રાજકોટમાં કોરોનાગ્રસ્ત પતિના મોતથી અજાણ પત્નીનું બાયપેપ ઉતારતા જ કહ્યું, ‘આ મશીનથી મને સારું થયું, હવે મારા પતિને ચડાવોને’ વાત સાંભળીને ડોક્ટર પણ ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યા

કોરોનાની બીજી લહેરે સરકારના તમામ આયોજન વીંખી નાખ્યા છે, દર્દીઓની સંખ્યા વધી રહી છે, મૃત્યુઆંક સતત વધી રહ્યો છે, હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા છે, દવા ઇન્જેક્શન અને ઓક્સિજનની અછત પ્રવર્તી રહી છે ત્યારે તબીબો પોતાના જીવના જોખમે દર્દીઓને બચાવવા અથાગ પ્રયાસો કરી રહ્યા છે, કોરોનાની આ પ્રવર્તમાન સ્થિતિમાં તેમની માનસિક સ્થિતિ કેવી છે, ક્યારે ભાંગી પડે છે અને કેવી રીતે પોતાની જાતને જ સમજાવીને ફરીથી દર્દીની સેવામાં લાગી જાય છે તેના રાજકોટની સિવિલ હોસ્પિટલના મેડીકલ સ્ટાફના ત્રણ િકસ્સા અત્રે પ્રસ્તુત છે.

કાળજું કઠણ રાખ્યું : મહિલાની વાતથી હું દ્રવી ઉઠ્યો હતો, અને દૂર જઇ હું ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યો

કોરાના અટકવાનું નામ લેતો નથી, સતત નવા નવા દર્દી આવી રહ્યા છે, એક દર્દીનું પૂરું નિદાન થયું ન હોય ત્યાં નવા દર્દી આવી જાય છે, દિવસમાં એક જ વખત જમે છે અને ચાર કલાક નીંદર કરે છે અને એ ચાર કલાકમાં પણ રાત્રીના ફોન સતત આવતા રહે છે, આમાં વ્યક્તિગત સગવડ કરતા પડકાર સામે લડી લેવું એજ મંત્ર બનાવ્યો છે, પરંતુ એક કિસ્સો હજુ મારા માનસપટમાંથી નીકળતો નથી. કોરોનાગ્રસ્ત દંપતીની સારવાર કરી રહ્યો હતો, પ્રૌઢનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

પુત્રએ કહ્યું હતું કે માતાનો ફોન સ્વીચ ઓફ કરી દેજો

પ્રૌઢના મૃત્યુ અંગે તેના પુત્રને ફોનથી જાણ કરી ત્યારે તેના પુત્રએ કહ્યું હતું કે, ‘મારી માતા બાયપેપ પર છે તેની હાલત ગંભીર છે, આ સમાચાર તેને મળશે તો તેની તબિયત વધુ લથડશે એટલે મૃત્યુ પામેલા મારા પિતાનો મોબાઇલ સ્વિચ ઓફ કરી દેજો, જેથી માતાને આ અંગેની જાણ થાય નહીં, પ્રૌઢનો મોબાઇલ સ્વિચ ઓફ કરી દીધો હતો, બે દિવસ પછી મહિલાની તબિયતમાં સુધારો થયો હતો અને તેમને બાયપેપ પરથી લઇ લેવામાં આવ્યા હતા, તે સાથે જ મહિલા બોલ્યા હતા કે, ‘સાહેબ આ મશીનથી મને સારું થઇ ગયું છે, મારા પતિને આ મશીન ચડાવોને તો તે પણ સાજા થઇ જશે’. મહિલાની વાતથી હું દ્રવી ઉઠ્યો હતો, અને દૂર જઇ હું ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યો હતો. – ડો.હિરેન મકવાણા, સિવિલ હોસ્પિટલ

કરુણતા: ક્વોરન્ટાઇન પરિવારને પ્રૌઢના અંતિમ દર્શન વીડિયોકોલથી કરાવ્યા એ દૃશ્ય મને હચમચાવી ગયું

હું સિવિલ હોસ્પિટલમાં આરએમઓ તરીકે ફરજ બજાવું છું, કોરોનાના કપરા સમયમાં મને ડેડબોડીની અંતિમવિધિની જવાબદારી સોંપવામાં આવી છે, દરરોજ મોટી સંખ્યામાં મૃતદેહોને સ્મશાને મોકલવામાં આવે છે, દર્દીનું મૃત્યુ થાય ત્યારે તેના પરિવારજનોને ફોન કરી અંતિમ દર્શન માટે બોલાવીએ છીએ, હોસ્પિટલમાં જ અંતિમ દર્શન કરાવ્યા બાદ મૃતદેહને સ્મશાને મોકલી આપીએ છીએ, રાજકોટમાં રહેતા એક જ પરિવારના છ સભ્ય કોરોનાગ્રસ્ત થયા હતા, પરિવારના મોભી પ્રૌઢની તબિયત ગંભીર થતાં સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે પરિવારના પાંચ સભ્ય હોમ ક્વોરન્ટાઇન હતા.

પ્રૌઢનું મૃત્યુ થયું ત્યારે તેમના પુત્રને ફોન કરીને અંતિમ દર્શન કરવા આવવાની જાણ કરી હતી, તે યુવકે કહ્યું હતું કે, ‘સાહેબ અમે બધા કોરોનાગ્રસ્ત છીએ, નબળાઇને કારણે ચાલવામાં મુશ્કેલી પડે છે, આવી શકીશું નહીં, તેમની વ્યથા મને હચમચાવી ગઇ, મેં વીડિયોકોલ કરી અંતિમ દર્શન કરાવ્યા, તેઓએ પણ ભાવપૂર્વક દર્શન કરી મૃતદેહને સ્મશાને વિદાય માટે મંજૂરી આપી હતી,પરિવારના સભ્યો શહેરમાં જ હોવા છતાં સ્થિતિને કારણે તેઓ આવી શક્યા નહોતો તે સ્થિતિએ મારી આંખમાં ઝળઝળિયાં લાવી દીધા હતા.- ડો.મહેન્દ્ર ચાવડા, સિવિલ હોસ્પિટલ

કુદરતની ક્રૂરતા: 3 વર્ષનો પુત્ર બચી ગયો પણ પતિના મૃત્યુ બાદ પત્નીના આક્રંદે નર્વસ કરી દીધી

છેલ્લા પચ્ચીસેક દિવસથી દરરોજની 70 થી 80 ઓપીડીમાંથી 90 ટકા બાળકો કોરોનાગ્રસ્ત હોવાનું નિદાન થાય છે, કોરોનાગ્રસ્ત બાળકો માટે પણ બેડ ઉપલબ્ધ નથી આ સ્થિતિ ખરેખર દયનીય છે. રાજકોટમાં કોરોના સંક્રમણ છેલ્લા થોડા દિવસથી અકલ્પનીય રીતે વધ્યું છે તેથી લોકોએ સાવચેત રહેવાની જરૂરિયાત છે. માસ્કર અને સોશીયલ ડિસ્ટન્સનું પાલન કરવાથી સંક્રમણ ઘટશે. વાંકાનેરના ત્રણ વર્ષના કોરોનાગ્રસ્ત બાળકને લઇને મહિલા અમારી હોસ્પિટલે આવી હતી, તેનો પતિ પણ કોરોનાગ્રસ્ત હતો, અને તે હોમ ક્વોરન્ટાઇન હતા.

ત્રણ દિવસની સારવાર દરમિયાન ત્રણ વર્ષનું બાળક સ્વસ્થ થઇ જતાં બીજા દિવસે તેને રજા આપવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે તે મહિલાએ કહ્યું હતું કે, મારા પતિની તબિયત લથડી છે તેને બેડ મળે તેવું કરી આપોને, મહિલાની લાગણીસભર વાત સાંભળી, બેડની વ્યવસ્થા કરવા પ્રયાસો કર્યા પરંતુ બેડ મળ્યો નહોતો, અને તે રાત્રે જ તેના પતિનું મૃત્યુ થયું હતું. ત્રણ વર્ષના પુત્રને કોરોનાથી બચાવી લીધાનો મહિલાનો આનંદ એક જ પળમાં વિલયમાં પરિવર્તિત થઇ ગયો હતો, તેણે કરેલા આક્રંદથી ગમગીની છવાઇ ગઇ હતી, મહિલાનું તે આક્રંદ આજે પણ મને અકળાવે છે. – ડો.તૃપ્તિ વૈશ્નાણી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો