રાજકોટમાં કલેક્ટર હસ્તકની સરકારી જમીનમાં દેશીદારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવાનો વીડિયો સામે આવ્યો, બુટલેગરે કહ્યું- પોલીસને મોટા હપ્તા આપીએ છીએ!

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂબંધીનાં લીરેલીરા ઉડાવતી અનેક ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે રાજકોટમાં કાલાવડ રોડ ઉપર ખુદ કલેક્ટર હસ્તકની સરકારી જગ્યાને જ બુટલેગરોએ પોતાનો અડ્ડો બનાવી દીધો છે. અહીં સરાજાહેર દારૂ બનાવવામાં અને વેચવામાં આવતો હોવાનો લાઇવ વીડિયો સામે આવ્યો છે. જેમાં બુટલેગર બોલે છે કે, પોલીસને મોટા હપ્તા આપીએ છીએ. એટલું જ નહીં આ બુટલેગરો સહિત તેમના ગ્રાહકો દ્વારા નજીકમાં આવેલી એવરેસ્ટ પાર્કનાં લોકોની વિવિધ રીતે હેરાનગતિ કરવામાં આવે છે. જેને લઈને અહીં રહેતા લોકોનું જીવવું પણ મુશ્કેલ બની ચૂક્યું છે.

પોલીસ બે-ત્રણ લીટર પકડી મેગા ડ્રાઇવનું નામ આપે છે
આ જગ્યાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં પણ ખુલ્લેઆમ દેશી દારૂ બનાવાતો તેમજ પીવાતો હોવાનું પણ સ્પષ્ટ જોઈ શકાય છે. આ સાથે વીડિયોમાં દેખાતો બુટલેગર જેવો વ્યક્તિ અમુક નામો બોલીને આ તમામ પોલીસકર્મીઓને પોતે મોટા હપ્તા આપતો હોવાનું પણ જણાવી રહ્યો છે. ત્યારે ટ્રાફિક અને કોરોનાનાં નિયમોનું ચુસ્ત પાલન કરાવતી પોલીસ દારૂબંધીનો અમલ કરાવવા અહીં ક્યારે આવે છે તે તો આવનારો સમય જ બતાવશે. પોલીસ છેલ્લા ત્રણ રવિવારથી દેશી દારૂના અડ્ડા પર દરોડા પાડે છે. પરંતુ બે-ત્રણ લીટર પકડાય તોય મેગા ડ્રાઇવનું નામ આપે છે.

દેશીદારૂની ભઠ્ઠીઓને લઇ સ્થાનિક લોકોમાં રોષ
હવે એવરેસ્ટ પાર્કમાં રહેતા લોકો દ્વારા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને આ મામલે રજૂઆત કરવામાં આવનાર છે. જો ઉકેલ નહીં આવે તો ગાંધીનગર સુધી રજૂઆત કરવાની પણ તૈયારી સ્થાનિકોએ દર્શાવી છે. ત્યારે હવે સામાન્ય લોકો સામે સિંઘમ બનતી પોલીસ આ બુટલેગરોને કાયદાનું ભાન ક્યારે કરાવશે તેનાં પર સૌની મીટ મંડાયેલી છે. આ અંગે ડીસીપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, છેલ્લા પાંચ મહિનામાં દેશી દારૂ મામલે 41 કેસ કરવામાં આવ્યા છે. 3 જેટલા લોકોને તડીપાર કરવામાં આવ્યા છે. 2020ની સાલમાં 180 વખત રેડ કરવામાં આવી હતી. આજ રોજ એવરેસ્ટ પાર્કની બાજુમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હોવાનો વીડિયો વાઇરલ થયો હતો.

દેશી દારૂની સાથે નોનવેજ પણ વેચાય છેઃ સ્થાનિક
પ્રિયેશભાઈ નામના એક સ્થાનિકે જણાવ્યું હતું કે, અમારી સોસાયટી એવરેસ્ટ પાર્ક કલેક્ટર હસ્તકની સરકારી જમીન નજીક આવેલી છે. જમીનમાં ઘણા વર્ષોથી ગેરકાયદેસર પ્રવૃતિઓ ચાલી રહી છે. જેમાં દેશી દારૂના ભઠ્ઠા ચાલે છે. તેમજ નોનવેજ પણ વેચાય છે. આ અંગે કલેક્ટર, પોલીસ કમિશનર અને તાલુકા પોલીસ મથકમાં રજૂઆત બાદ આ દબાણ હટાવીને પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી હતી. પરંતુ અત્યારે પ્રોટેક્શન વોલ તોડી ફરીથી ગેરકાયદેસર દબાણો કરાયા છે અને દેશી દારૂની ભઠ્ઠીઓ ખુલ્લેઆમ ચાલી રહી છે.

આખો દિવસ દેશી દારૂ બનતો હોવાથી સોસાયટીમાં દુર્ગંધ ફેલાય છે
પ્રિયેશભાઇએ વધુમાં જણાવ્યું હતું કે, અહીં એકઠા થતા લોકો જ દિવસભર બેફામ ગાળો બોલે છે. જેનો અવાજ અંદર સોસાયટીમાં આવે છે. જેને લઈને બાળકો ઉપર ખરાબ અસર પડે છે. સાથે જ કોઈ બહારનાં મહેમાન આવ્યા હોય ત્યારે પણ અમારે શરમાવા જેવું થાય છે. સવાર-બપોર અને સાંજ ત્રણ ટાઈમ દેશી દારૂ બનાવવામાં આવતો હોવાથી આખી સોસાયટીમાં ભારે દુર્ગંધ આવે છે. જેને લઈને રહેવું મુશ્કેલ બની ચૂક્યું છે. ત્યારે આ મુદ્દે અમારી સરકારને વિનંતી છે કે, દબાણ તાત્કાલિક દૂર કરાવે. આ અંગે તેઓ કલેક્ટર, મ્યુ.કમિશનર અને પોલીસ કમિશનરને રજૂઆત કરશે અને જો ત્યાંથી કોઈ યોગ્ય જવાબ નહીં મળે તો ગાંધીનગર સુધી રજૂઆત કરવાની તૈયારી પણ દર્શાવી છે.

બુટલેગરો વારંવાર પથ્થરો ફેંકીને બારીનાં કાંચ ફોડી નાખેઃ સ્થાનિક મહિલા
એવરેસ્ટ પાર્કમાં જ રહેતા વિરાણી કિરણબેને જણાવ્યું હતું કે, સોસાયટી પાછળ આવેલી આ જગ્યામાં દેશી દારૂની ભઠ્ઠી ચાલે છે. જ્યાં દારૂ ઉકળે ત્યારે અતિશય ખરાબ દુર્ગંધ આવતા મહેમાન સહિત અમારા બાળકો પર પણ ખૂબ ખરાબ અસર પડે છે. આ અંગે કલેક્ટર કચેરી, કમિશનર કચેરી અને પોલીસ મથકમાં રજૂઆત કરવામાં આવી હતી. જોકે હજુ સુધી આ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. ત્યારે પ્રશ્ન એ છે કે, રાજ્યમાં દારૂબંધી છે તો આવું શા માટે ચાલે? દબાણ કરનારા લોકો દારૂનાં વેપારની સાથે સોસાયટીનાં કોમન પ્લોટ અને મકાનો પાછળ શૌચ કરે છે. ઉપરાંત વારંવાર પથ્થરો ફેંકીને બારીનાં કાંચ ફોડી નાખે છે. કંઈ પણ કહેવા જતા આ લોકો મહિલાઓને પણ બેફામ ગાળો આપતા હોય રહેવું પણ મુશ્કેલ બની ગયું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો