દમણથી બાઇક પર પરત થતાં સુરતના યુવક – યુવતિનું અકસ્માતમાં મોત

નવસારી: ગણદેવીના એંધલ ગામના પાટીયા પાસે ને.હા.નં. ૪૮ ઉપર અજાણ્યા વાહનચાલકે સુરત- ગોડાદરાના આશાસ્પદ યુવાનની બાઇકને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં યુવાન અને તેની મિત્ર યુવતિનું કરૃણ મોત થયું હતું.

સુરતના ગોડાદરા ક્રિષ્નાપાર્ક સોસાયટીમાં રહેતો મહેન્દ્ર હરસુખભાઇ રામાણી (ઉ.વ. ૨૦) ડીઝાઇનીંગનો કોર્ષ કરે છે. તા. ૨૭ના રોજ મહેન્દ્ર પોતાની બાઇક (નં. જીજે-૫-એનએચ- ૯૨૦૬) ઉપર યુવતિ મિત્ર ધરતી જયેશભાઇ મોરથાણા (ઉ.વ. ૨૨, રહે. સંતકૃપા સોસાયટી, ગોડાદરા આસપાસ મંદિર પાસે, સુરત) સાથે બાઇક ઉપર દમણ ગયા હતા.

દમણથી બંને બાઇક ઉપર સુરત પરત આવી રહ્યાં હતાં, તે દરમ્યાન ગણદેવી નજીકના એંધલ ગામના પાટીયા પાસે ને.હા.નં. ૪૮ ઉપર પૂરપાટ ઝડપે રસ્તો ક્રોસ કરતા અજાણ્યા વાહનચાલકે પાછળથી જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. મહેન્દ્ર અને ધરતી બંને રસ્તા ઉપર ફંગોળાઇ જતાં ધરતીને માથાના ભાગે તથા શરીરે નાની-મોટી ગંભીર ઇજાઓ થતાં લોહીલુહાણ હાલતમાં ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.

જ્યારે ગંભીર ઇજાગ્રસ્ત મહેન્દ્રને ૧૦૮ એમ્બ્યુલન્સમાં નવસારીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરતાં ટુંકી સારવાર બાદ તેનું પણ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જીને અજાણ્યો વાહનચાલક ફરાર થઇ ગયો હતો.

બનાવ અંગે ગણદેવી પોલીસમાં મરનાર મહેન્દ્રના મિત્ર પાર્થકુમાર કિશોરભાઇ ખત્રી (રહે. સંતકૃપા સોસાયટી, આસપાસ મંદિર પાસે, ગોડાદરા, સુરત)એ ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. વી.બી. ચૌધરી તપાસ કરી રહ્યાં છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો