ગુજરાતી ખેડૂતની કમાલ: ટીશ્યુ કલ્ચર નર્સરીથી કર્યું શેરડીના રોપાનું ઉત્પાદન, છ મહિનામાં કરી 30 લાખની કમાણી

ધરમપુરના આંબાતલાટ ગામના પ્રગતિશીલ શિક્ષિત યુવા ખેડૂતે ટીસ્યુ કલચર શેરડી રોપાની નર્સરીમાં સફળતા મેળવી અન્ય ખેડૂતોને માર્ગદર્શન આપવાની સાથે કોકોપીટ આધારીત રોપાની ખેતી થકી રોપાના મજબૂતી સાથે ઝડપી વિકાસની દિશામાં એક ડગલું વધાર્યું છે.

ધરમપુરના એનાર્ડે ફાઉન્ડેશનના પ્રોજેકટ ઓફિસર ચેતનસિંહ ઠાકોરના માર્ગદર્શન હેઠળ GSFC બરોડા તેમજ વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત વલસાડની પ્રાયોજના વહીવટદારની કચેરી મારફતે ટીસ્યુ કલચર શેરડી ખેતીના અપાયેલા લાભના સથવારે આધુનિક ટીસ્યુ કલચર નર્સરી થકી લાખો રોપાના ઉત્પાદનની શરૂઆત આંબાતલાટના યુવા આદિવાસી ખેડૂત દીપક વાહુતે ગત વર્ષે કરી હતી.

હાલે ખેડૂતને મળેલા GSFCના 5 લાખ રોપાના ઓર્ડરને લઈ ANRDFTના પ્રોજેકટ ઓફિસર ચેતનસિંહ ઠાકોરના માર્ગદર્શન હેઠળ ઝડપથી મજબૂત શેરડીના રોપા તૈયાર કરવા 54 ખાના ધરાવતી 10હજાર પ્લાસ્ટિક-ટ્રેમાં કોકોપીટ અને વર્મી કમ્પોસ્ટ ખાતરના સથવારે રોપાના ઉત્પાદનની શરૂઆત કરી છે. દીપક વાહુતે માત્ર 6 મહિનામાં જ ટીશ્યુકલ્ચર શેરડીના રોપા થકી 30 લાખ જેટલી માતબર રકમની આવક મેળવી છે.

ધરમપુરના પ્રગતિશીલ ખેડૂતની સફળ કહાણી, જાણો ટીશ્યુ કલ્ચર નર્સરીની પદ્ધતિ- ફાયદો અને બચત

નર્સરીમાં જર્મીનેશન થકી તૈયાર રોપા ઓછા ખર્ચે વધુ ઉત્પાદન

ધરમપુરની ANRDFTના પ્રોજેક્ટ ઓફિસર ચેતનસિંહ ઠાકોરે જણાવ્યું છેકે, નારિયેળના કુચા, સેન્દ્રીય ખાતર અને માઈક્રોન્યુટનને મિક્ષ કરી બનાવવામાં આવતો જૈવિક ખાતર જેને કોકોપીટ કહેવામાં આવે છે. કોઈ પણ નર્સરીમાં કોકોપીટના ઉપયોગથી કોઈ પણ પ્રકારના પ્લાન્ટનું સો ટકા જર્મીનેશન થતું હોય છે. અને ઓછા પાણીએ ઓછા સમયમાં મજબૂત પ્લાન્ટ તૈયાર થાય છે.

નર્સરીમાંથી ખેતરમાં પ્લાન્ટનું રી-પ્લાન્ટેશન કરવામાં આવે છે

તેમજ જ્યારે નર્સરીમાંથી ખેડૂતના ખેતરમાં પ્લાન્ટનું રી-પ્લાન્ટેશન કરવામાં આવે છે ત્યારે પ્લાન્ટના મૂળ તૂટતા નથી.જેથી સો ટકા વાવેતર કરી શકાય છે અને એક સરખા પ્લાન્ટેશનના કારણે ચોક્કસ સમયમર્યાદામાં ઉત્પાદન આવે છે. અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે છે. તેમજ શેરડી સિવાયના અન્ય પાકોમાં 45થી 60 દિવસ ઓછા દિવસમાં ઉત્પાદન લઈ શકાય છે. જેથી ખેડુતોનો ખેતી ખર્ચ તેમજ સમયનો બચાવ થાય છે.

પદ્ધતિ : સૌ પ્રથમ ટ્રેમાં કોકોપીટ અને વર્મી કમ્પોસ્ટ ખાતર ભરવામાં આવે છે. ત્યાર બાદ ખેતરમાંથી શેરડી કાપી લાવી તેમાંથી આધુનિક ટેકનોલોજીના મશીન દ્વારા શેરડીમાંથી ગાંઠ કાઢી તેને પાણીમાં બોળી નાખવામાં આવ્યા બાદ ટ્રેમાં મુકવામાં આવે છે. ત્યારબાદ રોજ સવાર, બપોર, સાંજ પાણીનો છંટકાવ કરવામાં આવે છે. અને 45 દિવસના ટૂંકા ગાળાના રોપા તૈયાર થઈ ખેડૂતના ખેતર સુધી પહોંચી જાય છે.

ફાયદો : એક રોપા દીઠ કુલ ખર્ચ 85 પૈસા થતો હોય છે. અને રોપો નર્સરી પરથી રૂપિયા 1.85ના હિસાબે જથ્થાબંધ વેચાતો હૉય છે. તેમજ છૂટક રોપો રૂપિયા 5 ના હિસાબે વેચાણ થતો હોય છે.

બચત : આ ટેકનોલોજી અપનાવાથી સૌ પ્રથમ સો ટકા પ્લાન્ટનું જર્મીનેશન થાય છે. તેમજ સારી ગુણવત્તાવાળા અને મજબૂત રોપા મળે છે. તેમજ કોઈ પણ પ્રકારનો રોગ કે વાયરસ આવતો નથી. ઉપરાંત ઓછા રોપામાં વધારેમાં વધારે વાવેતર થાય છે. અને પાણીની બચત થાય છે. જેને લઈ દવાનો ખર્ચ બચી શકે છે.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!