સ્વામિનારાયણ સંપ્રદાય સંચાલિત આ હોસ્પિટલમાં અમેરિકાથી આવેલા સર્જન કરી રહ્યાં છે દર્દીઓના મફત ઓપરેશન

આમ જનતાને ખાનગી હોસ્પિટલમાં સારવાર તથા ઓપરેશનનો લાખો રૂપિયાનો ખર્ચ કરવો પડતો હોય છે ત્યારે માનવ સેવાના હેતુ વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા સંચાલિત હોસ્પિટલમાં સેંકડો લોકોના મફતમાં ઓપરેશન તથા સારવાર થઇ રહ્યાં છે. વડતાલ સ્થિત આ હોસ્પિટલમાં હાલ એક મેડિકલ કેમ્પ ચાલી રહ્યો છે જેમાં અનેક દર્દીઓના હર્નિયા, હરસ, ભગંદર તથા મહિલા દર્દીઓની ગર્ભાશાયની બિમારીઓની સારવાર તથા ઓપરેશન થશે અને તે પણ અમેરિકાથી આવેલા ડોક્ટર્સના માર્ગદર્શન હેઠળ. આ સિવાય પણ જે કોઈ દર્દી હોસ્પિટલમાં સારવાર માટે આવે તેમને મફતમાં જ સારવાર અપાય છે.

ખેડા જિલ્લામાં આવેલ વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા શ્રી સ્વામીનારાયણ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલમાં સંચાલન કરવામાં આવે છે. આ કેમ્પ ગત 11 જાન્યુઆરીથી શરુ થયો છે અને 25 જાન્યુઆરી 2019 સુધી ચાલશે. કેમ્પ વિશે માહિતી આપતા આ હોસ્પિટલના ડોક્ટર ચિરાગ ગોંડલિયાએ જણાવ્યું હતું કે, આ કેમ્પ માટે અગાઉથી દર્દીઓના રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા છે અને 150થી વધુ દર્દીઓએ પોતાના નામ રજીસ્ટર કરાવ્યા છે. આ તમામ દર્દીઓના ઓપરેશન પહેલાના રિપોર્ટ્સ કરાવી લેવાયા છે અને તે પણ એકપણ રૂપિયો લીધા વિના એટલે કે સાવ મફત. એટલું જ નહીં આ તમામના ઓપરેશનનો ખર્ચ તથા ત્યાર બાદ આપવામાં આવનાર દવાનો પણ કોઈ ખર્ચ લેવામાં નહીં આવે. દરરોજ અંદાજે 12થી 15 દર્દીઓના ઓપરેશન કરવામાં આવી રહ્યા છે જેમાં મુખ્યત્વે એપેન્ડીક્ષ, ચરબી-પાણીની ગાંઠ, હર્નિયા, હરસ, ભગંદર તથા મહિલા દર્દીઓની ગર્ભાશાયની બિમારીઓના ઓપરેશન કરવામાં આવે છે.

વડતાલ સ્વામિનારાયણ મંદિરના આસિસ્ટન્ટ કોઠારી સંત સ્વામીના જણાવ્યા અનુસાર વડતાલમાં આવેલ આ હોસ્પિટલમાં દરરોજ આવનાર તમામ દર્દીઓની મફતમાં સારવાર કરવામાં આવે છે. દર્દીઓની પાસેથી એક પણ રૂપિયા ફી લેવામાં આવતી નથી. હાલ ચાલી રહેલા કેમ્પમાં અમેરિકાથી આવેલા ડોક્ટર્સ ડૉ. અરવિંદ પટેલ-સર્જન, ડૉ. શૈક – સર્જન, ડૉ. મીત દેસાઈ – સર્જન, ડૉ. સ્નેહલ પટેલ- સર્જન, ડૉ. લખાની – ગાઈનેકોલોજીસ્ટ, ડૉ. કોકીલા પટેલ – ફીજીસિયન, ડૉ. શશીકાંત પટેલ – ફીજીસિયન, ડો. પ્રશાંત કોઠારી – એનેસ્થેસિયોલોજિસ્ટ, ડૉ. પુનિતા કોઠારી – પેથોલોજિસ્ટ, ડૉ. રૂચિક શાહ – ફીજીસિયન તથા ડૉ. દિપ્તી શાહના માર્ગદર્શન હેઠળ દર્દીઓના મફતમાં ઓપરેશન થઇ રહ્યા છે. વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ નિમિતે આ સર્જીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ નિષ્ણાત તબીબોની ટીમ જ્યારે વડતાલ આવી પહોંચી ત્યારે આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ સાથે વડતાલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના ચેરમેન દેવપ્રકાશ સ્વામી, ડૉ.સંત સ્વામી વગેરે સંતો તથા ટ્રસ્ટી સભ્યો ગણેશભાઇ ડુંગરાણી, અરજણભાઇ આંબાવાળા, રાકેશભાઇ ઉગામેડી તથા છગનભાઇ વગેરેએ ભાવભીનું સ્વાગત કર્યું હતું.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો