ભારતમાં હાઈકોર્ટેના આદેશથી TikTok એપને બ્લોક કરવામાં આવી, ગૂગલે પ્લેસ્ટોરમાંથી કરી ડીલીટ

ગૂગલે મદ્રાસ હાઇકોર્ટના આદેશનું પાલન કરતાં ભારતમાં પોપ્યુલર વીડિયો શેરિંગ એપ ટિકટોક(TikTok) ને બ્લોક કરી દીધી છે. અર્થાત્ હવે આ એપને ગૂગલ પ્લે સ્ટોરથી ડાઉનલોડ નહીં કરી શકાય. ભારતમાં ટિકટોક યૂઝર્સની સંખ્યા ખૂબ વિશાળ છે. જેમાં એન્ડ્રોઇડ યૂઝર્સની સંખ્યા ખૂબ ઊંચી છે. એપલે પણ ભારતમાં પોતાના એપ સ્ટોર પરથી ટિકટોક એપને હટાવી દીધી છે. ટિકટોક એપની માલિકી ચાઇનીઝ કંપની બાયટડાન્સની છે. ટિકટોક એપ દ્વારા યૂઝર્સ શોર્ટ વીડિયો ક્રિએટ કરી શેર કરી શકે છે.

અશ્લીલ વીડિયોને ઉત્તેજન

– હાલમાં જ કોર્ટે કેન્દ્ર સરકારને TikTok એપ પર બેન મૂકવા માટે કહ્યું હતું. પ્રતિબંધ મૂકવા અંગે જણાવવામાં આવ્યું હતું કે, આ એપ અશ્લીલતાભર્યા વીડિયોને ઉત્તેજન આપે છે.

– ચીનની કંપની Bytedance ટેક્નોલોજીએ કોર્ટ પાસે ટિકટોક સામેનો પ્રતિબંધ હટાવવાની અપીલ કરી હતી. જો કે, કોર્ટે તેમની અપીલ ફગાવી દીધી હતી.

– ત્યારબાદ ગૂગલે પ્લે સ્ટોર પરથી એપને હટાવવાનો નિર્ણય લીધો. જો કે, ગૂગલે માત્ર ભારત પૂરતા માર્કેટમાંથી એપને હટાવી છે. આ અંગે ગૂગલનું કોઇ સત્તાવાર નિવેદન નથી આવ્યું.

વર્તમાન યૂઝર્સના ફોનમાં ચાલશે ટિકટોક

– હાલમાં જે યૂઝર્સે ટિકટોક એપ ડાઉનલોડ કરેલી છે તેઓ એપનો યૂઝ કરી શકશે અને પોતાના વીડિયો બનાવી શકાશે, પરંતુ નવા કોઇ યૂઝર્સ ગૂગલ પ્લે સ્ટોર અને એપલના એપ સ્ટોર પરથી એપ ડાઉનલોડ નહીં કરી શકે.

જાહેર હિતની અરજી પછી લેવાયો નિર્ણય

– મદ્રાસ હાઇકોર્ટે ત્રીજી એપ્રિલે કેન્દ્ર સરકારને ટિકટોક પર પ્રતિબંધ મૂકવા કહ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે, ટિકટોક એપ પોર્નોગ્રાફીને ઉત્તેજન આપે છે તથા બાળકોમાં જાતીય હિંસા જન્માવે છે.

– કોર્ટ દ્વારા ટિકટોકને બેન કરવાનો નિર્ણય એક વ્યક્તિએ દાખલ કરેલી જાહેર હિતની અરજી પછી લેવામાં આવ્યો છે.

– આઇટી મંત્રાલયના એક અધિકારી અનુસાર, કેન્દ્રએ હાઇકોર્ટના આદેશ પછી એપલ અને ગૂગલને એપ બેન કરવા બાબતે પત્ર લખ્યો હતો.

– સરકારના પત્રમાં ગૂગલ અને એપલને મદ્રાસ હાઇકોર્ટના નિર્ણયનું પાલન કરવા અંગે કહેવામાં આવ્યું હતું.

– મદ્રાસ હાઇકોર્ટના નિર્ણય પહેલા સોમવારે આ મામલામાં સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવામાં આવી, જેમાં કોર્ટે કહ્યું કે, હાલમાં આ મામલાની સુનાવણી મદ્રાસ હાઇકોર્ટમાં ચાલી રહી છે. આથી 22 એપ્રિલે સુપ્રીમ કોર્ટ તેની સુનાવણી કરશે.

– જો કે, આ દરમિયાન સુપ્રીમ કોર્ટે એપ અંગે મદ્રાસ હાઇકોર્ટના નિર્ણય પર સ્ટે લગાવવાની અપીલ ફગાવી દીધી હતી.

– ટિકટોક પોતાના પરનો બેન હટે તે માટે ઇન્ટનેટ પોલિસીની વિરુદ્ધ જણાતા વીડિયોને હટાવવાની રજૂઆત કરી શકે છે, પરંતુ સુપ્રીમ કોર્ટને આ રજૂઆત પૂરતી નહીં જણાય તો એપ પરનો પ્રતિબંધ નહીં હટે.

મદ્રાસ હાઇકોર્ટના નિર્ણય પછી ટિકટોકનું નિવેદન

‘અમને આશા છે કે, કોર્ટ એવો નિર્ણય લેશે જેથી ભારતમાં ટિકટોકના 12 કરોડથી વધુ મંથલી એક્ટિવ યૂઝર્સ ભવિષ્યમાં પણ એપનો યૂઝ કરીને તેમની ક્રિએટિવિટી દર્શાવતાં રહેશે.’

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો