જેને જે કરવુ હોય તે કરી લે, હું જાહેરમાં કહું છું કે, કોઈ પણ ભોગે CAA પાછુ નહીં ખેંચાય : અમિત શાહ

નાગરિકતા સંશોધન કાયદા (CAA)ના સમર્થનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જોરદાર હુંકાર કર્યો હતો. ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં એક જનસભાને સંબોધિત કરતા શાહે સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, તૃણમુલ કોંગ્રેસને નાગરિકતા કાયદાને લઈને દેશમાં થઈ રહેલી હિંસા માટે જવાબદાર ઠેરવ્યા છે.

અમિત શાહે સ્પષ્ટ કહ્યું હતું કે, હું ડંકે કી ચોટ પર કહું છું કે, સીએએ મામલે એક ઈંચ પણ પાછીપાની નહીં કરવામાં આવે. કોઈ પણ ભોગે તેને અમલી બનાવવામાં આવશે જ.

ગૃહમંત્રી અમિત શાહે આજે લખનૌમાં ‘ભારત માતા કી જય’ના નારા સાથે એક જનસભાને સંબોધિત કરી હતી. તેમણે વિરોધ પક્ષોને બરાબરના ઝાટકતા કહ્યું હતું કે, નાગરિકતા કાયદા વિરૂદ્ધ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. તેઓ પ્રચાર કરી રહ્યાં છે કે, આ કાયદાથી દેશના મુસલમાનોની નાગરિકતા છીનવાઈ જશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, સંસદ સત્રમાં જ્યારે અમારી સરકાર બિલ લાવી તો રાહુલ બાબા એંડ કંપની વિરોધમાં કાઉં-કાઉં કરી રહી હતી. આ મુદ્દે ભ્રમ ફેલાવી રહી હતી. પણ મમતા દીદી, રાહુલ બાબા, અખિલેશ યાદવ ચર્ચા કરવા માટે સાર્વજનિક મંચ શોધી લો, અમારા સ્વતંત્ર દેવ ચર્ચા કરવા માટે તૈયાર છે.

સપા, બસપા, કોંગ્રેસ, ટીએમસીને બરાબરનો ઉધડો લીધો

ગૃહમંત્રીએ કહ્યું હતું કે, દેશમાં ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે, તોફાનો કરાવવામાં આવી રહ્યાં છે, આગચંપી ફેલાવવામાં આવી રહી છે. તેવી જ રીતે આ ધરણા પ્રદર્શનો, વિરોધ, ભ્રમ સપા, બસપા, કોંગ્રેસ અને ટીમસી જ ફેલાવી રહ્યાં છે. પરંતુ સીએએથી કોઈ પણ વ્યક્તિની નાગરિકતા છીનવાવાની નથી. આ બિલમાં તો નાગરિકતા આપવાની જોગવાઈ છે. સીએએની કોઈ પણ કલમ, મુસલમાન તો છોડો કોઈ જ અલ્પસંખ્યકની તો શું કોઈ પણ વ્યક્તિની નાગરિકતા છીનવાઈ હોય તો મને દેખાડો.

શાહે વિરોધપક્ષોને દેખાડી તેમની જગ્યા

શાહે વિરોધ પર પર સવાલ કરતા કહ્યું હતું કે, જ્યારે કાશ્મીરમાંથી લાખો કાશ્મીરી પંડિતોને ભગાડી મુકવામાં આવ્યા ત્યારે આ લોકોનો માનવાધિકાર ક્યાં ગયો હતો? તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે, જેને પણ આ કાયદાનો જેટલો વિરોધ કરવો હોય તેટલો કરી લે, પરંતુ CAA પાછુ ખેંચવામાં નહીં જ આવે.

રાહુલ ગાંધીને બરાબરના ઝાટક્યા

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર જોરદાર પ્રહાર કરતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, રાહુલ બાબા કાન ખોલીને સાંભળી લો, તેમની પાર્ટીના કારણે જ ભારત માતાના બે ટુકડા ધર્મના આધારે થયા. પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં અનેક વર્ષોથી અલ્પસંખ્યકોની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે. તેઓ ક્યાં જશે?

અખિલેશ યાદવનો પણ ઉધડો લેતા શાહે કહ્યું હતું કે, અખિલેશ બાબૂ, તમે વધાર ના બોલો તો જ સારૂ છે. કોઈના ગોખાવેલા વાક્યો બોલી નાખો છો બસ, મંચ પર આવીને CAA પર બે શબ્દો બોલી શકતા હોય તો બોલો. મમતાને પણ શાહે છોડ્યા નહોતા. તેમણે કહ્યું હતું કે, દલિત બંગાળીઓને આજે નાગરિકતા મળી રહી છે તો મમતા બેનરજીને પેટમાં દુ:ખી રહ્યું છે. વિરોધ પક્ષને તો આદત પડી ગઈ છે કે, જે દેશહિતમાં હોય તેનો જ વિરોધ કરવો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો