સુરતમાં ફસાઈ ગયેલા યુપીવાસી શ્રમિકને વતન ન જવા દેતા મોબાઈલ વીડિયો કોલથી મૃતક પત્નીની અંતિમ વિધિનો સાક્ષી બન્યો

કોરોનાના લોકડાઉનમાં સરકારના બદલાતા રોજે રોજના નિયમોથી સામાન્ય લોકોની હાલત લાચાર થઈ છે. સુરતમાં ફસાઈ ગયેલા યુપીવાસી શ્રમિકે મોબાઈલ વીડિયો કોલથી મૃતક પત્નીની અંતિમ વિધિનો સાક્ષી બન્યો છે. પત્નીના મોતના સમાચાર સાંભળી 2500 રૂપિયા ખર્ચી ખાનગી બસમાં વતન જવા નીકળેલા સતેન્દ્રને દાહોદ બોર્ડર પર તૈનાત જવાનોએ મદદ કરવાના બદલે નિયમોના પાઠ ભણાવી પરત સુરત મોકલવી આપ્યો હતો. 5 વર્ષથી પરિવારથી દૂર સતેન્દ્ર આખરી ક્ષણોમાં પત્નીનું મોઢું પણ ન જોઈ શક્યો પણ હવે સામાજિક કાર્યકરની મદદથી બારમાની વિધિમાં પહોંચે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.

પિતાએ ફોનમાં પત્નીના મોતના સમાચાર આપ્યા

સતેન્દ્રએ જણાવ્યું હતું કે, છેલ્લા 5 વર્ષથી સુરતની ડાઈંગ મીલમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો આવ્યો છે. 1200-1500 કિલો મીટર દૂર વતનમાં રહેતા મજબૂર પિતા, પત્ની, 3 બાળકો અને વૃદ્ધ દાદી મહિનાના છેલ્લા દિવસોમાં પૈસાની રાહ જોતા હોય છે. સુરતમાં મળેલી રોજગારી પર વતનમાં રહેતા પરિવારનું પેટિયું ભરતા સતેન્દ્રને 2જી મેંના રોજ પિતાએ ફોન દ્વારા પત્ની કાંતિના મોતના સમાચાર આપ્યા હતા. બીમાર પત્નીના મોતને લઈ જાણે માથે પહાડ તુટી પડ્યો હોય એમ લાગતું હતું. એકબાજુ લોકડાઉન અને બીજી બાજુ આર્થિક અને માનસિક તણાવ વચ્ચે વતન જઇ પત્નીની અંતિમ વિધિમાં ભાગ લેવો અસંભવ હતું.

મિત્રોએ મદદ કરી પણ સરકારી નિયમો નડ્યા

વતન જવા સતેન્દ્રને મિત્રોએ આર્થિક મદદ કરતા 3 જી મેંના રોજ સવારે વતન જવા નીકળ્યો હતો. પાંડેસરા ગણેશ નગર પાસેથી ખાનગી બસમાં 3 ઘણો ભાવ આપી 2500ની ટીકીટ લઈ રવાના થયો. જોકે દાહોદ-ગોધરા બોડર પર તૈનાત જવાનોએ બસની પરવાનગી ન હોવાનું કહ્યું, સતેન્દ્રએ બે હાથ જોડી અધિકારીઓને આજીજી કરતા કહ્યું, સાહેબ મારી પત્ની વતનમાં મૃત્યુ પામી છે એની વિધિ માટે જઈ રહ્યો છું, વતનમાં પરિવાર સાથે મોબાઈલ પર વાત પણ કરાવવાનો પ્રયાસ કર્યો પણ ત્યાંના અધિકરીઓએ નિયમોના પાઠ ભણાવી નિષ્ઠુરતા દર્શાવી હતી. ત્યારબાદ સુરત પરત આવવાની વાત થઈ તો બસના ડ્રાઇવરે તમામ મુસાફરો પાસે 200 રૂપિયા ફરી ઉઘરાવ્યાનું કહેતા સતેન્દ્રએ ઉમેર્યું કે, રૂપિયા વગર કશું ચાલતું નથી.

સામાજિક આગેવાન આગળ આવ્યા

રાત્રે 12 વાગે સુરત પરત ફરેલા સતેન્દ્રને જોઈ પાડોશીઓ પણ ચોંકી ગયા હતા. પોતાની વ્યથા કહ્યા બાદ આશ્વાસન આપી તમામ ઘરે ચાલી ગયા હતા. જોકે આ વાત ની જાણ થયા બાદ સામાજિક આગેવાન વિલાશ પાટીલે કોઈ પણ ખર્ચ વગર ટીકીટ કઢાવી આપવાની વાત કરી છે તેમ કહેતા સત્યેન્દ્ર જણાવ્યું કે,હવે બારમાની વિધિમાં પહોંચી શકું તો સારૂ.વિલાસ પાટીલએ જણાવ્યું હતું કે, સતેન્દ્ર બાબુલાલ વર્મા (રહે, મરાઠા નગર તેરે નામ ચોકડી પાંડેસરા)પત્નીનું આખરી ક્ષણે મોઢું પણ ન જોઈ શકનાર સતેન્દ્રથી કુદરત પણ નારાજ હોય એમ લાગે છે. જો કે અમેં એમને વતન મોકલવાની જવાબદારો ઉપાડી છે અને બને એટલી જલ્દી સતેન્દ્રની ટીકીટ કન્ફર્મ કરી એને યુપી રવાના કરવાના પ્રયાસ ચાલી રહ્યાં છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો