સુરેન્દ્રનગરના સાડીના વેપારીના પુત્ર અને મિત્રનું અમદાવાદમાં અપહરણ થતાં 1 કરોડ માંગ્યા, ક્રાઈમબ્રાન્ચે ડીલ મુજબ રૂ. 40 લાખ આરોપીઓને આપી યુવાનોને છોડાવ્યા બાદ અપહરણકારોની ધરપકડ કરી
સુરેન્દ્રનગર જવાહર ચોકમાં સાડીનો શો રૂમ ધરાવતા વેપારીના પુત્ર અને મિત્રનું અમદાવાદમાં અપહરણ કર્યા બાદ પોલીસની મદદથી છુટકારો થતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. 31 ડિસેમ્બરના રોજ કપડાની ખરીદી કરવા અમદાવાદ જવાનું કહીને મિત્ર તથા જ્ઞાતીના પરિચીત સાથે ગયો હતો. અપહરણ કારોએ પિતાને ફોન કરીને કહયુ કે રૂ. 1 કરોડ આપો તો દિકરાને છોડીશું પીતાએ કહયુ કે એટલા બધા રૂપીયાતો હું નથી આપી શકુ તેમ 5 થી 10 લાખ રૂપીયા થઇ શકે તેમ છે. તો આરોપીઓએ પુત્રે ફોન આપ્યો પુત્રએ પીતાને રડતા અવાજે કહયુ કે મને છોડાવી લો હવે અમદાવાદ કામ હશે તો પણ ક્યારેય નહી આવુ.
પાડોશીના સાળાએ દેવું થઈ ગયું હોવાથી આખું કાવતરું ઘડી અને અપહરણ કર્યું
આરોપીઓને પકડવા માટે DYSP ચુડાસમા, 7 PI અને આખી ક્રાઈમ બ્રાન્ચની ટીમો લાગી હતી. પાડોશીના સાળાએ દેવું થઈ ગયું હોવાથી આખું કાવતરું ઘડી અને અપહરણ કર્યું હતું. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં અપહરણકાર બીજું કોઈ નહીં પણ વેપારીના પાડોશી એવા સલીમભાઈનો સાળો સિકંદર હોવાનો ખુલાસો થયો હતો.
2 દિ’માં અપહરણકર્તાઓની ચુંગાલમાંથી યુવાનોને છોડાવવાનો સમગ્ર ઘટનાક્રમ
31 ડિસેમ્બર સવારે 6 – કપડાની ખરીદી કરવા માટે અમદાવાદ જવા નિકળ્યા
બપોરે 1.30 કલાકે – બન્ને યુવાનોના ફોન સ્વીચ ઓફ થઇ ગયા
સાંજે 5.30 કલાકે – અપહરણ થયાની પરિવારજનોને જાણ થઇ
સાંજે 5.45 કલાકે – અપહરકર્તાઓએ રૂપિયા 1 કરોડની ખંડણી માટે ફોન કર્યો
રાત્રે 9.45 કલાકે – ખંડણી માટે ફોન કરી બીજા દિવસે 12 વાગ્યે ફોન કરવાનું કહ્યું
1 જાન્યુઆરી 11.53 – ફોન કરી દિકરાને જાનથી મારી નાંખવાની ધમકી આપી
સાંજ 5 વાગ્યા આસપાસ – આણંદ બોરસદ રોડ તરફ રૂપિયા લઇ આવવા કહ્યું
મોડી સાંજે 8 કલાકે – 40 લાખ આપી અપહ્યત યુવાનોને છોડાવવામાં આવ્યા
2 જાન્યુઆરી સવારે – આરોપીઓને ખંડણીની રકમ સાથે પોલીસે ઝડપી લીધા
31 ડિસેમ્બરે અમદાવાદ ખરીદી કરવા માટે ગયા હતા
સુરેન્દ્રનગરમાં સાડીનો વેપાર કરતા આઝાદભાઇ જીગરભાઇનો 20 વર્ષનો એકનો એક પુત્ર સમીર ઉર્ફે પીન્ટુ તેમની બાજુમાં રહેતા સલીમભાઇના 18 વર્ષના દિકરો સમીર તથા તેમની જ ખોજા જ્ઞાતીના અને સંબંધી સીકંદરભાઇ તથા તેમની ઇકો ગાડીના ડ્રાઇવર જગદિશ મહારાજ 4 વ્યકિત 31 ડિસેમ્બરે અમદાવાદ ખરીદી કરવા માટે ગયા હતા. જ્યાં સેટેલાઇટ પહોચતા સીકંદર અને જગદિશ ઉતરી ગયા હતા અને સમીર ઉર્ફ. પીન્ટુ તથા તેનો મિત્ર સમીરભાઇ કાર લઇને પીન્ટુની પ્રેમીકાને મળવા ગયા હતા. બાદમાં દુન સ્કુલના મેદાનમાં હતા ત્યારે પોલીસ તરીકે ઓળખાણ આપીને આવેલા વિપુલ અને નિલેશ બંનેને અપહરણ કરીને લઇ ગયા હતા. બાદમાં આઝાદભાઇને ફોન કરીને રૂ.1 કરોડની ખંડણી માંગી હતી. આથી તેમણે સુરેન્દ્રનગર સાડી એસોસીએસનના પ્રમુખ જામાભાઇ ગરીયાને જાણ કરતાં તેમણ સુરેન્દ્રનગર એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલને હકીકત જણાવી હતી.
દેવું થઈ જતા પ્લાન કર્યો હતો
અમદાવાદ પોલીસે કેસની કમાન હાથમાં લીધા બાદ રૂ.40 લાખમાં પતાવટ થઇ હતી. પ્રથમ રૂપીયા દઇને બંનેને છોડાવ્યા હતા.બાદમાં નાકાબંધી વેજળકા પાસેથી રૂ.40 લાખ સાથે આરોપીઓને પકડી લીધા હતા. પુછપરછમાં સીકંદર માસ્ટર માઇન્ડ હોવાનો પર્દાફાશ થયો હતો. સીકંદર અને તેના મિત્ર વિપુલ બારને દેવુ થઇ ગયુ હતુ. આથી આઝાદભાઇના દિકરાનું અપહરણ કરીને દેવુ ચુકવવા અપહરણના કાંડને અંજામ આપ્યો હોવાનું ખૂલ્વા પામ્યું હતું
હું પોલીસને હાથ નહી લાગુ જવુ હોય ત્યા જાવ
અપહરણકર્તાએ યુવાનના પિતાને ફોન કરી ખંડણી માંગી તે સમયે યુવાનના પિતાએ જણાવ્યું હતું કે હું તમને અત્યારે ફોન કરૂ છું એટલે પોલીસ આ જગ્યા પર મને ગોતવા આવશે પણ હું અહીં નહીં મળુ અને તમારે એસીબી, ક્રાઇમ બ્રાન્ચ જ્યાં જવું હોય ત્યાં જાવ પણ હું પોલીસને હાથ નહીં લાગુ. પોલીસ તેનું અને અમે અમારૂ કામ કરશુ.
અપહરણકારે પિતાની સાથે કરેલી વાતના અંશો
અપહરણકાર : કેટલા પૈસા તૈયાર કરીને રાખ્યા છે ?
યુવાનના પિતા : આપણે રૂબરૂ મળીએ ત્યારે નક્કી કરીએ અત્યારે 5 થી 10 લાખ થયા છે
અપહરણકાર : 5 થી 10 લાખ નહીં કાલ બપોર સુધીનો ટાઇમ છે 1 કરોડ તૈયાર કરી રાખજો
યુવાનના પિતા : એટલા બધા તો હાલ ક્યાંથી હોય
અપહરણકાર : કાલે લાસ્ટ કોલ આવશે પછી કોલ નહીં આવે પછી તમારા છોકરાનું પાર્સલ બીજા પાસેથી લઇ લેજો એ 1 કરોડ લે, દોઢ કરોડ લે કે બે કરોડ લે તે અમારે નથી જોવાનું
યુવાનના પિતા : કરોડ નહીં થાય સમજીને કહો
અપહરણકાર : મારા ભાઇ પાછળ મે 80 લાખ નાંખ્યા છે એ હજી દવાખાનામાં છે.
યુવાનના પિતા : તમે આંકડો કહો એટલે હું મકાન વેચીને પણ બે કલાકમાં રૂપિયા લઇ આવીશ
અપહરણકાર : મારે દવાખાનામાં 80 લાખનો ખર્ચો થયો છે એટલે 80 લાખ આપી દેજો ફાઇનલ
યુવાનના પિતા : એટલા બધા તો નહીં થાય
અપહરણકાર : કાલે બપોરે રૂપિયા તૈયાર રાખજો બાકી તમારે જે કાર્યવાહી કરવી હોય તે છુટ્ટી
વસ્ત્રાલ સ્વામિનારાયણ મંદિરેથી તમારી પાસે દારૂ છે ચાલો ગાડીમાં બેસી જાવ કહી લઈ ગયા
સુરેન્દ્રનગરના કૃષ્ણનગર ગોલ્ડન પાર્ક સોસાયટીમાં રહેતા વેપારી આઝાદ હુદ્રાનો પુત્ર અને પાડોશી સલીમભાઈનો પુત્ર બંને સલીમના સાળા સિકંદર સાથે અમદાવાદ ખરીદી માટે 31 ડિસેમ્બરના રોજ સવારે નીકળ્યા હતા. બંને મિત્રો વસ્ત્રાલ સ્વામિનારાયણ મંદિર ખાતે મેદાનમાં બેઠા હતા ત્યારે ગાડીમાં આવેલા શખ્સ તમારી પાસે દારૂ છે ચાલો ગાડીમાં બેસી જાવ કહી લઈ ગયા હતા. ફોન પર અસલાલી પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હોવાનું તેના પિતાને જાણ થઈ હતી. પરંતુ ત્યાં બંને હાજર હતા નહિ. દરમ્યાનમાં સમીરના ફોન પરથી અજાણ્યા શખસે ફોન કરી જણાવ્યું હતું કે તમારો પુત્ર અમારી પાસે છે. એક કરોડ રૂપિયા લઈ હું નક્કી કરું ત્યાં આવવાનું રહેશે. આ બાબતે સુરેન્દ્રનગર પોલીસને જાણ કરી અમદાવાદ આવ્યા હતા. રાતે ફોન કરી એક કરોડની વ્યવસ્થા કરો અને કાલે બપોરે ફોન કરીશ એમ અપહરણકારો કહ્યું હતું.
ક્રાઈમ બ્રાન્ચે બીજા દિવસે બપોર સુધી ફોનની રાહ જોઈ
બીજી તરફ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમને જાણ કરવામાં આવી હતી. બીજા દિવસે બપોર સુધી તેઓએ ફોનની રાહ જોઈ હતી પરંતુ ફોન આવ્યો ન હતો. ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસ કરી રહી હતી દરમ્યાનમાં સાંજે ફોન આવ્યો હતો કે આણંદ અને બોરસદ તરફ પૈસા લઈ આવવાનું છે. બાળકોને પણ છોડાવવાના હતા અને આરોપીને પણ પકડવાના હોવાથી ક્રાઈમ બ્રાન્ચના DYSP ડી.પી ચુડાસમાની આગેવાનીમાં આખી ક્રાઈમ બ્રાન્ચ આણંદ, તારાપુર, બોરસદ, લીંબડી ચુડા રોડ પર ગોઠવાઈ ગઈ હતી. પહેલા પૈસા આપી બાળકોને મુક્ત કરાવી અને પછી આરોપી પકડવાનું નક્કી કર્યું હતું.
ક્રાઈમ બ્રાન્ચ ટેકનિકલ સર્વેલન્સથી ટ્રેક કરી અપહરણકારો સુધી પહોંચી
ત્યાર બાદ ક્રાઈમ બ્રાન્ચે બોરસદથી આગળ અમ્પાડ ગામે રૂ. 40 લાખ આપી બંને યુવાનને મુક્ત કરાવ્યા હતા. ગાડી પરત આપી અને તેઓને લઈ પરત વડોદરા આવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સથી તેઓને ટ્રેક કરતા આણંદ તારાપુર રોડ પર થઈ બગોદરા તરફ જતા હતા.જેથી ક્રાઈમ બ્રાન્ચના તમામ પીઆઇ વેજલકા ગામ પાસે નાકુ બનાવી અને વાહન ચેકિંગ શરૂ કર્યું હતું. કોઈ ગાડીમાં હોવાની શંકાને લઈ તપાસ કરતા હતા. જો કે તેઓ મળ્યા નહિ દરમ્યાનમાં એક આઈસર ટ્રકમાં બે આરોપી વિપુલ ઉર્ફે પિન્ટુ આલ (રબારી) (રહે. ઘૂઘરી પાર્ક, સુરેન્દ્રનગર) અને ધર્મેન્દ્ર ઉર્ફે ભીખો પરમાર (રહે. ચુડા, સુરેન્દ્રનગર)ને પોલીસ જોઈ ગઈ અને બંને ભાગવા જતાં તેઓને ઝડપી લીધા હતા.
ખેતર અને હોટેલમાં રોકાયા
આરોપીની પૂછપરછ કરતાં સલીમભાઈના સાળા સિકંદર અને આરોપી વિપુલ આલને દેવું થઈ ગયું હતું. આઝાદભાઈ પાસે રૂપિયા હોવાથી તેઓએ પ્લાન બનાવી અને બે મિત્ર નિલેશ બાર, ધર્મેન્દ્ર પરમારને જોડે લઈ અપહરણ કરાવ્યુ હતું. બંનેને પહેલા ચુડા ખાતે એક ખેતરમાં લઈ ગયા હતા. બીજા દિવસે સતત ફરતા રહ્યા હતા. રાતે એક હોટલના રૂમમાં રોકાયા બાદમાં પૈસા મેળવી વિપુલ તેમજ ધર્મેન્દ્ર નીકળ્યા હતા અને ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાઈ ગયા હતા.
અપહરણકારે અપહ્યતના પિતાને કહ્યું-પોલીસ કેસ કરો એસીબીમાં જાવ કે ક્રાઈમમાં જાવ…
અપહરણકારો દ્વારા આ યુવાનોના પિતાને ફોન કરી રૂ.1 કરોડની ખંડણી માગતો ઓડીયો વાઇરલ થતા ખળભળાટ મચી ગયો હતો. જેમાં અપહ્યત યુવાનોના પિતાને ફોન કરીને જણાવે છે કે, તમારી પાસે કાલે બપોરે 12 વાગ્યા સુધીનો સમય છે. 1 કરોડ તૈયાર રાખજો નહીં તો છોકરાનું પાર્સલ લઇ લેજો. પછી એ પાર્સલ માટે કરોડ આપવા પડે કે દોઢ કરોડ એ તમારે જોવાનું રહેશે. કાલે બપોરે બાર વાગ્યા સુધી પૈસાની સગવડ કરી લેજો. તમારા બંને છોકરાઓ મારી પાસે છે એમ કહી બંને છોકરાઓ સાથે વાત કરીને અંતમાં અપહરણકારો કહે છે કે, કાલે બાર વાગ્યે છેલ્લો કોલ આવશે પછી કોલ નહીં આવે. અપહરણ થયેલા બંને યુવાનોના લાચાર પિતા અપહરણકારોને આજીજી કરે છે કે, આટલી બધી રકમની એક દિવસમાં ક્યાંથી સગવડ થઇ શકે. તમે કંઇક વ્યાજબી કહો તો હું વ્યવસ્થા કરી આપુ. તમે પાંચ દશ લાખનું કહો તો બે કલાકમાં જ વ્યવસ્થા કરાવી આપુ. પોલીસ કેસ કરો એસીબીમાં જાવ કે ક્રાઈમમાં જાવ એ મારે નથી જોવાનું. તમારો છોકરો ભૂખ્યો તરસ્યો મરશે એની જવાબદારી તમારી રહેશે. બંને વચ્ચેની લાંબી રકઝક બાદ અંતે રૂ. 80 લાખમાં ડીલ નક્કી થઈ હતી. જેમાં આ ઓડિયો ક્લિપ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સુધી પહોંચી જતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં અપહરણકારોને ઝડપી લીધા હતા. બંને યુવાનોને છોડાવી તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

