ઉતરકાશીમાં રાજકોટના 7નાં મોતઃ ગંગોત્રીના દર્શન થયા, ત્રણ ધામની યાત્રા પૂર્ણ ન કરી શક્યા

કાશી પાસે અકસ્માતનો ભોગ બનેલા કડિયા જ્ઞાતિના તમામ હતપ્રત સભ્યો ગાઢ મિત્રતા ધરાવતા હતા. મિત્રોએ અમરનાથ તેમજ હરિદ્વારના દર્શન કર્યા હતા પણ પત્નીઓને સાથે લઇને યાત્રા કરી ન હતી એટલે તમામે જીવનમાં પહેલીવાર ચારધામની યાત્રા કરવાનું નક્કી કર્યું. આ માટે કોઇ ટૂર પેકેજ રાખવાને બદલે પોતાની રીતે જ રૂટ નક્કી કર્યા હતા. જે મુજબ 30મીએ રાત્રે ચાર દંપતી ટ્રેન મારફત રાજકોટથી નીકળી અમદાવાદ પહોંચ્યા હતા.

રામેશ્વર સોસાયટીના અગ્રણી હીરાભાઈએ જણાવ્યું હતું કે આ દંપતીઓ પૈકી ચંદુભાઈ ટાંકના પત્ની લીલાબેનના બહેન મુક્તાબેન અને બનેવી બેચરભાઈ પૂના રહે છે. યાત્રા માટે તેમને પણ ઈચ્છા દર્શાવી હતી અને રાજકોટ આવવાને બદલે અમદાવાદ સ્ટેશન પર ભેગા થશે તેમ નક્કી કર્યું હતું. અમદાવાદથી આ પાંચેય દંપતી દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હીથી હરિદ્વારના દર્શન કરી ચાર ધામની યાત્રા શરૂ કરી હતી. સૌથી પહેલા ગંગોત્રી પહોંચ્યા હતા ત્યાં દર્શન કરીને દંપતીઓએ શુક્રવારે જ પોતાના પરિવારોને ફોટોગ્રાફ મોકલ્યા હતા અને ફોન પર વાત કરી હતી. ગંગોત્રીથી બીજા ધામ જાય તે પહેલા જ અકસ્માત નડતા તમામ ત્રણ ધામોની યાત્રા પૂર્ણ ન કરી શક્યા હતા.

આગલા દિવસે જ વીડિયોકોલ કર્યો હતો

શુક્રવારે ગંગોત્રીના દર્શન કરીને નીકળેલા યાત્રા સંઘના ચંદુભાઈ તુલસીભાઈ ટાંકે ગુરુવારે રાત્રે 10 કલાકે જ વીડિયોકોલ કરીને રાજકોટ પરિવાર સાથે વાત કરી હતી અને પોતે સલામત હોવાનું જણાવ્યું હતું. તેમજ પરિવારના અન્ય સભ્યોના ખુશી ખબર પૂછ્યા હતા. સંતાનો સાથે ગુરુવારે થયેલો વીડિયોકોલ તુલસીભાઈનો છેલ્લો કોલ રહ્યો હતો ત્યારબાદ શુક્રવારે તેમના મૃત્યુ થયાના સમાચાર આવતા જ પરિવાર હિબકે ચડ્યો હતો.

બંને સાઢુનાં મોત, બે સગી બહેનો વિધવા

ઉત્તરકાશીમાં થયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા મૂળ રાજકોટના અને હાલ પૂના રહેતા બેચરભાઈ રામજીભાઈ વેગડ અને ચંદુભાઈ તુલસીભાઈ ટાંક બંને એકબીજાના સગા સાઢુ થાય છે. બેચરભાઈના પત્ની મુક્તાબેન મોટા જ્યારે ચંદુભાઈના પત્ની લીલાબેન ઉમરમાં નાના હતા, આ ગમખ્વાર અકસ્માતમાં બંને સાઢુનાં મોત નિપજતા બંને સગી બહેનો વિધવા થઇ છે. રાજકોટમાં આમ તો સાતનાં મોત થયા છે પણ બેચરભાઈ મૂળ રાજકોટના હોવાથી આંકડો આઠ સુધી પહોંચ્યો છે.

પિતાના મૃત્યુના આઘાતમાં અદા પોતાને ઘેર લઇ આવ્યા

મૃતક હેમરાજભાઈને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. બંને પુત્રીને સાસરે વળાવી દીધી છે અને હેમરાજભાઈ અને કંચનબેન યાત્રા પર નીકળી જતા ઘરે 21 વર્ષનો જિજ્ઞેશ એકલો જ વધ્યો હતો. અકસ્માતના સમાચારથી તે ભારે આઘાતમાં સારી જતા તેના અદા માવજીભાઈ જિજ્ઞેશને તેના ઘરેથી પોતાના ઘરે લઇ આવ્યા હતા અને રૂમમાં સાંત્વના આપી શાંત પાડવા પ્રયત્ન કર્યો હતો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો