એક કિલોનું એક ફળ, અભણ ખેડૂતે કર્યું થાઇલેન્ડના જામફળનું વાવેતર

ટંકારા તાલુકાના જબલપુર ગામના ખેડુતે ખેતીમા બદલાવ લાવવા માટે આજથી પાંચ વર્ષ પૂર્વે પોતાના ખેતરમા થાઈલેન્ડના જામફળની ખેતીનો પ્રયોગ કરી જામફળના રોપા લાવી વાવેતર કર્યું હતું. હાલમા,તેઓ તેમા સંપૂર્ણ સફળ થયા છે. એક કિલોનું એક જામફળના ફળ ઉગી નિકળ્યા છે. હાલ ખેડૂત મગનલાલના કોબીજ જેવડા મોટા અને સ્વાદમા ખટમીઠા જામફળ બજારમા મળવા લાગ્યા છે.

ટંકારા તાલુકા મથકની નજીક આવેલા ખોબા જેવડા ગામડે વસતા અને ખેતી કરતા ગામડાના ખેડૂત મગનલાલ ટપુભાઈ કામરીયાને ગામડે થતી ખેતીમા વર્ષોથી સીઝનલ કપાસ, મગફળી, ડુંગળી, ઘઉં, ચણા જેવા વાવેતરમાં બદલાવ લાવવા વિચાર આવ્યો. પાંચેક વર્ષ પૂર્વે છતીસગઢના રાયપુરથી થાઈલેન્ડના જામફળના 5 હજાર રોપા લાવીને પોતાના ખેતરમા વાવી દીધા હતા. પાંચ વર્ષ સુધી સતત દેખભાળ, માવજત કરી. આ વર્ષે કુદરતે ખેડૂત મગનલાલને પુરૂષાર્થનું મોટુ ફળ આપ્યું હતું.

આ વર્ષથી 750 ગ્રામથી લઈને દોઢ કિલો સુધીનું જામફળ બજારમા જોવા મળતું થયું છે. જે સ્વાદમાં પણ ખૂબ જ લિજ્જતદાર હોવાનો દાવો કરાયો છે. થાઈલેન્ડના જામફળની ખેતી કરનાર મગનભાઈના પત્ની ગૌરીબેન ખેતરમા કામ કરે છે અને ગુજરાતના રાજકોટ, જામનગર, અમદાવાદ, વડોદરા, સુરત સહિતના શહેરોમાં થાઇલેન્ડના આ જામફળને મોકલાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત રાજ્ય બહાર પણ થાઈલેન્ડના જામફળનું માર્કેટ હોવાથી ત્યાં પણ આ જામફળ મોકલાવવામાં આવી રહ્યા છે. આ રોપાની માવજત પૂરી કરવી પડે છે અને જામફળના છોડમાં ઉધઇ ન આવે અને તેનો પૂરો વિકાસ થાય તે માટે પણ પૂરતી કાળજી લેવી પડે છે. તો પણ અન્ય પાકની ખેતીમાં જેટલી મહેનત કરવી પડે છે તેના કરતા ઓછી મહેનતે સારું એવું વાળતર આ જામફળની ખેતીમાં મળી રહે છે.

ઉલ્લેખનીય છે કે, 26 વીઘા ખેતીમાં કરવામાં આવેલ જામફળની ખેતીમાં આવર્ષે 35 ટન જેટલો પાકનો ઉતારો આવ્યો છે અને તેની બજારમાં સારી એવી કિંમત પણ મળી રહી છે. છેલ્લા ઘણા વર્ષોથી માત્રને માત્ર કપાસ કે મગફળીની ખેતી કરનાર ખેડૂત દ્વારા નવી દિશામાં ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે તો સો ટકા ઓછી મહેનતે સારી કમાણી ખેતીમાંથી કરી શકે છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો