ગુજરાતના ખેડૂતે કાશ્મીર-હિમાચલ જેવા ઠંડા પ્રદેશમાં થતી સફરજનની ખેતીનો પ્રયોગ કર્યો, સફળ પણ થયા.

સફરજન આમ તો હિમાચલ પ્રદેશ જેવા શિત પ્રદેશનો પાક છે.એનો ઉછેર ગુજરાતના ગરમ વાતાવરણમાં કરવાનો વિચાર પહેલી દ્રષ્ટિએ રમુજી લાગે.પરંતુ, કરજણ તાલુકાના વેમાર ગામના વતની અને હાલ કરજણમાં વસવાટ કરતા ખેડૂત સહ વ્યાપારી ગીરીશભાઈ પટેલના ખેતરમાં આજે સફરજન ના એક બે નહીં, પૂરા 220 જેટલા છોડ ઉછરીને 5 થી 7 ફૂટની ઊંચાઈ એ પહોંચી ગયા છે. તેમણે 2019 ના જાન્યુઆરી મહિનામાં આ હિમાલયના વૃક્ષોનું ગુજરાતમાં વાવેતર કર્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

જો કે રેફ્રીજરેટર જેવા ઠંડા વાતાવરણ વાળા પ્રદેશનો પાક વડોદરા અને ગુજરાતના ઓવન જેવા ગરમ પ્રદેશમાં કેવી રીતે થાય એની મૂંઝવણ નિવારતા એમણે જણાવ્યું કે હિમાચલ પ્રદેશની બાગાયત સંશોધન સંસ્થાએ સુધારેલી વરાયટી તૈયાર કરી છે જેનું ગરમ વાતાવરણ ધરાવતા દક્ષિણના બે અને રાજસ્થાન સહિત 18 રાજ્યોમાં પ્રાયોગિક વાવેતર કરવામાં આવ્યું છે.ગુજરાતમાં કચ્છના બાગાયત સાહસિકે પ્રથમ પ્રયત્નોની નિષ્ફળતાથી હતાશ થયાં વગર આ સફરજન ઉગાડયાં છે અને તેમનાથી પ્રેરાઈ ને ગીરીશભાઈ એ વડોદરા જિલ્લામાં આ પ્રયોગ કર્યો છે. ગીરીશભાઈએ તેના રોપા મેળવવા હિમાચલ પ્રદેશની સંસ્થાનો સંપર્ક કર્યો તો એ સંસ્થાએ રાજસ્થાનના જયપુરની સંસ્થા પાસેથી સફરજનના છોડ ખરીદવાની ભલામણ કરી. આમ,એમને જાણે કે અર્ધા રસ્તે ઓછા પરિવહન ખર્ચે પ્રમાણિત છોડ મળી ગયા.

વાવેતરના બીજા વર્ષે એટલે કે 2020 માં તો આ છોડવાઓમાં ફૂલ અને પછી ફળ બેઠાં ત્યારે તેમને આનંદ સાથે આશ્ચર્ય થયું અને પ્રયોગ સફળ થવાનો વિશ્વાસ બંધાયો. જો કે સલાહકાર સંસ્થા એ છોડવા ત્રણ વર્ષ પછી જ પરિપક્વ થતાં હોવાથી ગીરીશભાઈને તાત્કાલિક એ ફૂલો અને ફળો તોડી લેવાની સલાહ આપી. હવે 2022 માં આ છોડવા પરિપક્વ થઈ જતાં ફળોનો પાક લઈ શકાશે.એટલે સિમલાના સફરજન ખાનારા વડોદરાવાસીઓ હવે વેમારના સફરજન ખાવા તૈયાર રહે.

હરમન 99 પ્રકારની આ વેરાયટીના સફરજન રંગે પીળા-ગુલાબી અને ખટ મધુરા હોય છે. તેમણે પરિવહન ખર્ચ સહિત લગભગ એક છોડના રૂ.300 ના ભાવે 300 છોડ વાવેતર માટે ખરીદ્યા હતા.કાઢી નાખવામાં આવેલી નીલગીરીની જગ્યાએ તેનું વાવેતર કર્યું. 80 જેટલાં છોડ બગડી જતા સંસ્થાનો સંપર્ક કર્યો તો જણાવ્યું કે છોડના થડની આસપાસ પાણીનો ભરાવો થાય તો છોડ મરી જાય છે.આ પાક મોટેભાગે ઢોળાવવાળી જમીનને અનુકૂળ હોવાથી તેમણે પાળા જેવી રચના કરી,થડની આસપાસ પાણીનો ભરાવો ટાળ્યો.પરિણામે આજે 220 જેટલા છોડ ઉછરી રહ્યાં છે.

રાજ્યના બાગાયત વિભાગની વડોદરા કચેરીએ પણ તેમના આ પ્રયોગની નોંધ લીધી છે. મૂળ ખેડૂત એવા ગીરીશભાઈ પટેલનો પરિવાર કરજણમાં સ્ટેશનરીનો જામેલો વ્યાપાર ધરાવે છે.તો પણ તેઓ જમીન સાથે જોડાયેલા છે.અન્ય ખેડૂતો બાપિકી જમીનો વેચી રોકડી કરી રહ્યાં છે તેવા સમયે તેમણે વહેંચણીમાં ભાગે આવેલી ૧૮ વિંઘા જમીન વધારી ને ૨૨ વીંઘા કરી છે.

તેઓ એ ૩૦૦ આંબાનું કેસર કેરીનું આંબાવાડિયું કર્યું છે.છેક ૨૦૦૩ થી નીલગીરીની સફળ ખેતી કરી છે.ગુલાબી જામફળ ઉછેર્યા છે જેનો પહેલો પાક આ વર્ષે મળશે. તેઓ કહે છે કે હું કપાસ,દિવેલા, તુવેર જેવી પરંપરાગત ખેતી કરતો જ નથી.મારા ખેતરોમાં ઝાડવા જ છે.એટલે કે તેઓ વૃક્ષ ખેતી જ કરે છે.તેમનું કહેવું છે કે વાડીની ખેતી પરંપરાગત ખેતી જેટલી જ લાભદાયક છે અને જહેમત ઓછી છે. ગીરીશભાઈની કૃષિ સાહસિકતા ને લીધે વડોદરાને વેમારના સફરજન ખાવા મળશે.કદાચ એ સિમલાના સફરજન જેવા મોટા અને ડીલીસિયસ ભલે ના હોય પણ આપણા વિસ્તારમાં અને આપણી જમીનમાં ઉગેલા ફળ ખાવાનો આનંદ અનેરો જ હોય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો