સાઈક્લોન: અરબી સમુદ્રમાં એક સાથે બે વાવાઝોડાંની સિસ્ટમ સક્રિય થવાની પહેલી ઘટના

આ સપ્તાહે અરબી સમુદ્રમાં બે મોટા વાવાઝોડાં જોવા મળ્યા. હજી 29-30 સપ્ટેમ્બરે ગુજરાતના દરિયાકાંઠે જેની ત્રાટકવાની દહેશત હતી તે ક્યાર ચક્રવાત સમુદ્રમાં જ નબળું પડી ગયું તેની કળ વળી નથી ત્યાં વળી મહા વાવાઝોડું સુપર સાઈક્લોન સ્વરૂપમાં 6-7 નવેમ્બરે વેરાવળના દરિયાકાંઠે ત્રાટકે તેવી હવામાન વિભાગે દહેશત વ્યક્ત કરી છે. ખુદ ભારતીય હવામાન વિભાગે (આઈએમડી) એ બાબતની પુષ્ટિ કરી છે કે, 1965ની સાલમાં સેટેલાઈટ દ્વારા સમુદ્રની ગતિવિધિનું અવલોકન શરૂ થયા બાદ બાદ અરબી સમુદ્રમાં એક સાથે બે વાવાઝોડાં સક્રિય થવાની ઘટના આ પ્રથમવાર બની છે.

હિમશિલાઓ પીગળવી, તાપમાન વધવાને લીધે પૃથ્વીનો ગોળો ગેસ ચેમ્બર બન્યો

હવામાન નિષ્ણાત રાજીવન એરિક્કુલમે એક યાદીમાં જણાવ્યું હતું કે, આ રીતે અરબી સમુદ્રમાં ઉપરાછાપરી ચક્રવાતો સર્જાવાનું મુખ્ય કારણ ગ્લોબલ વોર્મિંગ છે. હિમશિલાઓ સતત પીગળી રહી છે અને ઔદ્યોગિકરણને લીધે પૃથ્વીનો ગોળો રીતસરની ગેસ ચેમ્બરમાં તબદિલ થઈ રહ્યો છે. આ કારણે અરબી સમુદ્રનું તાપમાન પણ સતત વધી રહ્યું છે. આ સ્થિતિને જોતાં આગામી સમયગાળા દરમિયાન અરબી સમુદ્રમાં વધુને વધુ આવા સાઈક્લોન તથા સુપર સાઈક્લોન સર્જાઈ શકે છે.

30 ઓક્ટોબર સુધીના સપ્તાહમાં ભારતમાં સરેરાશ કરતા 200 ટકા વધુ વરસાદ

આઈએમડીએ તેના સાપ્તાહિક સ્ટેટસ એન્ડ આઉટલુક રિપોર્ટમાં જણાવ્યું હતું કે, 30 ઓક્ટોબર ને બુધવારના રોજ પૂર્ણ થતા સપ્તાહ દરમિયાન ભારતમાં સરેરાશની તુલનામાં 200 ટકા વધુ વરસાદ થયો છે. દક્ષિણ દ્વીપકલ્પમાં સૌથી વધુ 56 મીમી વરસાદ નોંધાયો હતો જે માટે ઉપરાછાપરી સર્જાયેલા બે વિનાશક વાવાઝોડા તેમજ બંગાળના અખાતમાં સર્જાયેલા ડીપ ડીપ્રેશન બે સૌથી મોટા જવાબદાર કારણો હતા.

ગુજરાત, કેરળ, કાંઠાળ કર્ણાટક, તમિળનાડુમાં અતિભારે વરસાદ પડી શકે

મધ્ય ભારતમાં સૌથી વધુ પાછોતરો વરસાદ પડ્યો છે જે આંક ગત સપ્તાહના વરસાદની તુલનામાં 572 ટકા જેટલો તોતિંગ વધારે હતો. ઓક્ટોબર મહિનાના એકંદર માસિક સરેરાશ વરસાદની વાત કરીએ તો ભારતમાં સામાન્ય કરતા 44 ટકા વધુ વરસાદ નોંધાયો હતો. આમાં પણ મધ્ય અને દક્ષિણના પ્રદેશોમાં તો અનુક્રમે 99 ટકા અને 54 ટકા વધુ વરસાદ નોંધાયો હતો. હજી પણ મહા ચક્રવાતની અસર અને તેના સુપર સાઈક્લોનિક સ્ટોર્મના સ્વરૂપને કારણે કેરળ, કાંઠાળ કર્ણાટક, ગુજરાતના સમુદ્રકાંઠા તથા દક્ષિણ તમિળનાડુમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

બંગાળના અખાતમાં 5 નવેમ્બરે ડીપ ડીપ્રેશન સૌથી વધુ સક્રિય થશે

આ સપ્તાહે પણ બંગાળના અખાતમાં વધુ એક ડીપ ડીપ્રેશન સર્જાવાની આઈએમડીએ આગાહી કરી છે. આ આગાહી અનુસાર આંદામાનના ઉત્તર સમુદ્રના વિસ્તારોમાં રવિવારે લો-પ્રેશર સર્જાઈ શકે છે. આ સાઈક્લોનિક સિસ્ટમ ભારતના પૂર્વના કાંઠા તરફ તીવ્રતાથી આગળ વધી શકે છે. આ સંજોગોમાં ડીપ્રેશન વધુ સઘન બનશે અને બંગાળના અખાતના પૂર્વ-મધ્યભાગમાં આગામી 5 નવેમ્બરે મહત્તમ સક્રિય થશે.

“ઉત્તર ભારતની વાત કરીએ તો આ સુપર સાઈક્લોનને કારણે આ સપ્તાહે જમ્મુ અને કાશ્મીર તથા હિમાચલપ્રદેશમાં છૂટોછવાયો વરસાદ અથવા બરફ પણ પડી શકે છે. એકંદરે દક્ષિણના રાજ્યો ઉપરાંત છત્તીસગઢ, ઝારખંડ અને પશ્ચિમ બંગાળના ગંગાકિનારાના પ્રદેશોને બાદ કરતા ગુજરાત સહિતના રાજ્યોમાં આ સપ્તાહે સામાન્ય કરતા વધુ વરસાદ પડી શકે છે,” એમ હવામાન ખાતાની યાદીમાં જણાવાયું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો