અનોખી મિત્રતા, ભાઈબંધી, જુગલબંધી અને કોમી એકતાનો એક હૃદયસ્પર્શી કિસ્સો: સાવરકુંડલામાં બ્રાહ્મણ વૃદ્ધે મુસ્લિમ મિત્રનાં ઘરે અંતિમ શ્વાસ લીધા, મિત્રના પુત્રોએ જનોઈ ધારણ કરી અંતિમ સંસ્કાર કર્યા

સાવરકુંડલાના નાવલીમાં મિત્રતા, ભાઈબંધી, જુગલબંધી અને કોમી એકતાનો એક હૃદયસ્પર્શી કિસ્સો સામે આવ્યો છે. અહીં બ્રાહ્મણ વૃધ્ધે જીવનના અંતિમ શ્વાસ તેના મુસ્લિમ મિત્રના ઘરે લીધા હતાં. એટલું જ નહીં, મુસ્લિમ મિત્રના પુત્રોએ જનોઇ ધારણ કરી શાસ્ત્રોકત વિધિપૂર્વક આ વિપ્ર વૃદ્ધની સ્મશાનયાત્રા કાઢી હતી અને અંતિમ સંસ્કાર કર્યા હતા. અહીં ભીખાભાઈ કુરેશી અને ભાનુશંકર પંડયા ગાઢ મિત્રો હતા અને બંનેએ મજુરી સાથે કરી અને બંને મિત્રોએ એકાદ વર્ષના અંતરે જ અનંતની વાટ પકડી હતી.

50 વર્ષ પહેલા બંનેની ભાઇબંધી થઇ, આજીવન નિભાવી

બ્રાહ્મણ ભાનુશંકર પણ આ મુસ્લિમ પરિવાર સાથે રહેતા અને ઘરના સદસ્ય જેવા જ હતા. તેમનું સોમવારે અચાનક નિધન થતા મુસ્લિમ પરિવારે હિન્દુ શાસ્ત્રોકત વિધિ પ્રમાણે તેમની ક્રિયા જનોઈ ધારણ કરી કાંધ આપી પછી અગ્નિદાહ આપ્યો હતો. ભાનુશંકર દાદા પંચમહાભૂતમાં વિલીન થયા ત્યારે મુસ્લિમ મિત્રના પુત્રોએ સગા પૂત્રની જેમ જ વિલાપ કર્યો હતો. ભાનુભાઈને આમેય કોઈ પરિવાર નહોતો માટે ભીખાભાઈ કુરેશી તેમના માટે ઘરેથી ટિફિન લાવતા હતા. બંને મિત્રો એક ટિફિનમાંથી જમીને હરખથી મજૂરીએ લાગતા હતા. એક દિવસ મજૂરી વેળા ભાનુશંકરનો પગ ભાંગે છે ત્યારે તેમને કોઈ પરિવાર ન હોવાથી મિત્ર ભીખાભાઈ કુરેશી તેમને ઘરે લાવે છે અને પછી આજીવન આ વિપ્ર આ મુસ્લિમ પરિવારને પોતાનો પરિવાર માની તેમની સાથે રહે છે.

ભાનુભાઈનાં પરિવારમાં કોઈ ન હોવાથી મુસ્લિમ પુત્રો જ તેમનો પરિવાર હતો

સવારે ભાનુશંકર પૂજા પાઠ કરે અને મુસ્લિમ પુત્રવધુઓ નાસ્તો આપે તે આરોગી મજુરીએ જતા રહે. બાદમાં સાંજે આ પરિવારમાં નાના નાના પૌત્ર પૌત્રીઓને આંટો મરાવે અને બાળકો સાથે જીવન સુખમય રીતે જીવન જીવી રહ્યા હતા. ત્યારે તેમના મિત્ર ભીખુભાઈ કુરેશી જન્નતનસીન થતા આ બ્રાહ્મણ મિત્ર પર આભ તૂટી પડ્યું હતું. મિત્રના જન્નતનશીન થયાને એક વર્ષમાં તેમણે પણ અનંતની વાટ મુસ્લિમ પરિવારના ઘરમાંથી પકડી હતી. જેથી મુસ્લિમ પરિવાર પણ હાલ અતિ ગમગીન છે. ત્યારે ભાનુભાઈના પરિવારમાં કોઈ ન હોવાથી આ મુસ્લિમ પુત્રો જ તેમનો પરિવાર હતો.

માનેલા મુસ્લિમ પુત્રોએ જ વિધિવત્ અંતિમવિધિ કરી

હાલ 21મી સદીમાં પણ આ કિસ્સા ઉપરથી માનવતાનું ઉદાહરણ જોવા મળી રહ્યું છે. વિપ્ર વૃદ્ધનું અવસાન થતાં મુસ્લિમ મિત્રએ પોતાના ઘરે લઇ જઇ અને શાસ્ત્રોક વિધી મુજબ જનોઇ ધારણ કરી અગ્નિસંસ્કાર કર્યા હતાં. મુસ્લિમ પુત્રોએ ભાનુશંકરને પિતા તુલ્ય જ માની જનોઈ ધારણ કરી અને કાંધ આપી અગ્નિદાન આપ્યો હતો. કોમી એકતાની મિસાલ આથી વધુ હોઈ જ ન શકે. આ કિસ્સો સાવરકુંડલામાં કોમવાદ અને વૈમન્સ્ય ફેલાવનારા માટે સબક સમાન પણ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો