સોરઠનાં ખેડૂતોની દિલેરી તો જુઓ: ઉનાળામાં ગામને પીવાનું પાણી આપવા 5 વિઘામાં વાવેલી શેરડી સૂકાઇ જવા દીધી, તો કાજલીમાં પંચાયત ઘર બનાવવા ખેડૂતે જમીન દાનમાં આપી

સોરઠનાં લોકોની દિલેરી જાણીતી છે. સંત અને શૂરાની આ ભૂમીનો પ્રતાપ જ એવો છે કે, અહીંનો સામાન્યજન પણ બીજા માટે કાંઇક કરી છૂટવાની ભાવના ધરાવે છે. પછી એમાં પોતાનો આર્થિક ફાયદો નથી જોતો. આવાજ બે કિસ્સા સામે આવ્યા છે. એક કિસ્સામાં ભેંસાણના તડકાપીપળિયા ગામના ઉપસરપંચ ભરતભાઇ ખુમાણે ગામલોકોને પીવાનું પાણી પૂરું પાડવા પોતાની 5 વીઘા શેરડીને પિયત આપવાનું માંડી વાળ્યું. ત્યાં સુધી કે શેરડીનો ઉભો મોલ સૂકાઇ ગયો છત્તાં તેમણે પોતાની પરવા નથી કરી. બીજો કિસ્સો વેરાવળ તાલુકાના કાજલી ગામનો છે. અહીં પંચાયત ઘર બનાવવા માટે ગામના ખેડૂત રામસીંગભાઇ ઝાલાએ પોતાની ખેતીની જમીનમાંથી જરૂર હતી એટલો ભાગ દાન કરી દીધો. તો એનું અદ્યતન અને કોર્પોરેટ સ્ટાઇલ બિલ્ડીંગ બનાવવા ખુદ સરપંચે ગાંઠના 10 લાખ ખર્ચી નાંખ્યા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ગામને પાણી આપવા 5 વિઘામાં વાવેલી શેરડી સૂકાઇ જવા દીધી
ભેંસાણ તાલુકાના તડકાપીપળિયાના ઉપસરપંચ ગામની અનોખી રીતે સેવા કરે છે. તેમણે ગામલોકોને ઉનાળામાં પાણી આપવા પોતાની 5 વીઘામાં વાવેલી શેરડીને સૂકાઇ જવા દીધી. બધું પાણી ગામના સંપમાં ઠાલવ્યું.

ભેંસાણ તાલુકાના તડકાપીપળિયાના ઉપસરપંચ ભરતભાઇ ખુમાણે માનવસેવાના મામલે શ્રેષ્ઠ દાખલો બેસાડ્યો છે. ભરતભાઇ પાસે 20 વીઘા જમીન છે. તેમના બોરમાં 200 ફૂટે પાણી છે. આમ છત્તાં તેઓ છેલ્લા પાંચ વર્ષથી ઉનાળું પાક લેવાને બદલે ગામને પાણી આપે છે. એ પણ વિનામૂલ્યે. દર ઉનાળે ગામમાં પાણીની તંગી ઉભી થાયજ. આવા સમયે તેઓ ઉનાળુ પાક લેવાની લાલચ રોકી છેલ્લા 5 વર્ષથી જેટલા કલાક વીજ પુરવઠો ચાલુ હોય એટલા કલાક પાણીની મોટર ચાલુ રાખે. એ બધું પાણી તેઓ ગામને પીવાનું પાણી પૂરું પાડતા સમ્પમાં ઠાલવે છે.

ભરતભાઇના ખેતરની બાજુમાંથી પંચાયતની પાણીની પાઇપલાઇન પસાર થાય છે. આથી તેમણે પોતાના બોરમાંથી લાઇન પંચાયતની લાઇનમાં જોડી દીધી છે. આથી લોકોના ઘર સુધી આસાનીથી પીવાનું પાણી પહોંચી જાય છે. ભરતભાઇએ આ વર્ષે અગાઉથી 5 વીઘામાં શેરડીનો પાક લઇ લીધો હતો. એમ માનીને કે સમયસર વરસાદ થશે. પણ વરસાદ ખેંચાયો. આથી તેમણે શેરડીને પાણી આપવાનું માંડી વાળીને બધું પાણી ગામમાં આપવા લાગ્યા. પરિણામે તેમની શેરડી સુકાઇ ગઇ છે. એમાં તેઓ માલઢોર ચરાવી દેશે.

કાજલીમાં પંચાયત ઘર બનાવવા ધરતીપુત્રે જમીન દાનમાં આપી
સોમનાથ મહાદેવ મંદિરથી માંડ 3 કિમી દૂર આવેલા કાજલીમાં આજે જાણેકે વિકાસનો સૂર્યોદય ઉગ્યો હતો. ગામના પંચાયત ઘરનું લોકાર્પણ યોજાયું હતું. ખુબીની વાત એ હતીકે, તેમાં લોકભાગીદારીનો ઉત્તમ દાખલો પણ જોવા મળ્યો.

સરપંચે પણ બિલ્ડીંગ અદ્યતન બનાવવા ખિસ્સામાંથી 10 લાખ ઉમેર્યા.
કાજલી ગામને જોડતા મુખ્ય માર્ગના એપ્રોચ રોડ, સ્વ. નાથાભાઇ વરજાંગભાઇ પરમાર પ્રવેશદ્વાર તેમજ અદ્યતન સુવિધાથી સજ્જ ગ્રામ સચિવાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું. ગામના ખેડૂત રામસિંગભાઇ ઝાલાએ આ પંચાયત ઘર માટે પોતાની અમૂલ્ય ખેતીની જમીન ગામ માટે દાન આપી દીધી. પંચાયત ઘર બનાવવા માટે સરકારમાંથી રૂ. 15 લાખની ગ્રાન્ટ હતી. તેને અદ્યતન સુવિધાવાળું બનાવવા 10 લાખ રૂપિયા જેવી રકમ ખૂટતી હતી. આથી સરપંચ મેરગભાઇ બારડે પોતાના ખિસ્સામાંથી 10 લાખનું પંચાયત ઘર માટે દાન આપ્યું. આમ ગ્રામ પંચાયત બિલ્ડીંગ ખરા અર્થમાં લોકભાગીદારીની પ્રયોગશાળા બન્યું છે. વળી જમીનનું દાન આપનાર રામસિંગભાઇ ઝાલા ન તો ક્યાંય રાજકિય રીતે હોદ્દેદાર છે કે ન તો ક્યારેય કોઇ ચૂંટણી લડ્યા છે. આથી રાજકિય કે અન્ય કોઇ રીતનો લાભ લેવાની ગણત્રી વિના નિ:સ્વાર્થભાવે તેમણે જમીન આપી છે. આ ગ્રામ સચિવાલય એસીથી સજ્જ છે. અદ્યતન ફર્નીચર, વૃક્ષારોપણની હરિયાળીથી તેને સુશોભીત કરાયું છે. તેનું લોકાર્પણ જીલ્લા કલેક્ટર આર. જી. ગોહિલ, ડીડીઓ રવિન્દ્ર ખતાલે, સાંસદ રાજેશ ચુડાસમા, ભાજપ પ્રદેશ મંત્રી ઝવેરીભાઇ ઠકરાર તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ રામીબેન વાજાના હસ્તે કરાયું હતું.

આ તકે કાજલીના વતની જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંગભાઇ પરમારે જણાવ્યું હતું કે, હવે 66 કેવી સબ સ્ટેશનથી ગામના કબ્રસ્તાન, સમાધિ સ્થળ બનાવવાનું કાર્ય ગતિમાં છે. ગામમાં વૃક્ષારોપણ, ટ્રી ગાર્ડમાં ગામનો સંપ તેમજ ઇન્ડિયન રેયોન જન સેવા ટ્રસ્ટનો સહયોગ રહ્યો છે. આ તકે ઇન્ડિયન રેયોન જન સેવા ટ્રસ્ટના રેયોનના શ્રાદ્ધ મહેતાએ કાજલી ગામના 50 ઘરોમાં ઇન્ડિયન રેયોન વોટર હાર્વેસ્ટ અને વૃક્ષારોપણ માટે મદદ કરવાની જાહેરાત કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો