મારા ધબકારાની સાથે ઘડિયાળ પણ બંધ થઈ ગઈ : વંશવી કાનાણીની કહાની

તક્ષશિલામાં જે બન્યું, એ ભયાવહ હતું. એ લોકોનાં સ્વજનોએ જણાવ્યું, કે એમને જો કંઈક કહેવાનો એક મોકો મળ્યો હોત તો શું કહ્યું હોત! મૃતકોને પોતાની વાત કહેવાનો પ્રયોગ વાંચો આ પોસ્ટમાં..

તક્ષશિલા આર્કેડમાં એ દિવસે માત્ર આગ નહોતી લાગી, એક રેસ લાગી હતી. કોણ વહેલું બંધ થાય છે,

હૃદયના ધબકારા કે મારી ઘડિયાળનો સેકન્ડ કાંટો,

કોણ પહેલું પહોંચે છે,
પુત્રીને બચાવવા દોડી રહેલા પિતા કે પેલા યમરાજ જેવા કાળા ધુમાડા,

કોણ જીતે છે,
પળેપળ આગળ વધતી વિકરાળ આગ કે દૂર ભાગવા તરફડી રહેલી જિંદગી.

એ દિવસે આગ જીતી ગઈ હતી અને પાણી હારી ગયું હતું. ધુમાડા જીતી ગયા હતા અને મારા એટલે કે વંશવી કાનાણીના શ્વાસ હારી ગયા હતા. હું જમીન પર ફસડાઈ પડી હતી અને એ સાથે જ સમય જેવો સમય પણ મારા મોતને જોઈને થંભી ગયો હોય એમ રોકાઈ ગયો હતો, મારી ઘડિયાળ બંધ પડી ગઈ હતી! મારો હાથ જોજો, મારી દીદીએ આપેલી એ ઘડિયાળ આજે પણ ચાર વાગી ને સાત મિનિટનો સમય બતાવે છે. તમે હાથે ઘડિયાળ બાંધો છો ને? તમારી ઘડિયાળ તમારો વર્તમાન સમય બતાવે છે, મારી એ ઘડિયાળ હવે કાયમ માટે મારો અંતિમ સમય બતાવે છે.

મારી સ્નેહલ દીદીએ મને એ ઘડિયાળ ગિફ્ટ આપી હતી. પહેલી વાર જ્યારે મેં એ કાંડા પર બાંધી ત્યારે મને થયું કે સમય હવે મારા કાબૂમાં છે, મારો સમય આવી ગયો છે. હું રાત્રે એ ઘડિયાળ પહેરીને સૂઈ જતી. મને ગિફ્ટ લેવાનું જ નહીં, આપવાનું પણ ગમતું. આ જુઓ ને, મારો ભાઈ જેનિશ. એને સાઇકલ ચલાવવાનો ભારે શોખ. એ સાઇકલ લઈને આમતેમ ફર્યા કરે પણ ચાવી ખોઈ નાખે. અને એ ચાવી ખોઈ નાખે અને આખું ઘર ચાવી શોધવામાં લાગી જાય પણ ચાવી એવી કોઈ જગ્યાએથી મળે જેનો કોઈ અંદાજ ન લગાવી શકે! મારા ભુલકણા ભાઈ માટે હું રાજસ્થાન ફરવા ગઈ ત્યાંથી ચારેક કી-ચેઇન લઈ આવી હતી, પણ મારો ભઈ પણ ખરો છે!

એણે એ કી-ચેઇનમાં ચાવી તો ભરાવી નહીં પણ પોતાની બૅગમાં જ રાખી મૂકી. એ દિવસે તક્ષશીલામાં આવેલા ક્લાસનો મારો પહેલો જ દિવસ હતો. હજી તો એડમિશન ફોર્મ ભરવાનું પણ બાકી હતું એટલે ભાઈની બૅગમાં મારાં પૅઇન્ટિંગ ભરીને હું ક્લાસમાં જવા નીકળી ગઈ. એ બૅગ મારા પૅઇન્ટિંગ અને ભાઈના કી-ચેઇન સાથે બળી ગઈ. ભાઈ! એ બૅગ સાથે તારી બેન પણ ખોવાઈ ગઈ છે, આખું ઘર શોધવામાં લાગી જશે તોપણ હવે વંશવી નહીં મળે!

પપ્પાને કહેજો કે આગ લાગી ત્યારે મેં એમને ખૂબ યાદ કર્યા હતા. મેં એમને ફોન કર્યો હતો. હું બોલતી જતી હતી અને પપ્પાના હૃદયના ધબકારા વધતા જતા હતા. હું આગમાં હતી અને પપ્પાની આંખમાં આંસુ હશે! મેં સ્નેહલ દીદીને પણ ફોન કરેલો. બસ, એ મારો છેલ્લો ફોન હતો. પપ્પા બિલ્ડિંગની નીચે આવ્યા પણ એ મારા સુધી પહોંચે એ પહેલાં આગ મારા સુધી પહોંચી ગઈ! મેં પૅન્સિલ વર્કવાળું એક ચિત્ર દોર્યું હતું, એમાં એક વ્યક્તિના હાથે બીજી વ્યક્તિનો હાથ પકડ્યો છે.

એક હાથ મારો ને બીજો હાથ મારા પપ્પાનો, એવું વિચારીને એ ચિત્ર મેં દોર્યું હતું પણ એ દિવસે મારો હાથ મારા પપ્પાથી કાયમ માટે છૂટી ગયો! મારું શરીર એટલી હદે આગમાં બળી ચૂક્યું હતું કે મારા શરીરને ઓળખી શકાય એવું પણ રહ્યું નહોતું. હા, પેલી સ્નેહલ દીદીવાળી ઘડિયાળ એમની એમ મારા હાથ પર હતી. એટલે મને શોધવામાં પપ્પાને કદાચ વાર નહીં લાગી હોય!

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો