અમદાવાદમાં લાકડાનો વેર અને કલર ભેળવીને વેચાતું 500 કિલો મરચું જપ્ત કરાયું, પ્રતિકિલો 250ના ભાવે મળતું મરચું રૂ. 90માં વેચાતું હતું
માધુપુરા માર્કેટમાંથી મ્યુનિ. હેલ્થ વિભાગે લાકડાનો વેર અને કલરથી ભેળસેળ કરેલું 500 કિલો મરચું પકડી પાડ્યું છે. લોખંડ બજાર હઠીપુરા પાસે જય માતાજી ટ્રેડર્સના નામે ધંધો કરતો વેપારી ગોંડલથી ભેળસેળિયું મરચું લાવતો હતો. વેપારી દુકાન બંધ રાખી બાંધેલા અન્ય વેપારીને 90 રૂપિયે કિલોના ભાવે ભેળસેળિયું મરચું વેચતો હતો. હાલ આ મરચાનો ભાવ કિલોએ 250ની આસપાસ છે. 2015માં પણ ભેળસેળ બદલ આ વેપારીની ધરપકડ થઈ હતી.
આરોગ્ય વિભાગે બાતમીને આધારે દરોડો પાડ્યો હતો. મરચાના સેમ્પલ લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા પછી ચોક્કસ શેની ભેળસેળ થઈ હતી તે જાણી શકાશે.
માધુપુરા માર્કેટમાં લોખંડબજાર, હઠીપુરા પાસે જય માતાજી ટ્રેડર્સના નામે ધંધો કરતાં વિક્રમ કિશોરભાઇ થાવાણી ભેળસેળિયું મરચું વેચતા હોવાની માહિતી મ્યુનિ. આરોગ્ય અધિકારી ભાવીન જોષીને મળી હતી. તપાસ કરતાં ગોડાઉનમાં ભેળસેળવાળા મરચાનો મોટો જથ્થો પકડાયો હતો. મ્યુનિ.એ 2015માં પણ વિક્રમ થાવાણી સામે ખાદ્યપદાર્થમાં ભેળસેળ બદલ કાર્યવાહી કરી હતી. જોકે તેણે માધુપુરામાં બીજી વ્યક્તિના નામે ગોડાઉન રાખી ફરી ભેળસેળનો ધંધો શરૂ કર્યો હતો.
આ મરચાથી લિવરને નુકસાન થાય છે
ભેળસેળવાળું મરચું ખાવામાં આવે તો તેનાથી ખાસ કરીને પેટને લગતાં દર્દો થઇ શકે છે. લીવર પર પણ તેની અસર થઇ શકે છે. વ્યક્તિને ડીહાઇડ્રેશન, ઉલટીની તકલીફ, પેટમાં દુ:ખાવો, ફુડ પોઇઝનીંગ જેવી અસરો થઇ શકે છે.
આ રીતે મરચામાં ભેળસેળ પકડી શકાય
ભેળસેળ જાણવા પાણી ભરેલા ગ્લાસમાં મરચું નાખવામાં આવે છે. જો તે થોડીવારમાં તે કલર છોડે અને સાથે રેતી હોય તો તે નીચે બેસી જાય છે. કલર નીકળી જતાં કયાં પદાર્થની ભેળસેળ છે તે જાણી શકાય છે.
તીખાશ માટે કેમિકલ સ્પ્રે છંટાય છે
મરચા પાવડરમાં વેર, ઈંટની રેતી, મીઠાનો પાવડર કે ટેલકમ પાવડરની ભેળસેળ થાય છે. તેને એસિડિક તેમજ લાલ બતાવવા કલર નખાય છે. એસિડિક અસર કે તીખાશ લાવવા સ્પ્રે છંટાય છે.-મુકેશ પરીખ, પ્રમુખ ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

