજા સુધી છોડવા ગયા હતા. અમને ખુશી ત્યારે જ થાય છે જ્યારે દર્દી આ મહામારીમાં સાજો થઈ હોસ્પિટલમાંથી હસતાં હસતાં વિદાય થાય છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો