પોલીસ મર્ડર/રેપ/લૂંટ/દારૂ/નાર્કોટિક્સનાં ખોટા કેસમાં ફિટ કરે તો શું કરવું? પૂર્વ IPSએ જણાવી ઉપયોગી માહિતી

પૂર્વ IPS રમેશ સવાણીએ નિવૃતિ બાદ એક અલગ જ ચીલો ચીતર્યો છે. સામાન્ય રીતે નિવૃતિ બાદ આઈપીએસ ઓફિસર્સ પોતાના પરિવાર સાથે વિતાવે છે. તેવામાં આ પૂર્વ આઈપીએસ સામાન્ય લોકો માટે કાયદાના ક્લાસ ખોલ્યા છે. ઓનલાઈન તેઓ મફતમાં કાયદાનું જ્ઞાન આપે છે. અને એવી તે સરળ ભાષામાં તેઓ કાયદો સમજાવે છે કે કોઈપણ વ્યક્તિ એકદમ સહજતાથી કાયદાનું જ્ઞાન સમજી પણ જાય છે.

અગાઉ રમેશ સવાણીએ અનેક મુદ્દાઓને આવરી લીધા છે. આ વખતે તેઓએ ‘કાયદાની કઈ જોગવાઈઓ ખોટા કેસમાંથી બહાર કાઢે?’ના વિષય સાથે ફેસબૂક પર પોસ્ટ કરી હતી. નીચે વાંચો તેમની સમગ્ર પોસ્ટ…

કાયદાની કઈ જોગવાઈઓ ખોટા કેસમાંથી બહાર કાઢે?

પોલીસ મર્ડર/રેપ/લૂંટ/દારુ/નાર્કોટિક્સના કેસમાં ફિટ કરે તો શું કરવું? પોલીસ કોઈ ગંભીર ગુનામાં ફિટ કરી દે તો શું ઉપાય છે? CrPC કલમ-173(8)માં ફર્ધર ઇન્વેસ્ટિગેશનની જોગવાઈ છે. મતલબ કે સત્યને શોધવાની જોગવાઈ છે. કોઇ પોલીસ અધિકારી તમને ખોટા કેસમાં ફિટ કરે તો તમે CrPC કલમ-173(8) હેઠળ સીનિયર પોલીસ અધિકારીને કે કોર્ટને વિનંતિ કરી શકો. 173(8) પોલીસની મનસ્વિતાને નિયંત્રિત કરે છે. ખોટા કેસ કરનાર કેટલાંય પોલીસ અધિકારીઓ જેલમાં ગયા છે. નાર્કોટિક્સના એક ખોટા કેસમાં ગુજરાત કેડરના એક IPS અધિકારી જેલમાં છે.

2011માં હું DIG રેલ્વે હતો અને CID ક્રાઈમ, વડોદરા ઝોન ઉપર મારું સુપરવિઝન હતું. તે વખતે મારી સમક્ષ 2006 નો એક કેસ આવ્યો. આપણે વિચારી પણ ન શકીએ તેવી ઘટનાઓ બની હતી. આરોપીઓની ચતુરાઈ/દાવપેચ/ખોટા પુરાવાઓ-ખોટા સાક્ષીઓ ઊભા કરવા/ સત્યને દબાવી દેવામાં એડવોકેટની ભૂમિકા વગેરે અંગે લખીએ તો નવલકથા કરતા પણ વધુ લખાય તેમ છે ! વડોદરા શહેરના ગોરવા પોલીસે 8 એપ્રિલ, 2006ના રોજ નાર્કોટિકસના કેસમાં એક માણસને પકડ્યો હતો. તેનું નામ હતું પ્રકાશ પિલ્લાઈ, તે પત્રકાર હતો. તેણે પોતાના ધરમાંથી ચોખાની ગુણીમાં નશીલા પદાર્થો છૂપાવ્યા હતા. ગોરવા પોલીસે પ્રકાશને અટક કર્યો અને રીમાન્ડ માટે જજ સામે રજૂ કર્યો. પ્રકાશે કહ્યું : “સાહેબ, પોલીસ માંગે તેટલા દિવસની રીમાન્ડ આપો. મેં કોઈ ગુનો કર્યો નથી !” ત્યાર બાદ પ્રકાશની પત્નીએ હાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરી. હાઈકોર્ટે કેસની તપાસ CID ક્રાઈમને સોંપી. તપાસ કરતા જાણવા મળ્યું કે પ્રકાશને 20 વર્ષની સજા થાય તે હેતુથી તેને નાર્કોટિકસના ખોટા કેસમાં સ્થાનિક પોલીસે ફિટ કરી દીધો હતો ! પ્રકાશ જેલમાં હતો. CID ક્રાઈમે પ્રકાશને જેલમુક્ત કરવા CrPC કલમ-169 હેઠળ રીપોર્ટ કર્યો. કોર્ટે 93 દિવસથી જેલમાં રહેલ પ્રકાશને 10 જુલાઈ, 2006 ના રોજ જેલમાંથી છોડી મૂકવા હુકમ કર્યો. CID ક્રાઈમે આ કેસમાં નાર્કોટિકસનો ખોટો કેસ કરનાર બે PI, એક DySP, એક SP, એક એડવોકેટ અને બીજા ત્રણને એરેસ્ટ કર્યા. પ્રકાશ ઉપર ખોટો કેસ કરવાનું કારણ શું હતું? Motive શું હતો? બે વેપારીઓ વચ્ચે કરોડો રૂપિયાની ઉઘરાણીનો ઝઘડો હતો. પૈસા વસૂલ કરવા એક પાર્ટીએ પ્રકાશનો સંપર્ક કર્યો. બીજી પાર્ટીએ પ્રકાશને પાઠ ભણાવવા SPને 10 લાખની લાંચ આપીને પ્રકાશના ઘેર ચોખાની બે ગુણી મોકલી. પ્રકાશ ઘેર ન હતો. ‘પ્રકાશભાઈએ મોકલી છે’ તેમ કહીને બન્ને ગુણીઓ ઉતારીને મજૂરો ગયા કે તરત જ પોલીસે પ્રકાશના ઘરમાં રેડ કરી નાર્કોટિકસનો જથ્થો ઝડપી પાડ્યો !

જો પ્રકાશે રજૂઆત જ ન કરી હોત તો CrPC કલમ-173(8) હેઠળ વધુ તપાસ થઈ ન હોત અને CID ક્રાઈમે, CrPC કલમ-169 હેઠળ પ્રકાશ સામે કોઈ પુરાવા ન હોવાથી તેને છોડવા કોર્ટને રીપોર્ટ કર્યો ન હોત; તો પ્રકાશને 20 વર્ષ જેલમાં રહેવું પડત. કાયદાની આ બન્ને જોગવાઈઓ સત્ય શોધવા માટે છે, અન્યાય દૂર કરવા માટે છે. વડોદરા શહેર પોલીસ કમિશ્નરનું સબળ સુપરવિઝન હોત અથવા અન્યાય થયો હોય તેને સાંભળવાની કાળજી લેતા હોત તો આ કિસ્સામાં પ્રકાશની પત્નીને હાઈકોર્ટ સમક્ષ જવાની જરુર પડત નહી અને વકીલની મોંધી ફી ભરવામાંથી તે બચી જાત.rs

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો