45 દિવસમાં કેન્સર છૂ-મંતર કરવાનો દાવો કરતો ઊંટવૈદ વિભાભાઈનો પર્દાફાશ!

મુસિબત આવે ત્યારે વ્યક્તિ કોઈ પણ ઉકેલ અપનાવવા તૈયાર થઈ જાય છે. વાત કેન્સર જેવી ગંભીર બિમારીની આવે ત્યારે ઘણા લોકો ઉંટવૈદો પર પણ ભરોસો કરી લેતા હોય છે, પણ આ પ્રકારના ઉંટવૈદોથી હવે ચેતી જવા જેવું છે. સુરેન્દ્રનગરમાં જે કિસ્સો સામે આવ્યો છે, તે સમગ્ર રાજ્યની આંખો ઉઘાડનારો છે. કેન્સરનો ઈલાજ કરવાનો દાવો કરતો એક ઊંટવૈદ તંત્રની તપાસ આવતા પહેલા જ નાસી ગયો. જેની પાસે દવા લેવા લાંબી લાઈનો લાગતી હતી, તેની સામે હવે લોકો અવાજ ઉઠાવી રહ્યા છે.

ઊંટવૈદે વીડિયોમાં દાવો કર્યો છે કે, રિઝલ્ટ તો અમુકને પાંચ દિવસમાં અને અમુકને 15 દિવસમાં, 45 દિવસમાં તો પાકુ મટી જાય, જો કેન્સર બહુ હાઈ લેવલનું હોય તો ત્રણ મહિનામાં પૂરું થઈ જાય. સર્જરી કરી હોય, ઓપરેશન કર્યું હોય, બાયોપ્સી કરી હોય, ડોઝ આપ્યા હોય, ગમે એ હોય, પણ 15થી 20 દિવસે એને રિકવરી આવી જાય, ચાંદી હોય અને કોઈ બાયોપ્સી ન કરી હોય તો એને 15 દિવસમાં રેડી કરી દઉં, આ આપણી ફરજ છે.

વીડિયોમાં આ શખ્સ જે દાવો કરી રહ્યો છે, તે સાંભળીને કોઈ પણ કેન્સરનો દર્દી રાહત અનુભવશે. જે રીતે તે મોટા દાવા કરી રહ્યો છે, તેને જોતાં એવું પણ લાગશે કે તે કોઈ મોટો વૈદ છે. જે કેન્સરને મટાડવાનો દાવો મેડિકલ સાયન્સ પણ નથી કરતું, તેને ગણતરીના દિવસોમાં મટાડવાનો આ શખ્સ દાવો કરે છે.

વિભાભાઈ નામના આ શખ્સનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વાત કેન્સર મટાડવાની હોવાથી આ અસાધ્ય રોગથી પિડાતા લોકો દવા માટે ઉમટી પડતા હતા. લોકો આશા લઈને આવતા હતા. દવા પણ લઈ જતા હતા. પણ હવે ખુદ આ ઊંટવૈદે સાબિત કર્યું છે કે તે ઘૂતારો છે. તેના દાવા સાંભળીને સુરેન્દ્રનગર જિલ્લાના આરોગ્ય અધિકારી આ ઊંટવૈદને ત્યાં તપાસ કરવા જવાના હતા. જોકે, તે પહેલા જ આ ઊંટવૈદ ભાગી ગયો છે. તેનો કોઈ અતો પતો નથી.

હવે સ્થિતિ એ છે કે, આ ઊંટવૈદના ગામના લોકો જ તેનો વિરોધ કરી રહ્યા છે, એક વ્યક્તિનો દાવો છે કે, આ વ્યક્તિના ઉપચારથી તેણે પોતાના પિતા ગુમાવ્યા છે. કેન્સરના ઈલાજની વાત તદ્દન ખોટી છે, વીડિયો જોઈ કોઈ અહીં આવતા નહીં, દર્દીને હેરાન કરતા નહીં. તેણે આ જે દવા આપી તેનાથી ચાર દિવસમાં મારા પપ્પા ગુજરી થઈ ગયા, કોઈ દર્દીને અહીં હેરાન કરવા લાવશો નહીં, મારી પાસેથી 4500 રૂપિયા લીધા હતા.

સજકપર ગામ સરપંચએ કહ્યું કે, બિલકુલ ખોટું છે, પબ્લિક છૂટી ગઈ છે, કોઈ ફરક નથી પડતો, મીડિયામાં આપો આ બધું. આ શબ્દો છે સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના એજ સજકપર ગામના, જ્યાંના ગંગાનગર નામના નેસડામાં ઊંટવૈદ વિભાભાઈ પોતાની છેતરપિંડીની દુકાન ચલાવતો હતો.

સ્થાનિક જીતુભાઈ જાડેજાએ જણાવ્યું કે, વોટ્સએપ પર ઊંટવૈદ વિભાભાઈનો વીડિયો અને ફોન નંબર જોઈને લોકો દવા લેવા ઉમટી પડતા, પણ જ્યારે તેઓ તેના દવાખાને પહોંચતા ત્યારે હકીકતની ખબર પડતી. વેઈટિંગને લીધે લોકોને દિવસો પછીનો નંબર આપવામાં આવતો.

વિભાભાઈ દરરોજ 30 દર્દીઓને જોવાનો દાવો કરે છે. તે જાતે બનાવેલી કેટલી દવાઓની પડીકી તેની પાસે આવનાર લોકોને પકડાવી દેતો હતો. દવા બનાવવાની આ જગ્યા તેનો પુરાવો છે. જ્યાં ખુલ્લેઆમ દવાઓ વેચાઈ રહી છે, અને લોકો ખરીદી પણ રહ્યા છે. વિકલાંગ લોકો પણ મોટી આશ સાથે આ ઊટવૈદ પાસે આવતા હતા.

લોકો દૂરદૂરથી દવા લેવા આવતા, જો કે તેમના ભાગે ધક્કા ખાવાના જ આવતા. કેટલાક લોકોની સ્થિતિ તો દયનીય હતી. દવા માટે આ ધૂતારો લાચાર લોકો પાસેથી હજારો રૂપિયા ખંખેરી લેતો હતો.

આ ધુતારા ઉંટવૈદને ત્યાં દર્દીઓનો ખુબ મોટો ધસારો રહેતો હતો, હદ તો ત્યારે થતી કે ભીડને સાચવવા પોલીસે અહીં આવવું પડતું હતું. જાણે કોઈ મોટો કેન્સર સ્પેશ્યાલિસ્ટ હોય તેમ લોકોએ દિવસો અગાઉ તેને મળવા એપોઈન્ટમેન્ટ લેવી પડતી હતી.

લોકોની લાચારીનો વિભાભાઈ ભરપૂર લાભ ઉઠાવતો. જેવો દર્દી એવા પૈસા પડાવતો. કોઈની પાસેથી બે હજાર કોઈની પાસેથી ચાર હજાર. આટલું કરીને પણ તે લાચાર લોકોની મશ્કરી કરતો હતો. નવાઈની વાત તો એ છે કે આ ઉંટવૈદ પોતાની પાસે લાયસન્સ હોવાનો દાવો કરે છે. જો આ વાત સાચી હોય તો તે આરોગ્ય અધિકારીના આગમન પહેલા ભાગી કેમ ગયો.

ઉલ્લેખનીય છે કે, જે વિડીયો વાઇરલ થયો હતો તે, એક ગામડિયા વૈદ્ય વિભાભાઈ ભરવાડ હતા. સામાન્ય ઘરમાં રહેતા વિભાભાઇને ત્યાં કેન્સર પીડિતોને લઈને અનેક પરિવારો આવ્યાં હતા. ઈલાજ માટે પણ વૈદ્યના ઘર પાસે પોલીસે બંદોબસ્ત ગોઠીવી દેવાયો હતો, અનેક પીડિતો કેન્સરના ઈલાજ માટે અહીં આવ્યા હતા. ભીડ ખુબ થવાથી દૂર દૂરથી આવેલા લોકોને લાઈનોમાં ઉભા રહી માત્ર, બીજી તારીખ આપી દેવાઈ હતી. અમે જયારે વિભા ભાઈ વૈદ્યને મળ્યા ત્યારે તે દર્દીઓનું નિદાન કરી રહ્યાં હતા. અહીં અનેક લોકો ગાડીઓ લઈને આવ્યા હતા. આંતરિયાળ જગ્યા હોવાથી અનેક લોકો રસ્તામાં અટવાઈના જાય તે માટે તેમણે વીડિયોમાં પોતાનું એડ્રેસ પણ સારી રીતે આપ્યું હતું, માત્ર વિડીયો વાઇરલ થવાના કારણે લાઈનો લાગી ગઈ હતી.

આ કિસ્સો એ તમામ લોકો માટે મોટી શીખ છે, જેઓ ઉપચાર માટે ઉંટ વૈદનો સહારો લેતા હોય છે. આવા ધૂતારા ફક્ત પોતાના ખિસ્સા ભરવા માટે જ કહેવાતી દવા વેચતા હોય છે. લોકોની આશા અને લાચારીનો તેઓ ખોટો લાભ લેતા હોય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો