અમદાવાદમાં રૂ. 1 લાખમાં મળે છે દારૂના ધંધાની પરમિશન? બૂટલેગરે વિડિયો વાઇરલ કરી વહીવટદાર પર કર્યા આક્ષેપો

રાજ્યમાં કડક દારૂબંધીની ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા વાતો કરે છે, જેની વચ્ચે શહેરકોટડા પોલીસ સ્ટેશન દારૂના વેચાણને લઈ ફરી વિવાદમાં આવ્યું છે. શહેરકોટડામાં ખુલ્લેઆમ વહીવટદારોની રહેમનજર હેઠળ દેશી દારૂ વેચાતો હોવાનો અને વહીવટદારે રૂપિયા લીધા બાદ દારૂનું વેચાણ બંધ કરાવ્યા હોવાના આક્ષેપ સાથેનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ વિડિયોમાં દેશી દારૂ સપ્લાઇ કરતા બૂટલેગરે અનેક ઘટસ્ફોટ કર્યા છે, જેથી શહેરકોટડા પોલીસ પર અનેક સવાલો ઊભા થયા છે. શહેરકોટડા પોલીસ સ્ટેશનના પીઆઇ વી. આર. વસાવાએ વાતચીતમાં જણાવ્યું હતું કે બૂટલેગર રોહન સામે હમણાં જ બે કેસ કરવામાં આવેલા છે તેની પાસે પાસાની તૈયારી હોવાથી આક્ષેપ કર્યા છે. કેતનભાઈ અને રફીકભાઈના આ વિસ્તારમાં નેટવર્ક સારા છે અને ડિટેક્શનમાં મદદ મળે છે, જેથી તેની સામે આક્ષેપ કર્યા છે. આ વિડિયો મામલે તપાસ કરી અને ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ ગુનો પણ નોંધવામાં આવશે.

14 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર સુધી રોજના 15000 આપ્યા હતા

શહેરકોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વહીવટદાર પૈસા લઈ અને દારૂનો ધંધો કરવા દેતા હોવાનો અને બાદમાં પૈસા લઈ ધંધો બંધ કરાવતા હોવાનો બૂટલેગરનો એક સનસનીખેજ વિડિયો વાઇરલ થયો છે. વિડિયોમાં રોહન ગારંગે નામનો બૂટલેગર ઘટસ્ફોટ કરતાં કહે છે કે હું શહેરકોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી દારૂનો ધંધો કરું છું. કેતનભાઈ નામના વહીવટદાર પાસેથી મેં દારૂ વેચવાની પરમિશન લીધી છે. કેતનભાઈ અને રફીકભાઈ વહીવટદાર છે. કેતનભાઈની નોકરી એસઓજી ક્રાઈમ બ્રાન્ચ અને રફીકભાઈની નોકરી દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં છે. સિનિયર પીઆઇ વી. આર. વસાવાના વહીવટદાર છે. રોજના રૂ. 15000 નક્કી કર્યા હતા. 14 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર સુધી રોજના 15000 આપ્યા હતા.

પૈસા આપ્યા બાદ વહીવટદારે ધંધો બંધ કરાવી દીધો

બાદમાં શહેરકોટડા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અશોકભાઈનો ફોન આવ્યો હતો કે 10 દિવસના પૈસા એડવાન્સ જમા કરાવવા પડશે, જેથી મારું ઘર ગિરવે મૂકી 1 લાખ રૂપિયા આપ્યા હતા. પૈસા આપ્યા બાદ વહીવટદારે ધંધો બંધ કરાવી દીધો હતો અને શહેરકોટડા વિસ્તારમાં બે દિવસમાં મેં નેવુબેન, પપ્પુભાઈ, સુરેશ વજેસિંહ, પંચમ અને પખાભાઈ, જેઓ દારૂનો ધંધો કરે છે તેઓ રોહનને કોઈ પૈસા ન આપતા, એવું વહીવટદારે કહી દીધું હતું. તેના કરતાં વધુ એક મોટો બૂટલેગર શહેરકોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ સપ્લાઇ કરતો વહીવટદારને મળી ગયો હોવાને કારણે તેમણે મારું બંધ કરાવી દીધું હતું. બૂટલેગર રોહને વહીવટદારોએ લીધેલા દોઢ લાખ રૂપિયા પરત માગ્યા છે.

સર્વેલન્સ સ્કવોડની ટીમના અધિકારી-કર્મચારીઓ સામે પણ આક્ષેપ

ઉલ્લેખનીય છે કે બે મહિના પહેલાં પણ શહેરકોટડા પોલીસ સ્ટેશન દારૂ અને વહીવટદારને લઈ વિવાદમાં આવ્યું હતું અને એને કારણે તત્કાલીન પીઆઇ વી. ડી. વાળાની બદલી પણ કરી દેવામાં આવી હતી. સર્વેલન્સ સ્કવોડની ટીમના અધિકારી- કર્મચારીઓ સામે પણ આક્ષેપ થતા રહ્યા છે. ઝોન 3 ડીસીપી સ્કવોડને દારૂના અડ્ડાઓ બંધ કરાવવા પડ્યા છે ત્યારે ફરી એકવાર શહેરકોટડા પોલીસ વિવાદમાં આવતાં અનેક સવાલો ઊભા થયા છે. શહેરમાં ફરી એકવાર વહીવટદારોની બોલબાલા શરૂ થઈ ગઇ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો