વડનગરમાંથી 2000 વર્ષ જૂનો વૈભવી કિલ્લો મળ્યો, 1000 વર્ષ જુના સિક્કા સહિત અવેશેષો મળ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) નું વતન એવું મહેસાણાનું વડનગર (Vadnagar) પોતાનો ઇતિહાસ ધીમે ધીમે ઉજાગર કરી રહ્યું છે. જેના પુરાવા વડનગરની ઉત્ખલન કામગીરી દરમ્યાન મળી રહ્યા છે. આવા જ કેટલાક પુરાવા અગાઉ પણ મળ્યા છે અને હજુ પણ મળી રહ્યા છે. હાલમાં વડનગરના અમરથોળ દરવાજા પાસે ઇન્ટરનેશનલ કક્ષાના મ્યુઝિયમ બનાવવાની કામગીરી શરૂ કર્યા પહેલા જ ઉત્ખલન દરમ્યાન કેટલાક એવા પુરાવા મળ્યા છે જે જોઈને જાણે કે ઇતિહાસને વાચા આવી ગઈ હોય.
મહેસાણાનું વડનગર એટલે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું માદરે વતન કે જ્યાં વર્ષોનો ઈતિહાસ ધરબાયેલો પડ્યો છે. વર્ષ 2005થી વડનગરમાં ઉત્ખલન કામગીરી ચાલી રહી છે. ત્યારે ઉત્ખલનમાં એક પછી એક મળતા પુરાવા ઐતિહાસિક વડનગરના ઇતિહાસમાં માનવ વસવાટના પુરાવા આપી રહ્યો છે. વડનગરમાં ઇન્ટરનેશનલ કક્ષાનું અન્ડર ગ્રાઉન્ડ અને જમીનની ઉપર એમ બે પ્રકારના મ્યુઝિયમ બનવા જઈ રહ્યા છે. જે પહેલા તેની જગ્યાએ ઉત્ખલન કામગીરી દરમ્યાન વિશાળ કિલ્લો મળી આવ્યો છે. જે અહીં રાજા રજવાડા દ્વારા બનાવાયેલો અને તેની અંદરના મકાનોની દીવાલો અહીં વસવાટનો પુરાવો આપી રહ્યા છે. જ્યા માટીનો ચૂલો, ચાંદી, તાંબા, પિત્તળના સિક્કા, અસ્થિઓ, માટીના વાસણો મળી રહ્યા છે. કહેવાય છે વડનગર 7 વખત વસ્યું હતું . જે અહીં મળતા હજારો વર્ષ જુના પુરાવા આ વાયકાઓને જાણે સાચી પાડી રહી છે.
અહીં ઉત્ખલન દરમ્યાન 2000 વર્ષ જૂનો કિલ્લો મળ્યો છે. જે 14 મીટરનો કિલ્લો ખુલ્લો કરાયો છે અને હજુ 200 મીટર ખુલ્લો કરવાનો બાકી છે. અહીંથી 1000 વર્ષ જુના ગાયકવાડ અને સોલંકીકાળના સિક્કા પણ મળી આવ્યા છે. આ જગ્યા પર અમરથોલ વિસ્તારમાં 1 nov.20થી ઉત્ખલન કામગીરી ચાલુ છે. જ્યા અત્યાર સુધી 1000 વર્ષ જુના પુરાવા મળ્યા છે. જે સોલંકી કાળ ગાયકવાડ, સલતનત મુગલ કાળના હોવાનું જાણવા મળ્યું છે. જાણવા મળેલ માહિતી મુજબ પુરાણું વડનગર નગર શંખની વસ્તુ માટે પ્રસિદ્ધ હતું. અને અહીં આજે અહીંથી શંખ અને શિપના પુરાવા પણ મળી રહ્યા છે. જે 2500 વર્ષ પહેલાથી ઉપયોગમાં લેવાતા હોવાનો અંદાજ છે. શંખ બાદ હાથી દાંતની અને બાદમાં કાચની બંગડીઓ મળી હતી. જે એક પછી એક યુગના પુરાવા આપે છે. વડનગરમાં મળતા ઐતિહાસિક પુરાવાઓમાં સૌથી નીચે રામપાર્ટ, ક્ષત્રપા, પોસ્ટ રામપાર્ટ, મધ્યકાલીન અને ગાયકવાડ તેમજ સોલંકી કાળ દરમ્યાનના પુરાવા અત્યાર સુધી મળ્યા છે.
વડનગરમાં જુલાઈ–2017ના વર્ષમાં વડનગરના ઘાસકોળ દરવાજા નજીક ચાલી રહેલા ઉત્ખલન દરમ્યાન માનવ કંકાલના માથાનો ભાગ મળ્યો હતો. જેનો લખનૌમાં ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે ડીએનએ ટેસ્ટમાં માનવ કંકાલનો ભાગ 2000 વર્ષ જૂનો હોવાનું પુરવાર થયું હતું. ઉપરાંત ડીએનએ ટેસ્ટ મુજબ અહી પશ્ચિમી ભારતના લોકોના ડીએનએ સાથે મેચ થઇ રહ્યો હોવાથી વડનગરમાં 2000 વર્ષ પૂર્વે પશ્ચિમી લોકોનો વસવાટ હોવાનું પુરવાર થાય છે.
તો વળી, પાંચ જેટલી સદીઓના લેયર નીચેથી મળેલા આ કંકાલની ઉપર દરેક લેયરમાં માનવીય વસવાટની વસ્તુઓ પણ મળી છે. જેથી વડનગરમાં 2000થી 2500 વર્ષ દરમ્યાન સતત માનવ વસવાટ હોવાનું પણ પુરવાર થઈ રહ્યું છે. વડનગરમાં ઘણી જગ્યાઓ એ ઉત્ખલન કામગીરી ચાલતી આવી છે.અને હાલમાં અમરથોળ દરવાજા નજીક ચાલતી મ્યુઝિયમ માટેની કામગીરી પહેલાં ની ઉત્ખલન કામગીરીમાં મળેલા કિલ્લાની દીવાલ અને માટી અને ઈંટોથી બનેલા મકાનોની દીવાલો અને તેમાંથી મળતા સિક્કા, માટીના વાસણો સહિતની વસ્તુઓ વડનગર 7 વખત વસેલું હોવાના આધાર પુરાવા આપી રહ્યું છે. અને કયા કાળ દરમ્યાન કઈ વસ્તુઓનો વપરાશ હતો તે વસ્તુઓ મળતા તે પુરવાર પણ થઈ રહ્યું છે.
વડનગરના શર્મિષ્ઠા તળાવ નજીક ચાલી રહેલા ઉત્ખલન દરમ્યાન આ અગાઉ ત્રણ ત્રણ સાશન કાળ એવા મૈત્રક કાળ, ક્ષત્રપ કાળ અને સોલંકી કાળના સુપર સ્ટ્રક્ચર સમાન પુરાવા મળી આવ્યા હતા. પ્રોટોનગરી લીપીમાં દિશાઓ લખી હોય તેવું સ્ટ્રક્ચર પણ મળ્યું હતું. બુદ્ધ સ્તુપો પણ મળ્યા છે. અને અત્યારે આ કિલ્લો અને સિક્કાઓ. ત્યારે એમ ચોક્કસ કહી શકાય કે, વડનગરના ભીતરમાં ધરબાયેલો ઉતિહાસ એ રાજ્ય જ નહીં સમગ્ર દેશનો વારસો છે. અને આ વારસાને ઉજાગર કરવા વડનગરમાં પુરાતત્વ વિભાગ રાત દિવસ કામ કરી રહ્યું છે. અને અહીંથી મળતા પુરાવા અહીના માનવ વસવાટની સાબિતી આપી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

