ઘોર કળિયુગ! અમદાવાદમાં તસ્કરો ફાયર સ્ટેશનમાંથી 30 લાખની શબવાહિની ચોરી ગયા

અમદાવાદ શહેરમાં તસ્કરો (Thief) અને લૂંટારુ પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. સોનાના વેપારીઓ લૂંટાયા બાદ નાની મોટી ઘરફોડ કે વાહનોની ચોરી થતી હતી. હવે તો તસ્કરો એટલા બેફામ બન્યા છે કે ફાયર સ્ટેશન (Prahladnagar fire station)માંથી 30 લાખની શબવાહી ચોરીને ફરાર થઈ ગયા. આ કેસમાં 24 કલાક કાર્યરત ફાયર સ્ટેશનના સ્ટાફને જાણ કેમ ન થઈ તે એક સવાલ છે. ફરિયાદીએ પોલીસને જણાવ્યું છે કે, શબવાહીની ઇમરજન્સી વાહન (Emergency vehicle) હોવાથી ચાવી સ્ટિયરિંગમાં જ લગાવેલી હતી. સૂત્રો એવું કહે છે કે અહીં સ્ટાફ ક્વાર્ટર્સ આવેલા છે, તેના ગેટ પર સીસીટીવી (CCTV)છે પરંતુ ઇમરજન્સી વાહનોના પાર્કિંગમાં સીસીટીવી કેમેરા નથી. તાજેતરમાં મળતી માહિતી પ્રમાણે આ શબવાહિની માનસી સર્કલ પાસે આવેલા પેટ્રોલ પંપ પરથી બિનવારસી હાલતમાં મળી આવી છે. આ શબવાહિની કોણ ચોરી ગયું હતું અને કોણ મૂકી ગયું તેની તપાસ ચાલુ છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા 16 વર્ષથી ફરજ બજાવતા વિજયસિંહ પુવાર પ્રહલાદનગર રોડ પર આવેલા ફાયર બ્રિગેડના સ્ટાફ ક્વાર્ટર્સમાં રહે છે. તેઓ આ જ ફાયર સ્ટેશનમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. તેઓ ફાયર બ્રિગેડમાં શબવાહીની ચલાવે છે. તાજેતરમાં જ આ ફાયર સ્ટેશનમાં એક નવી શબવાહીની આવી હતી, જે વિજયસિંહ ચલાવતા હતા. આ વાહનનો નંબર GJ 01GA 2169 છે. રવિવારના રોજ તેઓ આ શબવાહીની લઈને બોડકદેવ ખાતેની વર્ધીમાં ગયા હતા. ત્યાંથી પરત આવીને સાંજના સાતેક વાગ્યે ફાયર બ્રિગેડના પાર્કિંગમાં શબવાહિની પાર્ક કરી હતી. આ વાહન ઇમર્જન્સી વાહન હોવાથી ગાડીની ચાવી સ્ટિયરિંગમાં જ રાખી હતી. આજે એટલે કે સોમવારે સવારે સાત વાગ્યે પાર્ક કરેલી જગ્યાએ શબવાહિની જણાઈ ન હતી.

આ મામલે તેઓએ ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. પ્રહલાદનગર ફાયર બ્રિગેડના સ્ટેશન ઓફિસર એમ. બી. ગઢવીને પણ જાણ કરી હતી. તેઓએ આ બાબતે ઊચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. બાદમાં આસપાસમાં તપાસ કરી હતી. જોકે, આસપાસમાં શબવાહીની ન મળી આવતા નજીકમાં આવેલા ફ્લેટ તથા કોમ્પ્લેક્સના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ અજાણ્યા શખ્શો 30 લાખની કિંમતની આ શબવાહિની ચોરી કરી પ્રહલાદનગર થઈ એસજી હાઇવે તરફ જતા હોવાના સીસીટીવી ફૂટેજ હાથ લાગ્યા હતા.

આ મામલે તેઓએ પોલીસને પણ જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજ એકત્રિત કરી તપાસ શરૂ કરી હતી. અહીં જે ફાયર સ્ટેશન બનાવવામાં આવ્યું છે તેની પાછળ જ કર્મચારીઓનાં સ્ટાફ ક્વાર્ટર્સ આવેલા છે. આ સ્ટાફ ક્વાર્ટર્સમાં જે મુખ્ય ગેટ છે ત્યાં આગળ સીસીટીવી લગાવવામાં આવ્યા છે, પરંતુ જે જગ્યાએ ફાયરબ્રિગેડના વાહનો પાર્ક કરવામાં આવે છે તે જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવાયા નથી. આ માટે હવે એસજી હાઈવે પરના તમામ રૂટના સીસીટીવી ફૂટેજ જોવા માટે પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો