પોલીસની પ્રસંશનીય કામગીરી: સુરતમાં રાત્રે એક વાગ્યે મોપેડ સાથે મુશ્કેલીમાં મૂકાયેલી યુવતીને બે કોન્સ્ટેબલ ઘર સુધી મૂકી આવ્યાં

પોલીસ કંટ્રોલ રૂમમા ફોન કરી મદદ માગવામાં આવે તે સંજોગોમાં પોલીસ મહિલાને ઘર સુધી મૂકી આવશે તેવી પોલીસ કમિશનર રાજેન્દ્ર બ્રહ્મભટ્ટે જાહેરાત કરી હતી. ત્યારે ઓલપાડના સારોલી ચેક પોસ્ટ પાસે રાત્રે એક વાગ્યે મોપેડમાં પેટ્રોલ પુરું થઇ જવાને કારણે મુશ્કેલીમાં મૂકાયેલી સારોલીની યુવતીને જહાંગીરપુરાના કોન્સ્ટેબલ અનુપસિંહે પોતાની બાઇકમાંથી પેટ્રોલ કાઢીને આપવાની સાથે એસઆરપીના કોન્સ્ટેબલ જોગાભાઇ દેસાઇ સાથે સાથે બાઇક લઇ ઘર સુધી સલામત રીતે મૂકી આવ્યા હતા.

ચેક પોસ્ટ નજીક યુવતી મોપેડ સાથે ઊભી હોવાનું જણાતા તપાસ કરી

હૈદરાબાદમાં તબીબ યુવતી સાથે ગેંગરેપ કરી હત્યાની ઘટના બાદ સુરત પોલીસ કમિશનર રાજેન્દ્ર બ્રહ્મભટ્ટે એક જાહેરાત કરી હતી. જો કોઇ મહિલા રાત્રે એકલી હોય અને ઘરે જવામાં મુશ્કેલી કે ખતરો અનુભવતી હોય તે સંજોગોમાં પોલીસને ફોન કરે તો પોલીસ તેને ઘર સુધી મૂકવા આવશે. દરમિયાન બુધવારે રાત્રે એક વાગ્યે સારોલી ચેક પોસ્ટથી થોડે દૂર એક યુવતી મોપેડ સાથે ઊભી હોવાનું જણાઇ આવતા અહીં ફરજ બજાવતા જહાંગીરપુરા પોલીસ મથકના કોન્સ્ટેબલ અનુપસિંહ અને એસઆરપીના જોગા દેસાઇને યુવતી મુશ્કેલીમાં હોવાનો ખ્યાલ આવ્યો હતો.

મોપેડને ધક્કો મારી યુવતીને ચેક પોસ્ટ પાસે સલામત જગ્યાએ લઇ આવ્યા

અનુપસિંહ અને જોગાભાઈ મહિલા પાસે જઇ પૂછપરછ કરતા તેણે પોતાનું નામ રીયાબેન પટેલ હોવાનું અને તે સારોલીમાં રહેતી હોવાનું જણાવ્યું હતું. મોપેડમાં પેટ્રોલ પુરું થઇ ગયાનું જણાવતા આ બંને પોલીસ કર્મચારીઓ મોપેડને ધક્કો મારી ચેક પોસ્ટ પાસે સલામત જગ્યાએ લઇ આવ્યા હતા. પોતાની બાઇકમાંથી પેટ્રોલ કાઢીને મોપેડમાં ભરી આપવાની સાથે પોતાની બાઇક મોપેડની પાછળ ચલાવી યુવતીને ઘર સુધી મૂકી આવ્યા હતા.

બંને પોલીસ કર્મચારીઓની કામગીરીને બિરદાવી

પોલીસની આ પ્રસંશનીય કામગીરી જોતા રાત્રે પેટ્રોલિંગમાં નીકળેલા રાંદેર પોલીસ મથકના ઇન્સપેક્ટર એલ.પી. બોડાણાએ બંનેને બિરદાવતી નોંધ ઇન્સપેક્ટર બી.એમ. પાટીદારને સંબોધીને વિઝિટ રજિસ્ટરમાં કરી હતી. શહેરમાં ખડેપગે ફરજ બજાવતી પોલીસે રાત્રે મહિલાને કરેલી પેટ્રોલની મદદ આમ જોવા જઇએ તો સામાન્ય લાગે છે, પરંતુ હૈદરાબાદ જેવી ઘટનાઓ સાંભળ્યા બાદ પોલીસે દાખવેલી તકેદારી ચોક્કસ નોંધનીય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો