નવસારીમાં અપનાવી રહ્યાં છે કિચન અને ટેરેસ ગાર્ડન, કરી રહ્યાં છે બચત

ટેરેસ ગાર્ડન અથવા તો કિચન ગાર્ડન સામાન્ય રીતે આપણને વૈભવી જીવનશૈલી ધરાવતા ઘરોમાં જોવા મળે છે, જ્યાં આ પ્રકારના ગાર્ડન ઘરની શોભા વધારવા માટે બનાવવામાં આવે છે, પરંતુ ગુજરાતના નવસારીમાં આ કોન્સેપ્ટનો ઉપયોગ જીવનનો એક ભાગ સમાન બની ગયો છે. જ્યાં અનેક ઘરોમાં ટેરેસ ગાર્ડન બનાવીને શાકભાજી ઉગાડવામાં આવે છે અને તેનો દરોજજની રસોઇમાં ઉપયોગ કરવામાં આવે છે.

નવસારીના જલારામપાર્ક સોસાયટીમાં રહેતા કિરીટ પટેલે પોતાના ઘરમાં ટેરેસ અને બાલ્કનીમાં ટેરેસ ગાર્ડનનો કોન્સેપ્ટ અપનાવ્યો છે. જેના કારણે સારી એવી બચત તેઓ કરી રહ્યાં છે. સોસાયટી અને શહેરોમાં ખેતી કે બગીચાની જગ્યાનો અભાવ હોય છે. તેવામાં ઘરની છત પર નાના કૂંડા અથવા તો પ્લાસ્ટિકની બેગ પાથરીને માટી અને કોકોપીટ પોણો ફૂટ જેટલો પાથરીને તેમાં શાકભાજી, ફૂલછોડ તેમજ વેલાવાળા શાકભાજીનો પણ માંડવો બનાવી શકાય છે. જેના કારણે બજારમાં મળતા મોંઘા શાકભાજી ખરીદવાની માથાકૂટમાંથી છૂટકારો તો મળે છે સાથોસાથ સ્વાસ્થ્ય પણ તંદુરસ્ત રહે છે.

નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા આ પ્રોજેક્ટ હાથ ધરાયો

ખેતીલાયક જમીન ઘટવાના કારણે ખેતીના પાકો ઘટી રહ્યાં છે. જેથી શાકભાજી સહિતની વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. તેવામાં ખેત ઉત્પાદન માટે આધુનિક ખેત ઓજારો, સુધારેલા બિયારણ, આધુનિક પિયત પદ્ધતિ, વૈજ્ઞાનિક રીતે પ્રમાણિત ખેત પદ્ધતિ અપનાવવાનો સમય આવી ગયો છે. મધ્યમવર્ગીય સમાજ માટે શાકભાજી ખરીદવામાં સમાધાન કરવું પડી રહ્યું છે. તેવામાં ઘરમાં અથવા તો સોસાયટીના કોમન પ્લોટમાં ઓર્ગેનિક શાકભાજીઓ વાવીને તાજી શાકભાજી ખાઈ શકાય એ માટે નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા એક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં ઘરે-ઘરે જઇને કૃષિ તજજ્ઞો ટેરેસ ગાર્ડન અંગે માર્ગદર્શન આપી રહ્યાં છે.

નવસારીમાં 10થી વધુ ઘરોમાં છે ટેરેસ ગાર્ડન

નવસારી શહેરની વાત કરવામાં આવે તો કૃષિ યુનિવર્સિટી દ્વારા હાથ ધરાયેલા આ પ્રોજેક્ટના કારણે નવસારી શહેરમાં ઘણા લોકો ટેરેસ ગાર્ડન તરફ વળ્યા છે. જેના ભાગરૂપે શહેરમાં 10થી વધારે ઘરોમાં તમને ટેરેસ ગાર્ડન અથવા તો કિચન ગાર્ડન જોવા મળી શકે છે. જેથી બચતની સાથોસાથ કેમિકલયુક્ત શાકભાજીના બદલે તાજી શાકભાજી ખાવા મળી રહી છે.

અંદાજે 10થી 20 હજાર સુધીનો ખર્ચ

ટેરેસ ગાર્ડનને તમે 100થી 200 સ્ક્વેર ફૂટમાં બનાવી શકો છો. જેનો અંદાજીત ખર્ચ 10 હજારની આસપાસ આવે છે. તેમજ જો આધુનિક ટપક સિંચાઇની સાથે નેટ હાઉસ ઉભુ કરવામાં આવે તો આ અંદાજીત ખર્ચ 20 હજાર રૂપિયાની આસપાસ થાય છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો