જામનગર, મોરબી, પડધરી પંથકમાં તોફાની પવન, કરા સાથે અડધાથી પોણો ઇંચ વરસાદ, ખેતરો પર સફેદ ચાદર પથરાઇ

આજે વહેલી સવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં અમીછાંટણા થયા હતા. બપોરે જામનગરના હડિયાણા, ધ્રોલ, જોડિયા, મોરબી, પડધરી, વાંકાનેર સહિતના વિસ્તારોમાં તોફાની પવન, ગાજવીજ અને કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. મોરબી અને ધ્રોલ પંથકમાં અડધાથી પોણો ઇંચ વરસાદ પડ્યાનું જાણવા મળ્યું છે.

રાજકોટમાં ગાજવીજ સાથે અમુક વિસ્તારોમાં વરસાદ પડ્યાનું જાણવા મળ્યું છે. વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. તેમજ ખેતરોમાં કરાની સફેદ ચાદર પથરાઇ ગઇ હતી. કમોસમી વરસાદથી ઉનાળું પાક તલ, બાજરીને નુકસાન થયું છે. તેમજ જૂનાગઢ અને ગીર પંથકમાં કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે.

ઉનાળુ પાક તલ, બાજરી અને કેરીના પાકને નુકસાન.

પડધરી પંથકમાં ભારે પવન સાથે વરસાદ પડતા આંધી જેવો માહોલ સર્જાયો હતો.

કરા સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. ઠંડા પવનોને કારણે ગરમીમાંથી રાહત મળી છે. લોકો પણ વરસાદ મોજ માણવા બહાર નીકળી ગયા હતા. આગામી બે દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા 15થી 17મી સુધી માવઠાની આગાહી કરાઈ છે. જેમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાત, વડોદરા, અમરેલી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, જામનગર સહિતના વિસ્તારોમાં માવઠું થઈ શકે છે.

વાતાવરણમાં એકાએક પલ્ટો:

ગુજરાતભરના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. એકાએક વાતાવરણમાં પલ્ટો આવતા દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે પવનો ફૂંકાવા લાગ્યા છે અને ઠંડા પવનો હોવાથી ઠંડકભર્યું વાતવરણ પ્રસરી ઉઠ્યું છે. હવામાન વિભાગ દ્વારા સમુદ્રમાં માછીમારી કરવા ગયેલ માછીમારોને પણ એલર્ટ રહેવાની સુચના આપી દેવામાં આવી છે. સૌરાષ્ટ્રના દરિયામાં 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની હવામાન વિભાગે આગાહી કરી છે. માછીમારોને 18 એપ્રિલ સુધી એલર્ટની સુચના અપાઈ છે.

2 દિવસ સુધી ભારે પવન ફૂંકાશે:

ગુજરાતના દરિયામાં ભારે પવન ફૂંકાશે ત્યારે 2 દિવસ સુધી પોરબંદર, ગીર-સોમનાથ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, પાટણ, નર્મદા, નવસારી, તાપી, સુરેન્દ્રનગર અને જામનગર વગેરે જિલ્લાઓમાં વધુ પવન ફૂંકાવાની અને વરસાદ પડવાની શક્યતા હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું.

માછીમારીની સીઝનનો આખરી તબક્કો:

માછીમારીનો આખરી તબક્કો હાલ ચાલી રહ્યો હોય અને આ સમયે વાતાવરણમાં પલ્ટો આવ્યો હોવાથી માછીમારોને એલર્ટ રહેવા સુચના આપી દેવામાં આવી છે. આગામી તા. 18 એપ્રિલ સુધી માછીમારોને સાવચેત રહેવા જણાવાયું છે ત્યારે સીઝનના આખર સમયમાં માછીમારોને નુકસાની વેઠવી પડશે.

સૌથી વધુ અસર કચ્છમાં:

વાતાવરણની સૌથી વધુ અસર કચ્છમાં જોવા મળી.. કચ્છના રાપર તાલુકાના થાનપર ગામમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. જે દિવસોમાં ગરમી દઝાડતી હોય તે દિવસોમાં બરફના કરા પડતા લોકોને પણ આશ્ચર્ય થયું છે. ઉલ્લેખનિય છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. અને આગામી 24 કલાક વાતાવરણ વાદળછાયું રહેવાની સાથે કમોસમીનો કહેર જોવા મળશે તેવી શક્યતા હવામાન વિભાગે પણ વ્યક્ત કરી છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો