અમે નિયમો માનવા, દંડ ભરવા તૈયાર, પણ હવે તમે તો તમારી જવાબદારી નિભાવો

મોટર વ્હીકલ એક્ટમાં ફેરફાર કરી દંડની રકમ વધારી ટ્રાફિકના નિયમન અને અકસ્માતમાં ઘટાડો કરવા માટે આ પગલું આવકારદાયક છે. નાગરિકો નિયમ ભંગ કરે તો તેમના ખિસ્સામાંથી જંગી દંડ વસૂલવાની તૈયારી કરાઈ છે. પણ શહેરમાં નાગરિકોને પડતી અગવડો સામે અધિકારીઓની જવાબદારી નક્કી થવી જોઈએ અને તેમની પાસેથી પણ દંડ વસૂલાવો જોઈએ.

સિગ્નલ: બંધ થાય કે ખોટકાય તો જવાબદારી-દંડ નક્કી કરો

એક્ટમાં શું છે : મોટર વ્હીકલ એક્ટમાં જાહેર રસ્તા ઉપર સિગ્નલ મૂકવા માટેની જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ સિગ્નલ બંધ થઈ જાય કે ખરાબ હોય તો તેના માટે કોઈ અધિકારીની જવાબદારી કે કોઈ અધિકારીને દંડ કરવો પડે તેની કોઈ જોગવાઈ જ નથી.

હાલની સ્થિતિ શું? : શહેરમાં 225 સિગ્નલ મુખ્ય ટ્રાફિક જંકશન પર છે.આમાંથી 50 ટકા સિગ્નલ બંધ હોવાનું ટ્રાફિક પોલીસનું કહેવું છે. જવાબદારી ન હોવાને કારણે આ સ્થિતિ છે.

રોડ પર ખાડા: બેદરકારી બદલ અધિકારીને દંડ થવો જોઈએ

એક્ટમાં શું છે : બીપીએમસી એક્ટ અને ટી.પી.એક્ટમાં રસ્તા બનાવવાની પ્રોવિઝન છે. પણ એકવાર રોડ બની ગયા પછી તેમાં ખાડા પડે તો જવાબદાર કોણ? આ માટે તેમની પાસેથી કેટલો દંડ વસૂલ કરવો જોઈએ તેની કોઈ જોગવાઈ નથી.

હાલની સ્થિતિ શું? : હાલમાં શહેરમાં 5000થી પણ વધુ ખાડા છે અને શહેરના 12 ટકા રસ્તા પર આ સ્થિતિ છે. કોઈની જવાબદારી ફિક્સ નહીં હોવાથી મનફાવે ત્યારે રિપેરિંગ થાય છે.

ફૂટપાથ પર દબાણ: કાયદાનો અમલ કરાવનારાને સજા કરો

એક્ટમાં શું છે : જીપીએમસી એક્ટમાં રોડ સાથે ફૂટપાથના પ્રોવિઝનની જોગવાઈ કરાઈ છે. પણ તેમાં દબાણ ઉભા થઈ જાય તો જવાબદાર અધિકારીને કસૂરવાર ઠેરવી કામમાં બેદરકારી બદલ અધિકારીને દંડની કોઈ જોગવાઈ નથી.

હાલની સ્થિતિ શું? : શહેરમાં હાલમાં મોટા ભાગની તમામ ફૂટપાથો પર દબાણ છે. કયાંક લારી,ગલ્લાનું દબાણ છે તો કયાંક એએમટીએસ સ્ટેન્ડ કે ઈલેકટ્રીક ડીપીના દબાણ છે.

સ્ટ્રીટલાઈટ: લોકો અંધારામાં રહે, અધિકારીને કોઈ ફરક પડતો નથી

એક્ટમાં શું છે : રોડ પર સ્ટ્રીટલાઈટ નાખવા માટેની જોગવાઈ જીપીએમસી એક્ટમાં કરાઈ છે. પણ આ એકટમાં સ્ટ્રીટલાઈટ બંધ થઈ ગઈ હોય અને તેને સમયસર રિપેર કરવામાં ન આવે તો અધિકારી સામે શું દંડાત્મક કાર્યવાહી કરવી તેની કોઈ જોગવાઈ નથી.

હાલની સ્થિતિ શું? : શહેરમાં રોજની 80થી 100 સ્ટ્રીટલાઈટો બંધ હોય છે. અને અમદાવાદ મ્યુનિ.ને 10 ટકા જેટલી ફરિયાદો સ્ટ્રીટલાઈટ બંધ હોવાની, ખરાબ હોવાની કે નહીં હોવાની મળે છે.

રોડ પર કચરો: લોકો ફેંકે તો દંડ, મ્યુનિ.ન ઉપાડે તો કંઈ નહીં

એક્ટમાં શું છે : જીપીએમસી એક્ટમાં કચરો ઉપાડવા માટે પ્રોવિઝન કરવામાં આવ્યુ છે. સોલિડ વેસ્ટના પણ નિયમો બનાવાયા છે. પણ જો રોડ પર કચરો એક દિવસ કે તેથી વધુ પડી રહ્યો હોય તો જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવાની કોઈ જોગવાઈ નથી.

હાલની સ્થિતિ શું? : રોડ પર કચરાની રોજની 10 થી 15 ટકા ફરિયાદો મ્યુનિ.ને મળે છે. કોઈ નાગરિક રોડ પર કચરો ફેંકે તો દંડ કરાય છે પણ મ્યુનિ. ઉપાડે નહીં તો દંડ થતો નથી.

રોડ પર પશુ: સૌથી વધુ ફરિયાદ છતાં કોઈ અધિકારી દંડાયો નથી

એકટમાં શું છે : બોમ્બે પોલીસ એકટ અને જીપીએમસી એક્ટમાં રસ્તા પર પશુ ન બેસે તે માટે જોગવાઈ છે. પણ રખડતા ઢોરનો ત્રાસ યથાવત હોય તો અધિકારી સામે શિક્ષાત્મક પગલાં કે દાખલો બેસે તે પ્રકારની કાર્યવાહીની કોઈ જોગવાઈ નથી.

હાલની સ્થિતિ શું? : હાઈકોર્ટની ટકોર પછી પણ શહેરમાં સંખ્યાબંધ રોડ પર ઢોરોનો ત્રાસ યથાવત છે. રોજની પાંચ ટકા ફરિયાદો મ્યુનિ.ને આ અંગે મળે છે.

કૂતરું કરડે: ભોગ બનનારાને સારવારનો ખર્ચ મળવો જોઈએ

એક્ટમાં શું છે : જીપીએમસી એક્ટ અને બોમ્બે પોલીસ એકટમાં રખડતા કૂતરાઓના ખસીકરણ કરી તેને દૂર કરવાની જોગવાઈ છે. પણ જો આમ કરવામાં કસૂરવાર થાય તો અધિકારી સામે શું પગલાં લેવાય તેની કોઈ જોગવાઈ નથી.

હાલની સ્થિતિ શું? : શહેરમાં વર્ષે અંદાજે 50 હજાર લોકોને કૂતરાં કરડે છે, શહેરમાં કૂતરાંની સંખ્યા 10 લાખથી વધુ છે. ખસીકરણ પાછળ કરોડો ખર્ચવા ઉપદ્રવ દૂર થયો નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો