સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ગયેલો વડોદરાનો આખો પરિવાર 1 માર્ચેથી ગૂમ, અનેક તર્ક વિતર્કો સર્જાયા

રાજપીપળા સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા ગયેલા વડોદરાના આર.વી.દેસાઈ રોડના પરમાર પરિવારના પાંચ સભ્યો એકાએક લાપત્તા થઈ જતાં અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. રવિવારે મોડીસાંજે સાડાસાત વાગ્યાની આસપાસ તેમની સફેદ કલરની અલ્ટો કાર સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક નર્મદા માતાના મંદિર પાસેના કેમેરામાં બહાર નીકળતાં દેખાઈ હતી, તે પછી તેમનો કોઈ અતોપતો નથી. જેને લઈ સગા-સબંધીઓમાં પણ ચિંતાનું મોજૂ ફરી વળ્યું છે.

આર.વી.દેસાઈ રોડ પર વણકર વાસમાં રહેતાં કલ્પેશ ચંદુભાઈ પરમાર (ઉં.વ.35) શેર બજારના ધંધા સાથે સંકળાયેલા છે. તેમને સંતાનમાં એક સાત વર્ષની પુત્રી અને 4 વર્ષનો પુત્ર છે. રવિવારે સવારે 11 વાગ્યે કલ્પેશભાઈ તેમના પત્ની તૃપ્તીબેન (ઉં.વ.30), માતા ઉષાબેન (ઉં.વ.55) અને બે બાળકોને લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ગયા હતા. લગભગ 12.30 વાગ્યે તેઓ ત્યાં પહોંચી ગયા હતા. જ્યાં પરિવારના પાંચેય સભ્યોએ ખુશખુશાલ મુદ્રામાં સરદાર પટેલની વિરાટ પ્રતિમા સાથે ફોટા પણ પડાવ્યા હતા. તેમજ કલ્પેશભાઈએ પુત્રને તેડી પત્ની સાથે સેલ્ફી પણ લીધી હતી.

ત્યારબાદ મોડીસાંજે 7.30થી 7.45 વાગ્યાની વચ્ચે તેઓ કાર લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેથી રવાના થયા હતા, તે વખતે કલ્પેશ પરમારે તેમના સાળા નિર્મલને ફોન કરી અમે નીકળ્યાં છે, તેમ જણાવ્યું હતું. જો કે, મોડીરાત સુધી તેઓ ઘરે પરત ફર્યા ન હતા. જેથી સગા – સબંધીએ કલ્પેશભાઈના મોબાઈલ નંબર પર સંપર્ક કરતાં સ્વીચ ઓફ મળ્યો હતો.

જ્યારે તેમના પત્નીએ ફોન બગડી ગયો હોવાથી સાથે લીધો હતો. બીજી તરફ કલ્પેશભાઈનો ફોન પણ સતત બંધ આવતાં હોય સગા વ્હાલાઓના જીવ પડિકે બંધાયા હતા. સોમવારે સવારે પણ તેઓ ઘરે પરત નહીં આવતાં કુંટુંબીજનોએ તેમની શોધખોળ કરી હતી. રાજપીપળા અને તિલકવાડા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં તપાસ કરવા છતાં હજુ સુધી પરમાર પરિવારના પાંચ સભ્યોના કોઈ સગડ મળ્યાં નથી. જેને લઈ પરિવાર સાથે શું થયું છે? તેને લઈ સગા – વ્હાલાના મનમાં અનેક વિચારો ઘુમરાયા કરે છે.

કલ્પેશ પરમારના મોબાઈલ ફોનનું છેલ્લું લોકેશન પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકનું બતાવી રહ્યું છે. બનાવ અંગે કિરીટભાઈ ત્રિભુવનદાસ ડાભી (રહે, ડાભી ખડકી, કંડારી, તા.કરજણ)એ કેવડિયા પોલીસ મથકે પાંચેય જણાંની ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે.

વડોદરાનો પરિવાર ગુમ થતા મૂર્તિ રોડ પરથી પરત ફરતી કાર CCTVમાં દેખાઈ છે. પરંતુ મૂર્તિ રોડ પરથી આગળના કેમેરામાં કાર ન દેખાતા તપાસ ચાલી રહી છે. હાલ પોલીસ દ્વારા નર્મદા, વડોદરા, છોટા ઉદેપુરમાં CCTV કેમેરાની તપાસ ચાલી રહી છે. બે દિવસથી પરિવાર પરત ન ફરતા પોલીસ ફરિયાદના આધારે તજવીજ હાથ ધરાઈ છે. આ પરિવાર વડોદરાથી અલ્ટો કાર લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ગયા હતા. આ પરિવાર GJ 06 KP 7204 અલ્ટો કાર લઈ sou પર આવ્યા હતા. કેવડિયા પોલીસે સવારથી સાંજ સુધીના CCTV ફૂટેજ ચેક કરતા તેઓ સવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર એન્ટર થતા અને મોડી સાંજે 7:30 કલાકે ત્યાંથી પરત જતા નજરે ચઢે છે. એ બાદ તેઓ ક્યાં ગયા એ મામલે હાલ એમના મોબાઈલ લોકેશન પરથી કેવડિયા પોલીસ તપાસ કરી રહી છે.

આ આખે આખો પરિવાર ક્યાં ગયો, એમની સાથે કોઈ અજુગતો બનાવ તો નહીં બન્યો હોય ને એ બાબત હાલ પરિવારજનોને સતાવી રહી છે. પરિવારના સભ્યોએ સ્ટેચ્યુની મુલાકાતની તસ્વીર પરિવાર સાથે શેર કરી એ બાબતની જાણ કરતા નર્મદા પોલીસે તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો