ભરતસિંહ સોલંકીના પત્નીની નોટિસ: ‘મારા બેંક એકાઉન્ટમાંથી પતિએ 3 લાખ ડોલર અન્ય વ્યક્તિને ટ્રાન્સફર કર્યા, તેમની મિલકતમાં મારો ભાગ હોવાથી કોઈએ ખરીદવી નહીં’

ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો પત્ની સાથેનો વિવાદ હવે વધુ વકરી રહ્યો છે. ભરતસિંહનાં પત્ની રેશમા પટેલે વધુ એક નોટિસ આપીને તેમની મિલકતમાં પોતાનો ભાગ હોવાનું કહીને કોઈએ એ મિલકત ન ખરીદવાની અપીલ કરી છે. પત્નીના બેંક ઓફ અમેરિકાના ખાતામાંથી ભરતસિંહ સોલંકીએ 3 લાખ ડોલરથી વધારે નાણાં મનીષાબેન અને અન્ય ઇસમોનાં ખાતાંમાં ઓનલાઇન ટ્રાન્સફર કરી દીધા હોવાનો પણ નોટિસમાં આક્ષેપ કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અગાઉ પત્નીએ ભરતસિંહની નોટિસનો જવાબ આપ્યો હતો
ભરતસિંહનાં પત્ની રેશમા પટેલે પોતાના વકલ મારફત આપેલી નોટિસમાં જણાવ્યું છે કે અમારા અસીલ રેશમાબેન ભરતસિંહ સોલંકીનાં પત્ની અને પ્રકાશચંદ્ર મણિભાઇ પટેલની પુત્રી(રહે, હાલ અમેરિકા) જાહેર ચેતવણી આપીએ છીએ કે અમારા અસીલના કાયદેસરના લગ્ન ભરતસિંહ માધવસિંહ સોલંકી સાથે થયેલા હતા, પરંતુ હાલમાં અસીલના પતિ સાથે વિખવાદ ઊભો થતાં અમારા અસીલને ઘરેથી કાઢી મૂક્યા હતા અને તેમણે જાહેર નોટિસ આપેલી હતી અને જેના જવાબમાં અમારા અસીલે જાહેરમાં નોટિસનો ખુલાસો 14 જુલાઇ-2021ના દૈનિક પેપરમાં આપ્યો હતો.

જંગમ તથા સ્થાવર મિલકત કોઇ ઇસમે ખરીદવી નહીં
અમારા અસીલ બોરસદ ખાતે રહેતા હતા. તેમનું ઘર તેમના પતિ ભરતસિંહ સોલંકીએ ધમકી આપીને ખાલી કરાવ્યું હતું, જેથી અમારા અસીલ પાસે રહેવાનું કોઇ સ્થાન ન હોવાથી અને જીવનું જોખમ હોવાથી કારણે તેઓ તાત્કાલિક અમેરિકા જતાં રહ્યાં છે અને અમારા અસીલના પતિના નામે જંગમ અને સ્થાવર મિલકત તેમજ તેમનાં સગાં-વહાલાં તથા મિત્રોના નામે લીધેલી જંગમ તથા સ્થાવર મિલકત 6 માસ પહેલાં કે હાલમાં કોઇ ઇસમે ખરીદવી નહીં, કારણ કે તેમની મિલકતમાં અમારા અસીલનો ભાગ છે, જેથી કોઇ તેમની મિલકત ખરીદશે તો અમારા અસીલ કાયદેસરની કાર્યવાહી કરશે.

બેંક એકાઉન્ટમાંથી 3 લાખ ડોલર અન્ય વ્યક્તિને ટ્રાન્સફર કર્યા
અમારા અસીલના બેંક ઓફ અમેરિકાના ખાતામાંથી ભરતસિંહ સોલંકીએ 3 લાખ ડોલરથી વધારે નાણાં ઓનલાઇન મનીષાબેન અને અન્ય ઇસમોનાં ખાતાંમાં ટ્રાન્સફર કરી દીધાં છે, જેની જાણ અમારા અલીસને કરી નથી. આ નાણાં પરત નહીં આવે તો અમારાં અસીલ એ અંગે અમેરિકાથી કાયદેસરની કાર્યવાહી કરશે.

ભરતસિંહે વકીલ મારફત જાહેર નોટિસ પાઠવી હતી
આ પહેલાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગુજરાત કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પોતાના વકીલ મારફત એક જાહેર નોટિસ પાઠવી હતી કે તેમનાં પત્ની રેશ્મા પટેલ છેલ્લાં ચાર વર્ષથી તેમની સાથે રહેતાં નથી અને તેમનાં કહ્યાંમાં નથી. ભરતસિંહ સોલંકીએ નોટિસમાં જણાવ્યું છે કે કોઈપણ વ્યક્તિએ પત્ની સાથે તેમના નામનો ઉપયોગ કરી કોઈપણ પ્રકારની નાણાકીય લેવડદેવડ કે અન્ય સંબંધો રાખવા નહીં. જો આમ થશે તો ભરતસિંહ એ માટે જવાબદાર રહેશે નહીં.

પત્નીએ પતિની નોટિસનો જવાબ આપ્યો હતો
રેશ્મા પટેલે પતિ ભરતસિંહ સોલંકીએ આપેલી નોટિસના અનુસંધાનમાં કરેલા ખુલાસામાં વધુમાં જણાવ્યું હતું કે મારા પતિ ભરતસિંહ સોલંકીએ 13-7-2021ના રોજ જાહેર નોટિસ આપી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે મારા પત્ની રેશ્મા પટેલ મારા કહ્યામાં નથી અને અમારી સાથે રહેતાં નથી, એવા આરોપો મૂક્યા છે. વાસ્તવમાં પતિ ભરતસિંહ સોલંકી કોરોનાની બીમારીમાંથી બહાર આવ્યા બાદ તેમનું અમારા પ્રત્યેનું વર્તન બદલાઇ ગયું હતું. મારી સાથે ગાળાગાળી કરતા હતા અને અમને પહેરેલાં કપડાંએ ઘરમાંથી કાઢી મૂક્યા છે.

રાજકારણના હોદ્દાનો દુરુપયોગ કરી છૂટાછેડા લેવા માટે દબાણ કરે છે
રેશ્મા પટેલે કરેલા ખુલાસામાં એમ પણ જણાવ્યું હતું કે પતિ ભરતસિંહ સોલંકી રાજકારણના મોટા હોદ્દાનો દુરુપયોગ કરી છૂટાછેડા લેવા માટે દબાણ કરી રહ્યા છે. અમે અમારા પતિ સાથે કોઇ ગેરવર્તણૂક કરી નથી. અમે તેમની સાથે પત્ની તરીકે રહેવા તૈયાર છે. અમારો કોઇ વાંક ન હોવા છતાં પતિ અમને માનસિક ત્રાસ આપી રહ્યા છે. હાલ અમે કોઇના ઘરે આશ્રિત તરીકે રહીએ છે. ત્યાં પણ અમને શાંતિથી રહેવા દેતા નથી અને અલગ-અલગ વ્યક્તિ પાસે ધમકીઓ આપવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો