કચ્છથી ઓડિશા જતા સમયે કોરોનાગ્રસ્ત પતિનું થયું મોત, સસરાએ મોં ફેરવી લીધું, પત્નીએ અંતિમવિધિ પહેલાં દાગીના વેચી એમ્બ્યુલન્સનું ભાડું ચૂકવ્યું

વૈશ્વિક મહામારી કોરોના હવે માનવતાની સાથે સંબંધોની પણ પરીક્ષાઓ લઈ રહ્યો છે. કચ્છમાં કામ કરતા અને મૂળ ઓડિશાના વતની એક યુવકનું ઓડિશા જતી સમયે કોરોનાને કારણે નિધન થતાં તેનાં પત્ની અને પુત્રીઓએ સપનેય ના વિચારી હોય એવી સ્થિતિમાંથી પસાર થવાનો વારો આવ્યો છે. પતિના મોત બાદ પત્નીએ સસરા પક્ષનો સંપર્ક કર્યો તો તેને ગામમાં આવવાનો જ ઈન્કાર કરી દેતાં પત્ની અને બંને પુત્રીઓએ જ પતિના અંતિમસંસ્કાર કરવા પડ્યાં હતાં.

કચ્છમાં યોગ્ય સારવાર ના મળતા પરિવાર ઓરિસ્સા જવા નીકળ્યો હતો
કચ્છના ભચાઉ શહેરમાં 17 વર્ષેથી રહેતો જયકિશન પ્રધાન નજીકના નમક ઉદ્યોગમાં કામ કરતો હતો, જે બે સપ્તાહ અગાઉ કોરોના સંક્રમિત થયો હતો, જેની ભચાઉ, ગાંધીધામના તબીબો પાસે સારવાર કરાવવામાં આવી હતી, જે યોગ્ય પુરવાર ન થતાં અંતે જી.કે. જનરલમાં દાખલ થયો હતો, જ્યાં આસપાસના ચાર જેટલા દર્દીઓના કોરોનાથી મોત થતાં જયકિશન ગભરાઈ ગયો હતો અને અડધો કલાક ઓક્સિજન મળ્યા બાદ કોઈ તપાસ માટે આવતું ન હોવાનું તેણે પત્નીને જણાવ્યું હતું, એવો આક્ષેપ તેની પત્નીએ કર્યો હતો.

તેથી પત્ની સુકાન્તિ પ્રધાનને તેના પતિના સચોટ ઉપચાર માટે હવે એક જ રસ્તો સૂઝતો હતો, ઓડિશા જવાનો. તેથી પત્નીએ લોન્ગ રૂટમાં જતી એમ્બ્યુલન્સની તપાસ કરતાં એક સજ્જન દ્વારા ઓક્સિજન સાથેની એમ્બ્યુલન્સ ગાંધીધામથી મગાવી આપી. ભુજથી તા. 15/4ના બપોરે પતિને સાથે લઈ ભચાઉ આવ્યા, ત્યાંથી બન્ને પુત્રીઓને લઈ ઓડિશા જવા રવાના થયા હતા. દરમિયાન મહારાષ્ટ્ર બોર્ડર પર સવારે 5.30 કલાકે પતિ જયકિશનનું મૃત્યું થયું હતું.

ઓડિશા પહોંચે એ પહેલાં જ જયકિશનનું મોત નીપજ્યું

જયકિશનનાં પત્ની સુકાન્તિ પ્રધાને જણાવ્યું હતું કે તેઓ ગુજરાતથી આગળ વધી રહ્યાં હતાં અને મહારાષ્ટ્ર બોર્ડર પાસે જ પહોંચ્યાં હતાં ત્યારે જ તેમનાં પતિએ દમ તોડી દીધો હતો. પત્નીએ હિંમત રાખી એમ્બ્યુલન્સ દવાખાને લઈ ગયા હતા, જ્યાં ડોકટરે જયકિશનને મૃત જાહેર કર્યો હતો.

સસરાને ફોન કર્યો તો આશ્વાસનને બદલે જાકારો આપ્યો-સુકાન્તિ

બે નાની પુત્રી અને પોતાની સામે પતિની લાશ હતી. ત્યારે જ સુકાન્તિએ તેના સસરાને ફોન કર્યો હતો. સુકાન્તિનું માનીએ તો તેમણે પણ આશ્વાસનની જગ્યાએ અહીં તમારું કાઈ કામ નથી, હવે યાદ કરો છો? એમ જેમ તેમ બોલીને ફોન કાપી નાખ્યો હતો.

પતિની અંતિમવિધિ પહેલાં દાગીના વેચી એમ્બ્યુલન્સનું ભાડું ચૂક્વ્યું

કચ્છથી ઓડિશા જવા માટે સુકાન્તિએ 80 હજાર રૂપિયામાં એમ્બ્યુલન્સનુ ભાડું નક્કી કર્યું હતું. ઓડિશા પહોંચ્યા બાદ એમ્બ્યુલન્સના ડ્રાઈવરને પરત જવાની ઉતાવળ હોઈ સુકાન્તિએ ભાડાની ઘટતી રકમ ચૂકવવા માટે દાગીના વેચવાની ફરજ પડી હતી. બાદમાં બંને પુત્રી અને પોતે જાતે જ સ્મશાનમાં જઈ પતિના અંતિમસંસ્કાર કર્યા હતા.

માતા-પિતા અને ભાઈ મળવા આવ્યા તો ગ્રામજનોએ તેનો બહિષ્કાર કર્યો

સુકાન્તિનું માનીએ તો કોરોનાને કારણે તેને અને તેની બંને પુત્રીઓએ તો ભોગવવાનો વારો આવ્યો છે, પણ સાથે તેના પિયરપક્ષના લોકોની મુશ્કેલી પણ વધી છે. તેની હાલત જાણી તેનાં માતા-પિતા અને ભાઈ તેમને મળવા આવ્યા હોઈ, તેના ગામલોકોએ તેનો બહિષ્કાર કરી દીધો છે. કોઈ દુકાન પરથી હાલ તે લોકોને કોઈ ચીજવસ્તુઓ પણ નથી આપતા.

સુકાન્તિ અને તેની એક પુત્રી પણ કોરોના સંક્રમિત થયાં

કોરોના સંક્રમિત પતિને લઈ ઓડિશા જવા નીકળેલી પત્ની ત્યાં પહોંચે એ પહેલા જ પતિનું મોત નીપજ્યું હતું. હવે તેનો પોતાનો અને એક પુત્રીનો પણ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતાં હાલ સેવાભાવી લોકોની મદદથી પોતાના ગામની નજીક છુપાઈને રહેતાં હોવાની વાત કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો