સ્વાધ્યાય પરિવારના 10 હજાર લોકો દોઢ વર્ષથી વડોદરા- પંચમહાલનાં 960 ગામોના આદિવાસીઓને શિક્ષિત કરી રહ્યા છે

વડોદરા શહેરમાંથી દર શનિ-રવિવારના રોજ સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલા 10 હજાર લોકો છેલ્લા દોઢ વર્ષથી વડોદરાનાં 650 અને પંચમહાલનાં 310 ગામો મળી કુલ 960 ગામોમાં રહેતા આદિવાસી જનજાતિના લોકો શિક્ષિત બને અને ભૂત-ભૂવા જેવી અંધશ્રદ્ધામાંથી બહાર નીકળે તે માટે તેમને શિક્ષિત કરવાનું કામ કરી રહ્યા છે.

છેલ્લા દોઢ વર્ષમાં 10 હજાર લોકોએ કુલ 2.75 લાખ લોકોને શિક્ષિત કર્યા છે,જેમાંથી 7 હજાર આદિવાસી લોકો પોતાના વિસ્તારનાં અંતરિયાળ ગામોમાં પહોંચીને બીજા વનવાસી બંધુઓને નશામાંથી મુક્તિ, અંધશ્રદ્ધાનો ત્યાગ અને બાળકોને શિક્ષણ તરફ વાળીને એક નવા સમાજની રચના કરી રહ્યા છે.

ઝુંબેશમાં 2.75 લાખ લોકો જોડાયા: વાર્તાના માધ્યમથી શિક્ષણ અપાય છે

સ્વાધ્યાય પરિવારના દિવ્યાંગ કાપડિયાએ જણાવ્યું કે, અમારો મુખ્ય ઉદ્દેશ વનવાસી વિસ્તારોમાં રહેતા લોકોમાં જાગૃકતા લાવવાનો છે. તેઓ પણ સમાજના મુખ્ય પ્રવાહ સાથે જોડાય તે જરૂરી છે. જેથી દોઢ વર્ષ પહેલાં લોકજાગૃતિનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના 10 હજાર લોકો વડોદરા અને પંચમહાલનાં કુલ 960 અંતરિયાળ ગામોમાં દર શનિ-રવિવારના રોજ પહોંચી જાય છે. જ્યાં આદિવાસીઓ સાથે રહીને અવનવી રમતો રમાડી,લોકગીતો ગવડાવવા જેવાં અનેક કાર્યો કરીને તેમને શિક્ષણ આપવામાં આવે છે.

વાર્તાના માધ્યમથી શિક્ષણ અપાય છે

વડોદરા સ્વાધ્યાય પરિવારના 10 હજાર સભ્યો છેલ્લા દોઢ વર્ષથી વડોદરા અને પંચમહાલના 960 ગામોમાં પહોચીને 2.75 લાખ આદિવાસી જનજાતીના લોકોને આધ્યાત્મ તરફ વાળી ભૂત-ભૂવા જેવી અંધશ્રધ્ધાઓ તેમજ નશાની લતને છોડાવવામાં સફળ રહ્યાં છે. તસવીરમાં સ્વાધ્યાય પરિવારના સભ્યો બાળકોને વાર્તા સંભળાવીને શિક્ષણ આપી રહ્યાં છે.

ઘર મંદિરનો કન્સેપ્ટ શરૂ કરવામાં આવતાં લોકોએ દારૂ છોડ્યો

આદિવાસી પ્રજામાં અધ્યાત્મ મારફતે સુધારો આવે તે માટે સ્વાધ્યાય પરિવારના પાંડુરંગ શાસ્ત્રીજી દ્વારા ઘર મંદિરનો કન્સેપ્ટ મુકાયો હતો. જેને અનુસરીને આદિવાસીનાં ઘરમાં મંદિર મુકાયાં છે. જેથી આદિવાસી લોકો પોતાના ઘરમાં ભગવાન આવ્યા હોય તેવી ભાવનાથી તેમની પૂજા-અર્ચના કરવા લાગ્યા. જેથી કોઈ પુરુષ દારૂ પીને ઘરે આ‌વતો તો તેની પત્ની ઘરમાં ભગવાન હોવાથી તેને પ્રવેશવા દેતી નહીં.

બાળકોએ શિક્ષણનો માર્ગ અપનાવ્યો

આદિવાસી ગામડાંઓમાં થતી અનેક પ્રવૃત્તિઓમાંની એક શિક્ષણની પ્રવૃત્તિ પણ છે. જેમાં બાળકોને પહેલાં રમતો મારફતે અક્ષર જ્ઞાન આપવામાં આવે છે. તેમનું બાળક પણ શિક્ષિત બને તે માટે તેને સ્કૂલે જવા માટે પણ મનાવ્યાં છે. જેના કારણે 50 ટકાથી વધારે બાળકો આજે સ્કૂલે જતાં થયાં હોવાનું સ્વાધ્યાય પરિવારના દિવ્યાંગ કાપડિયાએ જણાવ્યું હતું.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો