વડોદરામાં 5 લાખથી વધુ યુવાનોને લાગી PUBGની લત, બની રહ્યાં છે હતાશાનો ભોગ

પ્લેયર અનનોન બેટલ ગ્રાઉન્ડ (PUBG) ગેમ વર્ચ્યુઅલ દુનિયા અને રિયલ દુનિયા વચ્ચે યુવાનોમાં તફાવત ગુમાવનારી બની રહી છે. મોબાઇલમાં સૌથી લોકપ્રિય બની ગયેલી આ રમત પાછળ ટીનેજર્સથી લઇને યુવાનોને ઘેલું લાગ્યું છે. માત્ર શહેરમાં જ 5 લાખથી વધારે લોકો આ ગેમ રમી રહ્યા છે. સતત ગેમ રમતા યુવાનો મને કોઇ મારી નાખશે તો હું હારી જઇશ તેવા ડર માનસિક હતાશા તરફ લઇ જઇ રહ્યા છે.

શહેરમાં PUBG ગેમના પગલે હતાશા, મનોચિકિત્સકની સારવાર લેવા સહિતના બનાવો વધવા માંડ્યા છે. સાઇકોલોજિકલ કાઉન્સેલિંગ કરતાં સ્વાતિ જોશીએ જણાવ્યું હતું કે કપરી પરિસ્થિતિમાં હું જીતી ગયો છું અને પ્રખ્યાત થઇ ગયો છું તેવી ભાવના યુવાનોમાં હોય છે જે PUBG ગેમમાં યુવાનોને મળી શકે છે. જલ્દી અને સહેલાઇથી કોઇ વસ્તુ પ્રખ્યાત થવા મળે તેવું યુવાનો વિચારે છે જેથી આવી ગેમમાં જીતવાનું અને જીવવાનું વ્યસન થઇ જાય છે જે માત્ર વર્ચ્યુઅલ છે જે રિયલ વર્લ્ડથી અલગ છે અને તેના કારણે યુવાનો હતાશ થાય છે.

સાઇબર એક્ષપર્ટ મયુર ભુસાવળકરે જણાવ્યું હતું કે શહેરમાં કુલ સાડા સાત લાખ ગેમ યુઝર છે જેમાંથી 80 ટકા એટલે કે 5 લાખથી લધારે લોકો PUBG ગેમ રમી રહ્યા છે. જેમાં સૌથી વધુ 14 થી 23 વર્ષની વય જૂથના છે. PUBG રમનારાઓના વર્ગમાં 55 વર્ષ સુધીના લોકોનો સમાવેશ થાય છે.

વડોદરાના આંખ ઉઘાડતાં ત્રણ કિસ્સાઃ PUBG રમતા યુવાનોને લાગી રહ્યું છેકે મને કોઇ મારી નાખશે

કિસ્સો 1: મને કોઇ મારી નાખશે,મારી પાછળ કોઇ આવી રહ્યું છે…
મને કોઇ મારી નાખશે,મારી પાછળ કોઇ આવી રહ્યું છે તેવા શબ્દો મનોચિકિત્સક પાસે આવેલ યુવાનના છે. PUBG ગેમના સતત એડિકશનના પગલે ડિપ્રેશનમાં આવી ગયેલાે યુવાન સતત તાણ અનુભવતો હતો અને જ્યારે તબીબે પૂછ્યું ત્યારે ખબર પડી કે ગેમના કારણે મને કોઇ મારી નાખશે તેવું લાગી રહ્યું છે.

કિસ્સો 2: હેલિકોપ્ટર આવી રહ્યું છે તેમ લાગતાં રિક્ષામાં બાઇક અથાડી
ધોરણ 12ના એક વિદ્યાર્થીને સતત ગેમ રમવાના કારણે જ્યારે બાઇક ચલાવતો હતો ત્યારે તેના ઉપર હેલિકોપ્ટર આવી રહ્યું હોવાનું લાગી રહ્યું હતું. જેના પગલે રિક્ષામાં બાઇક અથાડી દેતાં અકસ્માત થયો હતો. કિશોરના પિતાએ તબીબને કહ્યું હતું કે રાત્રે ઊંઘમાં પણ છેલ્લા બે મહિનાથી બબડી રહ્યો છે.

કિસ્સો 3: હારી જવાના ગુસ્સામાં માથું પછાડતાં 18 ટાંકા આવ્યા
PUBG ગેમ રમવાની શરૂઆત 15 મિનિટથી થઇ હતી એન 12 કલાક પર પહોંચી હતી. સતત રમતા રમતા એડીકટેડ થઇ ગયેલા યુવાન હાર નહિ પચાવી શકતા ગુસ્સામાં પોતાનું માથું પછાડી દીધું હતું જેના પગલે ગંભીર ઇજા થતા 18 ટાંકા લેવા પડયા હતા.

PUBG ગેમ છે શું

– આ ગેમ એકલા, બે લોકો અથવા તો ચાર લોકો સાથે મળીને રમી શકે છે.

– શરૂઆતમાં એક આઇલેન્ડ પર દુનિયાભરમાંથી ગેમ રમી રહેલા 100 લોકો એકસાથે હોય છે.

– ત્યારબાદ એક પ્લેનમાં તમામ લોકો સવાર થઇ જાય છે અને પ્લેન આઇલેન્ડ પર પૂર્વનિર્ધારિત રસ્તા ઉપરથી ઉડે છે.

– ખેલાડીઓએ જગ્યા નક્કી કરીને પેરાશૂટ લઈને પ્લેનમાંથી કૂદવાનું હોય છે.

– નીચે ઉતર્યા બાદ બેગ, ફર્સ્ટ એઇડ કિટ, બંદૂકો, તેના સ્પેર પાર્ટ્સ અને ગોળીઓ એકત્ર કરવાની હોય છે અને સાથે રમી રહેલા અન્ય ખેલાડીઓને મારવાના હોય છે.

– એક ઇલેક્ટ્રિફાઇંગ વૉલ ધીરે ધીરે આગળ આવતી જાય છે અને રમવાનો એરિયા નાનો થતો જાય છે.

– અંત સુધીમાં માત્ર એક જ ખેલાડી બચે છે, જે વિજેતા બને છે.

ફીચર્સ જે લોકોને વારંવાર રમવા મજબૂર કરે છે

– ગેમમાં ત્રણ અલગ અલગ મેપ હોઈ રમનારાઓ અલગ અલગ જગ્યાઓએ ફરવાની, લૂંટવાની અને મારામારી કરીને રોમાંચ અનુભવી શકે છે.

– બંદુકો, તેના સ્પેર પાર્ટ્સ અને અન્ય તમામ સાધન સામગ્રીઓ સાચી હોય તેવી લગતી હોવાથી ખેલાડીઓને ઉપયોગ કરવાનું ગમે છે

-ટીમમાં રમનાર લોકો અલગ અલગ વ્યૂહરચનાઓ ઘડીને અન્ય ટીમના ખેલાડીઓને મારી શકે છે

– ટીમમાં ખેલાડીઓ એકબીજા સાથે વોઇસ ચેટ મારફતે વાત કરી શકતા હોઈ ખેલાડીઓ ખરેખર પોતે જ ગેમની અંદર હોય તેવો અનુભવ મેળવી શકે છે

ગેમની આડઅસરથી બચવા શું કરી શકાય?

– અડધો કલાકથી વધારે સમય ગેમ પાછળ ન વિતાવવો જોઈએ
– ગેમ રમવા માટે ચોક્કસ સમય રાખવો જોઈએ
– ગેમ રમવાના વિચારો આવે તો તેને અન્ય દિશામાં વાળવા જોઈએ

વર્ચ્યુઅલ અને રિયલ લાઇફનો તફાવત ન કરી શકતાં ડર ઘર કરી જાય છે
એક વાર ગેમમાં એન્ટર થયા પછી બહાર નીકળી શકાતું નથી. મને કોઇ મારી નાખશે તો હું હારી જઇશ. વર્ચ્યુઅલ અને રિયલ લાઇફનો તફાવત નથી કરી શકતા અને તેનાથી રિયલ લાઇફમાં ડર પેસી જાય છે. તેમજ યુવકો હતાશાનો ભોગ બની રહ્યાં છે. – ડો.યોગેશ પટેલ, મનોચિકિત્સક

 

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો