5000ના દંડથી બચવા ફિટનેસ સર્ટિફિકેટ રીન્યુ કરાવવા માટે સુરતના RTOમાં વાહનોની 1 કિ.મી. લાંબી લાઈન લાગી

સરકાર દ્વારા સુધારેલા મોટર વેહિકલ એક્ટનો અમલ શરું કરવામાં આવતા ફિટનેસ સર્ટિફિકેટ ન હોય તેવા વાહનોને રૂપિયા 5 હજારનો દંડ ફટકારવાની શરૂઆત થઇ છે.જોકે ફિટનેસ સર્ટિફિકેટ વગર ફરતા વાહનોને રૂપિયા 5000 દંડની જોગવાઈ પહેલેથી જ અમલમાં છે પણ તંત્રએ કડકાઈ ન બતાવતા શહેરમાં મોટી સંખ્યામાં ફિટનેસ સર્ટિફિકેટ રીન્યુ કરાવ્યા વગરની રીક્ષાઓ અને અન્ય હેવી વાહનો ફરતા હતા.હવે ફિટનેસ સર્ટિફિકેટ રીન્યુ કરાવવા લાઈન લાગી રહી છે.

શહેરમાં અંદાજિત 31 લાખ વાહનો છે જે પૈકી 2.50 લાખ કમર્શિયલ વાહનો છે જેમાં ઓટો રીક્ષા અને ટેમ્પો વગેરેનો પણ સમાવેશ થાય છે. ફિટનેસ સર્ટિફિકેટ વગર દોડતા વાહનો સામે આરટીઓ દ્વારા લાલ આંખ કરવામાં આવતા સુરત આરટીઓ કચેરીમાં ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા રીક્ષા અને થ્રિ વેહિલર ટેમ્પોની લાંબી લાઈન લાગી રહી છે.ગુરુવારે સવારથી જ રીક્ષા અને ટેમ્પોની 1 કિમી લાંબી લાઈન લાગી હતી. ઉલ્લેખનિય છે કે વાહન માલિકોની ઉદાસીનતાને લીધે ચાલુ વર્ષે માંડ 40 % જ વાહનોનું ફિટનેસ સર્ટિફિકેટ રીન્યુ કરી શકાયું છે.સુરત આરટીઓ રોજ 250 જેટલા વાહનોને ચેક કરી ફિટનેસ સર્ટી.રીન્યુ કરી શકે એટલી ક્ષમતા છે છતાં 60 % વાહનોનું ફિટનેસ સર્ટિ. બાકી છે.

પહેલાં માંડ 40 વાહનો ફિટનેસ માટે આવતાં હવે રોજ 250 વાહનો

સરકાર દ્વારા સુધારેલો મોટર વેહિકલ એક્ટ લાગુ કરવામાં આવ્યા પહેલા આરટીઓ કચેરી ખાતે ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા માંડ 40થી 50 લોકો આવતા હતાં, પણ 16મીથી નવા નિયમ લાગુ કરી દેવામાં આવતા શહેરના રીક્ષા અને ટેમ્પો માલિકોએ ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા લાઈન લગાવી હતી.એ.આર.ટી.ઓ પિયુષસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, ‘નવા નિયમ મુજબ રીક્ષા અને ટેમ્પો જેવા ટ્રાન્સપોર્ટ વાહનોએ વાહન રજીસ્ટર્ડ થયાના પહેલા 8 વર્ષ સુધી દર 2 વર્ષે અને પછી દર વર્ષે ફિટનેસ સર્ટિફિકેટ રીન્યુ કરાવવું આવશ્યક છે.અમે વાહનનું ફિટનેસ સર્ટિફિકેટ રીન્યુ કરતા પહેલા હેડલાઇટ ,મીટર ,બ્રેક,એચએસઆરપી નંબર પ્લેટ,પાછળની સીટ પર એક તરફથી જ ઉતરી શકાય એવી વ્યવસ્થા, પીળી પટ્ટીઓ, ઓનર્સ બોર્ડ અને ચેસિસ નંબર જેવી બાબતો ચેક કરીએ છીએ.

રાજ્યના પહેલા ઓટોમેટિક વેહિકલ ફિટનેસ સેન્ટરમાં પણ 16મી બાદ ફિટનેસ માટે આવતા હેવી વાહનોની સંખ્યામાં વધારો નોંધાયો છે.16મીથી નવા નિયમો લાગુ કરવામાં આવતા માસમા ફિટનેસ સેન્ટર ખાતે રોજના 100થી 120 વાહનો ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા આવી રહ્યાં છે.અગાઉ માસમા ખાતે સરેરાશ 70થી 80 વાહનો ફિટનેસ ટેસ્ટ આપવા આવતા હતા.

રેડિયમ પટ્ટીના નામે ટાઉટોએ 400 રૂપિયા ખંખેર્યાં

નવા નિયમો લાગુ પડતા જ વાહન માલિકોની જરૂરિયાતનો ફાયદો ઊંચકવા ટાઉટો મેદાને પડ્યા છે.આટલું જ નહીં પણ ટ્રાન્સપોર્ટ વેહિકલમાં રેડિયમ પટ્ટી લગાવી આપવામાં પણ ઓવર ચાર્જિંગની ફરિયાદો ઉઠી છે.રીક્ષા માલિકો પાસે 400 -400 રૂપિયા રેડિયમ પટ્ટી લગાવવાના વસુલવામાં આવી રહ્યા હોવાની બૂમ ઉઠી છે.આરટીઓ અધિકારી આ બાબતે તપાસ કરે અને વાહન માલિકોને ઓવર ચાર્જિંગમાંથી બચાવે એવી માંગ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, 50 રૂપિયાની રેડિયમ પટ્ટીના ભાવ લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી 500 સુધી કરી દેવામાં આવે છે.

આપ કતાર મેં હૈ

ફિટનેસ સર્ટિફિકેટ માટે ગુરૂવારે સવારથી જ વાહનોની લાંબી લાઇનો લાગી હતી. આરટીઓ કચેરીથી શરુ થયેલી વાહનોની લાઈન કચેરીથી 1 કિમી દૂર આવેલી પાલની ગોકુલચંદ્રમાજી હવેલી સુધી પહોંચી ગઇ. ઉલ્લેખનિય છે કે કેમ્પનું આયોજન ન હોવા છતાં એક જ દિવસમાં આટલા વાહનો આવી જતાં અધિકારીઓ પણ ચોંક્યા હતાં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો