સ્વામિનારાયણ ભગવાનની આજે 238મી જન્મજયંતી : 32 વખત કચ્છ પધાર્યા હતા

26 જાન્યુઆરી 2001ના કચ્છમાં આવેલા ભયકર ભૂકંપમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું ઇ.સં.1824મા નિર્માણ પામેલું મૂળ મંદિર ધ્રવસ્થ થતાં ભુજના સિટી પોલીસ સ્ટેશન સામે પાંચ એકર જેટલી વિશાળ જગ્યામાં રૂા.100 કરોડના ખર્ચે ભવ્ય નૂતન મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. 18 મે 2005ના ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. આજે આ મંદિર કચ્છના જોવા લાયક સ્થળોમાનું એક ધાર્મિક સ્થળ છે. આ મંદિરના દરવાજા અને શિખર સોનાથી મઢેલા છે તો બાકીનું સંપૂર્ણ મંદિર આરસ પહાણનું બનેલું છે.

સંતોને પ્રસાદીનું પાણી આપ્યું

કાળા તળાવ : અબડાસા તાલુકાના તેરાથી પાંચ કિ.મી. દૂર આ ગામમાં શ્રીજી મહારાજ ઘણીવાર પધારીને વિચરણ કરેલ છે. આ ગામમાં એક મોટું તળાવ છે તેના કિનારે 500 પરમહંસો રહેતા. તળાવની વચ્ચે કૂવો છે જ્યાં શ્રીજી મહારાજ પોતાના ચરણ કૂવામાં લાંબા કરી રાખતાં ત્યારે કૂવાનું પાણી ઉપર આવતું અને સંતો તુમ્બડા પાણીથી ભરી લેતા.

પ્રાગજી દવેને કથાકાર તરીકે સ્થાપ્યા

અબડાસા તાલુકાના તેરા ગામે શ્રીજી મહારાજ ઘણીવાર પધાર્યા છે, પ્રાગજી દવેને ભગવતના કથાકાર તરીકે સ્થાપ્યા હતા. સંત દાસજી સ્વામી એક સુથારને કોડમાં છ માસ સુધી સમાધિમાં રહ્યા હતા. તેરામાં સુતારની કોડ તે પ્રસાદીની હજુ વિદ્યમાન છે. તેરાના ત્રણ તળાવ પ્રસાદીના છે. તળાવના કિનારે હનુમાનજીના મંદિરમાં ચરણારવિંદ પધરાવેલ છે.

સમુદ્રમા સંતો સાથે શ્રીજીએ સ્નાન કર્યું છે

દરિયા કિનારે માંડવી બંદરે શ્રીજી મહારાજ અનેકવાર પધારેલા છે. અનેકવિધ લીલાઓ કરી છે. લાખાસર ચોકમા ખૈયા ખત્રીનું મકાન અને સોનાવાળા નાકા બહાર ખારોવાડો પ્રસાદીનો છે. સમુદ્ર કિનારે ખૈયા ખત્રીને તૃષા લાગી ત્યારે મહારાજે વીરડી ખોદીે પાણી પાયું જે હજુ પણ હૈયાત છે.

મહાદેવના મંદિરે નિત્ય પુજા કરી છે

ગામ રામપુર માંડવી તાલુકાના રામપુર ગામે શ્રીજી મહારાજ ૧૫ દિવસ સુધી રહીને પુરુષોત્તમ ગીતા મુકુદંડવર્ણી પ્રત્યે કહેલી છે. ત્યાં ગંગાજી આવેલા છે અને શંકરના મંદિર મહારાજે પૂજન કરેલું છે.

ઠાકોર મંદિર પ્રસાદીનું છે

નારાયણપર બન્ને વાસ, નીચલો અને ઉપલાવાસમાં શ્રીજી મહારાજ બિરાજેલા છે. ત્યાંનું ઠાકોર મંદિર પ્રસાદીનું છે.

કોટેશ્વરના શિવલિંગની મહારાજે પુજા કરી છે

નારાયણ સરોવર/કોટેશ્વર : કચ્છના છેક પશ્ચિમે પુરાણ પ્રસિદ્ધ પ્રાચીન તીર્થ નારાયણ સરોવરમાં શ્રીજી મહારાજ પધાર્યા હતા અને વિદ્ધાનોની સાથે સભા કરી સંવાદો કર્યા હતા. અહીંના સરોવરમાં તથા કોટેશ્વર પાસે સમુદ્રમાં સ્નાન કરીને તીર્થભૂમિને પાવન કરી છે. કોટેશ્વરના મંદીરમાં પણ શ્રીજીમહારાજે જ્યોર્તિલિંગ તરીકે પ્રખ્યાત લિંગનું પૂજન કર્યું હતું.

માનકૂવા : ભુજથી પશ્ચિમે 11 કિલોમીટર દૂર માનકૂવા ગામે શ્રીજી મહારાજ 15થી 20 વાર પધાર્યા હતા. એકી વખતે એક મહિના સુધીના લાંબી મુદ્દત પર્યંત પણ રહ્યા હતા. આ ગામમાં ગાંગજી પટેલના ઘરનો ઓટલો અને શિયાણી દેવશી ખોડાની જગ્યાએ શ્રીજી મહારાજ થાળ જમ્યા છે. સધુરાઇ તળાવમાં શ્રીજી મહારાજે સ્નાન કર્યું છે. માનકૂવાથી ઉગમણે શંકરનું મંદિર છે.

નરનારાયણ દેવની મૂર્તિ ખુદ ઘનશ્યામ મહારાજે પધરાવી છે

ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર સં. 1837ના ચૈત્રસુદ નવમીના અયોધ્યાની પાસે છપૈયા ગામમાં ધર્મદેવને ઘેર ભક્તિમાતા થકી જન્મ ધારણા કરીને આ વિશ્વની ધરાને પાવન કરી દીધી છે. પોતાના ઘેર સ્વામિનારાયણ ભગવાન કેવળ દશ વર્ષ માતા પિતા સંગાથે રહીને અગીયારમે વર્ષે ભારતની તીર્થયાત્રા કરવા કેવળ એક ઉતરીય વસ્ત્રી પહેરીને મહાપ્રયાણ કર્યું. છેક બદરી નારાયણથી કન્યાકુમારી અને બંગાળના કપિલાશ્રમથી પશ્ચિમમાં છેક દ્વારિકા સુધીની યાત્રા સાત વર્ષમાં પુર્ણ કરીને લોજ ગામે પધાર્યા.

સ્વામિનારાયણ ભગવાને કેવળ અઠીયાવીશ વર્ષમાં ગુજરાતની સકલ બદલાવી દીધી. ગુજરાતમાં દરેક મોટા નગરોમાં અને દરેક ગામોમાં અનેકવાર વિચરણ કરીને નાનામાં નાના માણસને મળીને તેમના દિલને જીતીને તેને આત્મીયતા આપીને તેના જીવનમાં નવી ચેતના આપી. વાહન વ્યવહારની સગવળ ન હોવા છતાં કચ્છમાં 32 વખત સ્વામિનારાયણ ભગવાન પધાર્યા છે અને પોતાના સ્વહસ્તે કચ્છના પાટનગર ભુજમાં રાજ મહેલની અડો અડ ભવ્ય મંદિર નિર્માણ કરવાની શ્રી બદરીપતિ નરનારાયણ ભગવાનની દિવ્ય મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી છે.

સ્વામિનારાયણ સંપ્રદાયમાં પ્રથમ મંદિર અમદાવાદ શહેરમાં થયું અને બીજું મંદિર ભુજમાં કરાવ્યું છે. કચ્છમાં વિચરણ દરમ્યાન વાગડ વિસ્તારમાં રાપર, અબડાસામાં છેક નારાયણ સરોવર, માંડવીમાં સમુદ્ર સ્નાન અને મુન્દ્રા, રામપર વેકરા, બળદીયા, માનકુવા, અંજાર જેમાં અનેક ગામોમાં વિચરણ કરીને દરેક પ્રકારના લોકોને વ્યક્તિગત રીતે મળીને તેમજ પોતાના પાંચ હજાર સંતોથી દરેક લકોને મળાવીને દરેક પ્રકારના લોકોમાં સત્સંગનો દીપ પ્રગટાવી સૌને અનોખી ચેતના આપી છે.

એવા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની આજે 238મી જયંતી ઉજવવા જઇ રહ્યા છીએ. આ સ્વામિનારાયણ ભગવાને પોતાના હાથે કચ્છના આધોઇ ગામે પ્રથમ એક સુખી અને સમુદ્ર સુથાર પરીવારના જમાઇને મહાદીક્ષા આપીને સંતની પરંપરા કચ્છથી
શરૂ કરી છે. – શાસ્ત્રી સુર્યપ્રકાશ સ્વામી, ભુજ-કચ્છ

બળદેશ્વર મહાદેવ મંદિર મહારાજનું પ્રિય છે

બળદિયા : આ ગામની ઉત્તરમાં કાળી તળાવ પ્રસાદીનું છે. જ્યાં શ્રીજી મહારાજે સ્નાન કર્યું હતું. પટેલ ગંગાદાસભાઇનું ઘર પણ પ્રસાદીનું ઘર છે જ્યાં મહારાજ જમ્યા હતા. ગામની ઉત્તર બાજુએ બળદેશ્વર મહાદેવનું મંદિર છે જ્યાં તેઓએ પૂજા કરી છે.

ભુજમાં શ્રીજી મહારાજે કરેલા વિચરણના સ્થળો
– જેઠી ગંગારામ મલ્લનું ઘર (નાનો અખાડો)
– કાયસ્થ મહેતા શિવરામ તથા હરજીવનનું ઘર
– જણસારીઓનું મંદિર – હમીરસર તળાવ
– રામકુંડ – રા લાખાની છાત્રી
– રઘુનાથજીનો આરો

મહારાજ અહીં વિચર્યા હતા
આધોઇ : ભચાઉ તાલુકાના સામખિયાળીથી 12 કિલોમીટર દૂર આધોઇ ગામ મોરબી રાજ્યના તાબે હતું ત્યારે મહારાજ અહીં વિચર્યા છે. સામખિયાળી, રાપર, આડેસર સુધીના કચ્છના છેવાડાના ગામ સુધી સત્સંગીઓને શીખ આપી હતી.

બટિયો કૂવાની શિલા ભુજ મંદિરે છે
ભચાઉ : ભચાઉ તાલુકાના મુખ્ય આ ગામે શ્રીજી મહારાજ અનેક વખત પધાર્યા છે ત્યાંથી થોડે દૂર બટિયો કૂવો છે, જેની એક શિલા ભુજના મંદિરમાં પધરાવી છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો