હિંમતનગર ઇડર રોડ પર વનવિભાગની ગાડીએ યુવક અને ફિયાન્સીને કચડતાં બંનેનાં મોત, આગામી સીઝનમાં લગ્ન થવાનાં હતાં
હિંમતનગર ઈડર રોડ પર ગુરૂવારે સમી સાંજે નેત્રામલી નજીક વન વિભાગના ડીસીએફ( ડિસ્ટ્રિક્ટ કોન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ, સામાજિક વનીકરણ અધિકારી)ની સરકારી ગાડીએ બાઇકને ટક્કર મારતાં બાઇકચાલક યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે તેની સાથે સગપણ કરેલી યુવતીનું સારવાર દરમિયાન કરુણ મોત થયું હતું. આગામી લગ્ન સીઝનમાં બંનેનાં લગ્ન થવાનાં હતાં. અકસ્માત સર્જીને ચાલક અને તેની સાથેના અધિકારી ફરાર થઇ ગયા હતા. સરકારી વાહન અને વાહનમાં અધિકારીની હાજરી હોવાની ચર્ચા વચ્ચે ઇડર પોલીસે ગાડીનો નંબર લખી ગુનો નોંધ્યો છે, જેને પગલે ચાલક અને તેની સાથે કયા અધિકારી સફર કરી રહ્યા હતા એની ચર્ચાએ જોર પકડ્યું છે.
પોલીસસૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ભિલોડાના મુનાઇ ગામના સંજયભાઇ લક્ષ્મીકાંત સુતરિયાનું ચારેક માસ અગાઉ ઇડરના રૂદરડીના મમતાબેન પરાગભાઇ વણકર સાથે સગપણ કર્યુ હતું. તા. 31-12-20 ના રોજ મમતાબેનનો જન્મ દિવસ હોઇ સવારે આઠેક વાગ્યે બાઇક નં. જી.જે-9-એ.ક્યુ-8833 લઇને મુનાઇ થી નીકળી રૂદરડી પહોંચ્યો હતો અને મમતાબેનને લઇ બપોરે ફરવા માટે ઇડર આવ્યો હતો અને સાંજે મમતાબેનને રૂદરડી ગામે પરત મૂકવા જવા દરમિયાન નેત્રામલી નજીક રાઇટ ચોઇસ હોટલ સામે સાંજે છ એક વાગ્યાના સુમારે ડીસીએફ લખેલ ટાટાસુમો નં. જી.જે-9-જી.એ-1112 ના ચાલકે બાઇકને પાછળથી ટક્કર મારતા બંને જણા રોડ પર પટકાયા હતા અને સંજયભાઇનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરૂ ઉડી ગયુ હતું. જ્યારે મમતાબેનને જીવનમરણ વચ્ચે ઝોલા ખાતા સારવાર અર્થે લઇ જવા દરમિયાન કરુણ મોત થયું હતું.
અકસ્માત સર્જીને સરકારી વાહન મૂકીને ચાલક ફરાર થઇ ગયો હતો અને તેની સાથે કોઇ અધિકારી પણ હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે. નોંધનીય છે કે ઘટનાના 20 કલાક બાદ પણ ચાલકને હાજર કરવાની અધિકારીએ તસદી લીધી નથી.
તપાસ અધિકારી ઇડર પીએસઆઇ સુરેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું કે ઘટનાસ્થળે અકસ્માત સર્જનાર વાહન જ મળ્યુ હતું. ચાલક કે અન્ય કોઇ હાજર ન હતું. આગામી લગ્ન સીઝનમાં લગ્નગ્રંથીથી જોડાનાર યુવક-યુવતીના અકાળે મોતને પગલે વણકર સમાજમાં શોકની કાલીમા છવાઇ છે. ડીસીએફ રેન્કના અધિકારીના સરકારી વાહન દ્વારા અકસ્માત સર્જાવાના કિસ્સામાં પણ કાયદાનો અમલ કરવાના મામલે બેદરકારીનો અનુભવ થઇ રહ્યો છે.
કમનસીબ મૃતકો
સંજયભાઇ લક્ષ્મીકાંત સુતરિયા, રહે. મુનાઇ તાલુકો ભિલોડા
મમતાબેન પરાગભાઇ વણકર, રહે. રૂદરડી તાલુકો ઇડર
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

