રાજકોટમાં માનવતાને લજવતી કરૂણ ઘટના સામે આવી: કોવિડ કેર સેન્ટરમાં બે કલાક સુધી સારવાર માટે દર્દી તડપ્યો, એમ્બ્યુલન્સના ડ્રાઇવરે છાતી પર પમ્પીંગ કર્યુ, અંતે દમ તોડ્યો
રાજકોટમાં કોરોનાની સ્થિતિ એ હદે વણસી ગઇ છે કે એક પણ હોસ્પિટલમાં બેડ ખાલી નથી. બેડ ન મળવાને કારણે દર્દીઓને એમ્બ્યુલન્સમાં જ ઓક્સિજન ચડાવી સારવાર આપવામાં આવી રહી છે. ત્યારે ગઇકાલે શનિવારે માનવતાને લજવતી એક કરૂણ ઘટના બની ગઇ હતી. વૃદ્ધ દર્દીને કોવિડ કેર સેન્ટરમાં બે કલાક સુધી સારવાર માટે લઇ જવામાં આવ્યા ન હોવાથી એમ્બ્યુલન્સમાં જ દમ તોડી દીધો હતો. એમ્બ્યુલન્સના ડ્રાઇવરે વૃદ્ધ દર્દીને બચાવવા માટે છાતી પર પમ્પીંગ પણ કર્યુ હતું. છતાં તેઓ બચી શક્યા નહોતા. આ આખી ઘટનાનો વીડિયો વાઇરલ થયો છે.
બેડ ખાલી ન હોવાથી એમ્બ્યુલન્સમાં જ દર્દીને સારવાર અપાય છે
આ વાઇરલ વીડિયો રાજકોટની સમરસ હોસ્ટેલ કોવિડ કેર સેન્ટરનો છે. સમરલ હોસ્ટેલના પટાંગણમાં એમ્બ્યુલન્સના ઢગલા જોવા મળી રહ્યાં છે. તેમાં એક એમ્બ્યુલન્સમાં વૃદ્ધ દર્દીને ઓક્સિજન ચડાવી સારવાર અપાય રહી છે. પરંતુ સારવાર માટે અંદર લઇ જવામાં આવ્યા નહોતા. બાદમાં આ દર્દીની હાલત વધુ લથડતા એમ્બ્યુલન્સના ડ્રાઇવરો તેને બચાવવા માટે હાંફળા ફાંફળા બને છે. છતાં કોવિડ કેર સેન્ટરના સત્તાધિશો તેની દરકાર પણ કરતા નહોતા. અંતે સ્ટ્રેચર આવે છે અને વૃદ્ધ દર્દીને તેના પર સુવડાવવામાં આવે છે. પરંતુ ત્યાં સુધીમાં તો દર્દીએ અંતિમ શ્વાસ લઇ પણ લીધા હતા. બાદમાં એમ્બ્યુલન્સના ડ્રાઇવર તેને બચાવવા છાતી પર પમ્પીંગ કરે છે પરંતુ દર્દીએ અનંતની વાટ પકડી લીધી હતી.
સમરસ હોસ્ટેલમાં ઉભા કરાયેલા કોવિડ કેર સેન્ટરમાં સ્ટાફની અછત હોવાથી નવા દર્દીઓને એડમિટ ન કરાતા હોવાની વાત પણ સામે આવી છે. આથી દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. વૃદ્ધ દર્દીની સાથે એક વૃદ્ધાને પણ ઓક્સિજન ચડાવી એમ્બ્યુલન્સમાં સારવાર અપાય રહી રહી હોવાનું વીડિયોમાં જોવા મળે છે. રાજકોટની સિવિલ હોસ્પિટલની બેદરકારીના અનેક કિસ્સા સામે આવે છે ત્યારે વધુ એક બેદરકારીનો કિસ્સો સામે આવતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. મૃતક વૃદ્ધ દર્દીના કોઇ પણ વાલીવારસ સાથે આવ્યા ન હોવાનું વીડિયોમાં જોવા મળે છે.
રાજકોટમાં એમ્બ્યુલન્સ કોરોનામાં વ્યસ્ત, મહિલાનું મોત
રાજકોટના માધાપર ચોકડી પાસે એક મહિલા મૃત હાલતમાં મળી આવતા ગાંધીગ્રામ પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી. બાદમાં મહિલાનો મૃતદેહ પીએમ માટે હોસ્પિટલે ખસેડવાની તજવીજ હાથ ધરાઇ હતી. જોકે શહેરમાં તમામ એમ્બ્યુલન્સ હાલ કોરોનામાં વ્યસ્ત હોવાથી એક પણ એમ્બ્યુલન્સ ન મળતા મહિલાની ડેડબોડીને છકડો રિક્ષામાં લઇ જવી પડી હતી. 108ને ફોન કર્યો પરંતુ કોરોનામાં વ્યસ્ત હોવાથી 2 કલાક પછી પણ એમ્બ્યુલન્સ ન આવતા અંતે છકડો રિક્ષામાં મૃતદેહ લઇ જવો પડ્યો હતો.
પરિવારજનોએ 108ને કોલ કર્યો પણ આવી જ નહીં
મૃત મહિલાનું નામ જસુબેન ભીમાભાઇ ઓળકીયા (ઉં.વ.53) અને શહેરના રૈયાધાર પાસે રહેતા હોવાનું જાણવા મળ્યું હતું. સગા-સંબંધીઓને જાણ થતા સ્થળ પર પહોંચ્યા હતા. બાદમાં મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવા તાત્કાલિક 108માં કોલ કરવામાં આવ્યો હતો. જોકે 2 કલાક સુધી એમ્બ્યુલન્સ પહોંચી ન હતી અને અંતે પરિવારજનોએ છકડો રિક્ષા બોલાવી મૃતદેહ હોસ્પિટલ પહોંચાડ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

