છેલ્લા ચાર વર્ષથી ગુજરાતની આ દીકરી શહીદોના પરિવારને કરે છે સહાય, પુલવામામાં શહીદ થયેલા 44 જવાનોને રૂ.5 હજારની સહાય મોકલશે

નડિયાદ શહેરની વિધિ જાદવે પુલવામાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા 42 જવાનોના પરિવારને રૂ.પાંચ હજાર સહાય આપવાની પહેલ ઉપાડી છે. ધો.11માં અભ્યાસ કરતી વિધી છેલ્લા ચાર વરસથી શહીદ પરિવારોને પોતાના પોકેટમની કે મિત્રો, સ્નેહી, સંબંધી પાસેથી મળતી સહાયની મદદથી રૂ.પાંચ હજાર મોકલે છે. અત્યાર સુધી દેશભરના 201 જેટલા શહીદના પરિવારનો સહાય આપી ચુકી છે.

  • 4 વર્ષ પહેલા શહીદની અંતિમવિધિમાં તેની દીકરીનો કલ્પાંત જોઇ વિધિ જાદવનું હૃદય દ્રવી ઊઠ્યું
  • વિધિ અત્યાર સુધીમાં દેશભરના 201 જેટલા શહીદના પરિવારજનોને સહાય આપી ચૂકી છે

શહીદની દીકરીને રડતા જોઈ તેમના માટે કઈ કરવાની નેમ લીધી

1.આ અંગે વિધિ જાદવે જણાવ્યું હતું કે, ચાર વરસ પહેલા ટીવીમાં શહીદ જવાનની અંતિમવિધિ દર્શાવવામાં આવી રહી હતી. આ સમયે તેની દીકરી પણ રડતી હતી. આથી, બાળસહજ મેં મારા પિતાને પૂછ્યું કે આ કેમ રડે છે? ત્યારે તેઓએ જવાબ આપ્યો કે તેના પિતા દેશની સેવામાં શહીદ થયાં છે. આ વાતથી મને ઘણું દુ:ખ થયું હતું. વધુ માહિતી માટે ઇન્ટરનેટ પર સર્ફિંગ કરતાં ઘણી બધી વાત જાણવા મળી હતી. આખરે શહીદોના પરિવાર માટે કશું કરવાની નેમ લીધી હતી.

પુલવામામાં શહીદોને પાંચ હજાર મોકલશે

2.શરૂઆતમાં પોકેટ મનીમાંથી રૂ.પાંચ હજાર બચાવી શહીદના પરિવારજનોને સહાય મોકલી હતી. જોકે, હવે પરિવારજનો, મિત્રો, સંસ્થાઓનો સહયોગ મળી રહે છે. ચાર વરસમાં 201 શહીદના પરિવારોને રૂ.પાંચ હજાર મોકલ્યાં છે. જેમાં 80 પરિવારની મેં રૂબરૂ મુલાકાત લીધી છે અને આ તમામ શહીદ પરિવારો સાથે દર મહિને ફોન દ્વારા વાતચીત પણ કરૂં છું. હાલ પુલવામાં થયેલા શહીદોને પણ સહાય આપવાની નેમ લીધી છે. તેના નામ આવી ગયાં છે, સરનામાની રાહ છે. જે મળતાં દરેક પરિવારને પાંચ હજાર મોકલીશ. જોકે, તેના માટે સહાય માટે અપીલ પણ કરી છે.

રાજ્ય સરકાર રકમ જાહેર કરે છે, પરંતુ સહાય આપતી નથી: વિધિ

3.વિધિએ જણાવ્યું હતું કે, હાલ સૈનિક વેલ્ફેર બોર્ડ સાથે હું સતત સંપર્કમાં રહું છું. દેશમાં કોઇ પણ શહીદ થાય તેની વિગત મળી જાય છે. આથી, આપણા દેશના વિર સૈનિક જ્યારે પણ શહીદ થાય ત્યારે તેમના પરિવારને રૂપિયા પાંચ હજારની સહાય તેમજ એક આશ્વાસનપત્ર મોકલું છું. આ ઉપરાંત અનેક શહીદના પરિવારજનો સાથે ફોન દ્વારા પણ વાતચીત કરૂં છું. જેમાં કેટલીક હૃદયદ્રાવક વાતો જાણવા મળે છે. કેટલાંક રાજ્યો શહીદો માટે સહાય જાહેર કરે છે. પરંતુ તે મળતી નથી.

આવા ઉમદા કાર્યને લાઈક અને શેર કરીને વધાવજો..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો