અમેરિકામાં મદદ માટે આગળ આવ્યા ગુજરાતી હોટેલ-મોટેલ માલિકો, નોધારા બનેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે 5000 રૂમ સાથે મફત રહેવા-જમવાની સુવિધા કરી

વિશ્વભરમાં ફેલાયેલા કોરોના મહામારીના હાહાકાર વચ્ચે અમેરિકામાં પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે. આવામાં અમેરિકાના વિવિધ રાજ્યોની યુનિવર્સિટીઓમાં અભ્યાસ માટે ગયેલા હજારો ભારતીય વિદ્યાર્થીઓ પણ અટવાઈ પડ્યા છે. અત્યારે તેમાંના મોટાભાગના હંગામી ડોમમાં આશરો લઈ રહ્યા છે. પરંતુ અમેરિકામાં કોરોનાના કેસની સંખ્યા સતત વધવાને લીધે ત્યાંની સરકાર આ સુવિધા પણ ગમે ત્યારે બંધ કરી શકે છે. આવામાં સ્વદેશ પરત નહીં ફરી શકવાને લીધે આવા હજારો વિદ્યાર્થીઓ અટવાઈ પડે તેવી દહેશત ઊભી થઈ છે ત્યારે અમેરિકામાં વસતા ભારતીય અને ખાસકરીને ગુજરાતી હોટેલ-મોટેલ માલિકો આગળ આવ્યા છે. ન્યૂજર્સી, ન્યૂયોર્ક, વર્જિનિયા સહિતના વિસ્તારોમાં આ ગુજરાતી હોટેલિયર્સે એક ગ્રુપ બનાવીને આવા ગુજરાતી વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે રહેવા-જમવાની વ્યવસ્થા કરી છે. એટલું જ નહીં, વધુને વધુ ગુજરાતી હોટેલિયર્સ તેમાં જોડાય તે માટે તેઓએ એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે તથા ભારતીય એમ્બેસીના સતત સંપર્કમાં રહીને તેઓ આવા નિઃસહાય બનેલા વિદ્યાર્થીઓની મદદ માટે આગળ આવીને પરદેશમાં પણ ભારતીયપણું દાખવ્યું છે.

ગુજરાતી વિદ્યાર્થીઓ માટે 5000થી વધુ રૂમની હોટેલ-મોટેલમાં વ્યવસ્થા

આ અંગે અમેરિકામાં વસતા ગુજરાતી હોટલીયર નીરવ પટેલ અને નવનીત પટેલે જણાવ્યું હતું કે, અમેરિકામાં પરિસ્થિતિ હજુ વણસે તો ભારતીય વિદ્યાર્થીઓ કે જેઓ અહીં હોસ્ટેલ અને ડોમમાં આશરો લઈ રહ્યા છે તેમને ખાલી કરાવવામાં આવી શકે છે. આ સ્થિતિમાં તેમની પાસે કોઈ આશરો નહીં રહે કારણ કે અત્યારે તેઓ ભારત પરત ફરી શકે તેમ પણ નથી કારણ કે ભારતના બધા એરપોર્ટ બંધ કરી દેવાયા છે અને આખો દેશ 21 દિવસ સુધી લોકડાઉન કરાયો છે. આ સ્થિતિમાં આપણા ભારતીય વિદ્યાર્થીઓ અટવાઈ ન જાય તે માટે અમે ભારતીય એમ્બેસી સાથે મળીને અમેરિકાના મોટા ભાગના વિસ્તારોમાં હોટેલ અને મોટેલ માલિકોનો સંપર્ક કર્યો છે. આ બધાએ મળીને અમેરિકામાં વિવિધ રાજ્યોમાં ભારતીય વિદ્યાર્થીઓના રહેવા 5000થી વધુ રૂમોની વ્યવસ્થા કરી છે. તેમના જમવાની પણ નિઃશુલ્ક વ્યવસ્થા કરાશે.

ભારત સરકારે પણ વિદ્યાર્થીઓ માટે હોટેલમાં રહેવાની વ્યવસ્થા કરી

અમેરિકામાં અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે ભારત સરકાર તરફથી ન્યૂયોર્કની એમ્બેસીના માધ્યમે અમેરિકામાં ન્યૂજર્સી ,ફિલાડેલ્ફિયા ,વર્જિનિયા, ન્યૂયોર્ક, બોસ્ટન, વિસ્કોન્સિન સહિતના રાજ્યોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રહેવાની કે જમવાની કોઈ તકલીફ હોય તો સામેલ લિસ્ટ મુજબની હોટલમાં વ્યવસ્થા કરાઈ છે. આની સાથે અમેરિકામાં વસતા ભારતીયો અને ખાસકરીને ગુજરાતી હોટલિયર્સે પણ હમવતન એવા વિદ્યાર્થીઓની કાળજી લેવાનું બીડું ઉઠાવ્યું છે.

મદદ કરવા ઈચ્છુક હોટેલમાલિક માટે વોટ્સએપ ગ્રુપ, ગુગલ શીટ બનાવી

નિરવ પટેલે એક વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે, આ સંકટની ઘડીમાં એકબીજાના કામમાં આવવું એ પરમ ધર્મ છે. આ મહામારીની લપેટમાં કોઈનું પણ બાળક આવી શકે છે, પછી એ મારું બાળક પણ હોઈ શકે છે. આ માટે અમે ગુજરાતી હોટેલ માલિકોએ મળીને એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે જેમાં અમે મદદ માટે ઈચ્છુક હોટેલની યાદી ઉમેરી રહ્યા છીએ. આ ઉપરાંત અમે અપીલ કરીએ છીએ કે કોઈપણ ભારતીય વિદ્યાર્થીને રહેવા-જમવા માટેની વ્યવસ્થા જોઈએ તો અમને ગુગલશીટમાં વિગતો ભરીને મોકલી શકે છે. અમે બનતી તમામ મદદ કરીશું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો