અમદાવાદમાં વાઈફ સ્વેપિંગ માટે દબાણની ચોંકાવનારી ઘટના સામે આવી, પત્નીએ વિરોધ કરતાં પિયર જવું પડ્યું, પતિના અન્ય યુવતીના સંબંધ ખબર પડતાં પરિણીતાએ નોંધાવી ફરિયાદ

અમદાવાદ શહેરના માલેતુજાર પરિવારમાં બેડરૂમ પાર્ટનર બદલવાની વાત, એટલે કે વાઈફ સ્વેપિંગની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પતિ પોતાની પત્નીને અન્ય સાથે બેડરૂમ શેર કરવા દબાણ કરતા હોવાની ફરિયાદ શહેરના પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પત્નીએ આ વાતનો વિરોધ કરતાં આખરે તેને પિયર કાઢી મૂકી અને અન્ય યુવતી સાથે સંબંધ બાંધ્યા હોવાના આક્ષેપ કર્યા હોવાની ફરિયાદ સામે આવી છે.

પરિણીતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, શહેરના એસજી હાઈવે નજીકના સરખેજ-મકરબા વિસ્તારમાં રહેતા યુવક રોહન સાથે નેહા (નામ બદલેલું છે)ના 2004માં સામાજિક રીતરિવાજ મુજબ લગ્ન થયાં હતાં. લગ્નજીવન દરમિયાન તેમને એક 11 વર્ષનો દીકરો પણ છે. પરિવાર સાસુ અને સસરા સાથે રહે છે. લગ્ન સમયે નેહાના પિતા અને સગાંવહાલાંએ નેહાને ભેટમાં ડાયમંડની જ્વેલરી અને સોના-ચાંદીના દાગીના ભેટમાં આપ્યાં હતાં. તેણે તેનાં પતિ, સાસુ અને સસરા વિરુધ્ધ શારીરિક-માનસિક ત્રાસ, ચારિત્ર્યહીન હોવાના ખોટા આરોપ લગાવવા, અવારનવાર ઝઘડા અને તકરાર, મારઝૂડ, છૂટાછેડા આપવા દબાણ કરવું તથા ઘરમાંથી કાઢી મૂકવા દબાણ કરતાં હોવાની ફરિયાદ નોંધાવી છે.

2017થી ત્રાસ ગુજારાતો હોવાનો અને વાઈફ સ્વેપિંગનો ફરિયાદમાં ઉલ્લેખ
એપ્રિલ 2017થી પતિને દૃષ્ટિ (નામ બદલેલું છે) નામની યુવતી સાથે આડાસંબંધની નેહાને જાણ થઈ હતી, જેને પગલે બંને વચ્ચે ઝઘડાઓ થતા હતા અને પતિ ઉશ્કેરાઈને ગંદી ગાળો બોલી મારઝૂડ કરતો હતો. બંને વચ્ચે મનમેળ ઓછો થતાં પતિએ નીરવ (નામ બદલેલું છે) સાથે અવારનવાર (વાઈફ) સ્વેપિંગ કરવા દબાણ કરવા માંડ્યું હતું, જેનો નેહાએ વિરોધ કર્યો હતો અને ના પાડતાં ઝઘડા કરી ગાળો બોલી ચારિત્ર્યહીન અને ખરાબ ચાલ-ચલગતવાળી હોવાનું કહેતાં મહારાષ્ટ્રમાં રહેતા તેના ભાઈને આ વાતની જાણ કરી હતી.

મહારાષ્ટ્રથી આવેલા નેહાના ભાઈએ પતિને સમજાવતા હેરાન નહીં કરવા બાંહેધરી આપી હતી. સાળાને બાંહેધરી આપવા છતાં પતિ બીજી યુવતી સાથે સંબંધ રાખતાં અને નેહા કંઈ કહે તો તેને ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપતા અને ચારિત્ર્યના ખોટા આક્ષેપો કરતા હતા. જ્યારે 27 જાન્યુઆરી 2020એ દીકરાને સ્કૂલથી કાકા સસરા જાણબહાર લઈ ગયા હતા. ખૂબ આજીજી કરવા છતાં તે ક્યાં છે એ જણાવ્યું ન હતું, પરંતુ ત્યારે સાંજે શંકા જતાં તેમના ઘરે જતાં ત્યાં દીકરો જોવા મળ્યો હતો.

પતિએ કાકા સસરાને તેને પૂછ્યા વગર દીકરો કોઈને પણ ન આપવા કહ્યું
આજીજી બાદ પણ કાકા સસરાએ પતિએ કહ્યું હોવાથી દીકરાને ન આપતાં નેહા ઘરે જઈને બેગમાં કપડાં ભરીને કાકા સસરાના ઘરે રહેવા ગઈ હતી. જોકે પતિ ત્યાં જ હાજર હતો અને તેણે બીજા રૂમમાં લઈ જઈને કહ્યું હતું કે તું જ્યાં સુધી છૂટાછેડા નહીં આપે ત્યાં સુધી તેને દીકરો નહીં મળે અને તું અહીંથી નીકળી જા નહીં તો પોલીસ ફરિયાદ કરીશ.

પતિએ કાકા સસરાના ઘરેથી જતા રહેવાનું કહેતાં નેહાએ પોતાના મામાના દીકરાને ફોન કરીને સમગ્ર વાત કહેતાં તે અને માસીનો દીકરો દોડી આવ્યા હતા. બંનેએ તેના પતિ અને કાકા સસરાને સમજાવ્યા હતા, જેથી મોડે દીકરા સાથે મોકલી હતી, જેની નેહાએ તેના પિતાને વિગતે વાત કરી હતી. ગઈ 31 જાન્યુઆરીએ તેના પિતા અને ભાઈ અન્ય સગાં સાથે આવ્યા હતા. બંને પરિવારો વચ્ચે સમાધાન થયેલું અને લખાણ કરેલું કે 29 જાન્યુઆરી પહેલાંની કોઈપણ હકીકત બંને પતિ-પત્ની ભૂલી જશે અને ભવિષ્યમાં ઝઘડો નહીં કરે.

લખાણ મુજબનું પતિ અને પરિવારે કોઈ જ પાલન કર્યું ન હતું અને નેહાને ફરી જાણ થઈ હતી કે દૃષ્ટિ અને તેના પતિ એકબીજા સાથે આડાસંબંધ ધરાવે છે અને નેહાને ઘરમાંથી કાઢી મૂકવાની વાતચીત કરતા, પતિ અને સાસુ-સસરા રોજ મહેણાંટોણાં મારીને અમારે તેને રાખવી નથી, તું છૂટાછેડા આપી તારા દીકરાને લઈને પિયર જતી રહે કહીને ગંદી ગાળો બોલતાં હતાં. નેહાની સાસુ તેના ઉપર હાથ ઉપાડી શારીરિક-માનસિક ટોર્ચર કરતાં હતાં અને તેનો પતિ છેલ્લા એક વર્ષથી તેની સાથે પતિ-પત્નીનો સંબંધ રાખતો ન હતો. એટલું જ નહીં, તેને બોલાવતો પણ ન હતો.

ગઈ 4 માર્ચે એસજી હાઈવે પરના ક્રાઉન પ્લાઝા હોટલમાં નેહાનો ભાઈ અને જીજાએ તેના પતિ અને સાસુ-સસરાને વાતચીત માટે બોલાવ્યા હતા. તેમની સાથે કાકા સસરા અને કાકી સાસુ આવ્યાં હતાં. ત્યારે તેઓ બોલવા લાગતા તેમને નેહાના ભાઈ અને બનેવીએ શાંત પાડ્યા હતા તેમજ નેહા અને દીકરાને સાથે લઈ જવા કહ્યું હતું.

ઓક્ટોબરમાં નેહા જે રૂમમાં રહેતી હતી એ રૂમમાંથી તેના પતિ અને સાસુ-સસરાએ બંનેને લોબીમાં કાઢી મૂકીને રૂમને તાળું મારી દીધું હતું અને સામાન પણ આપ્યો ન હતો, જેથી તેણે પોલીસ બોલાવીને સામાન લીધો હતો. બાદમાં દીકરાના રૂમમાં બંને રહેવા ગયા હતા અને હાલ ત્યાં જ રહે છે. લગ્ન સમયના તમામ દરદાગીના નેહા અને તેના પતિના જોઈન્ટ લોકરમાં પડ્યા છે, જે તેને આપતા ન હોવાથી નેહાએ બેંકમાં અરજી આપીને એને સીલ કરાવી દીધું છે.

નેહાએ ફરિયાદમાં જણાવ્યું છે કે જ્યારે તે તેના અને દીકરા માટે રસોઈ બનાવવા માટે રસોડામાં પ્રવેશે ત્યારે તેના સસરા બહાર કાઢી મૂકીને કહેતા કે અમારી લાવેલી ચીજવસ્તુઓ તમને ખાવાપીવા નહીં મળે. તું અહીંથી ઘર છોડીને ચાલી જા. ઘરના નોકરોને પણ નેહાની કોઈ વાત ન સાંભળવા અને કામ ન કરવા કહી દીધું છે. ગઈ 24 જુલાઈએ નોકરાણીને રસોડાના કામે બોલાવી તો સાસુ-સસરાએ વિરોધ કરીને કહ્યું હતું કે આ ઘર અમારું છે, અહીં તારી બોલાવેલી કોઈ વ્યક્તિને રહેવા દઈશું નહીં અને પોલીસ બોલાવીને નોકરાણીને ઘરમાંથી કાઢી મૂકી હતી.

નેહાએ આરોપ લગાવ્યો છે કે તેનાં પતિ અને સાસુ-સસરા નોકરો સાથે તેનું નામ જોડીને મનફાવે તેમ બોલતાં હતાં. સાસુ-સસરા રૂમમાં આવીને ગમે ત્યારે ઘર ખાલી કરી જતા રહેવા દબાણ કરીને માનસિક ત્રાસ આપતાં હતાં. છેલ્લાં 3 વર્ષથી પતિ, સાસુ અને સસરા અવારનવાર જુદી જુદી રીતે શારીરિક-માનસિક ત્રાસ આપતાં હોવાનો ફરિયાદમાં આરોપ લગાવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો