માનવ સેવા એજ પ્રભુ સેવાને સાર્થક કરતો સુરતનો ખલીલ રિક્ષાવાળો, સિવિલના દર્દીઓને ફ્રી માં ઘરે છોડે છે, પોલીસ કમિશનર-કલેક્ટરે આપ્યો લેખિત પરવાનો
સેવાનો સાચો અર્થ એટલે દર્દીઓ અને લાચાર વ્યક્તિઓની સેવા એજ પ્રભુ સેવા. સુરતનો એક રિક્ષા ચાલક કોરોના જેવી મહામારી વચ્ચે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને ઘરે ફ્રીમાં છોડી આવવાની ફરજ નિભાવી દર્દીઓને પડતી તકલીફ દૂર કરી રહ્યો છે. 52 વર્ષીય ખલિલ રિક્ષાવાળાની આ સેવાથી ખુશ થઈ રસ્તે કોઈ સુરક્ષા કર્મચારીઓ અડચણ રૂપ ન થાય એ માટે તેને પોલીસ કમિશનર અને કલેકટરે સ્પેશિયલ પરવાનગી આપી છે. એટલું જ નહીં પણ સિવિલ હોસ્પિટલના RMO (રેસિડેન્ટ મેડિકલ ઓફિસર)એ હોસ્પિટલના તમામ વોર્ડ-OPD અને ટ્રોમાં સેન્ટરમાં ખલિલનું નામ અને નંબર આપી જરૂરિયાતમંદ દર્દીઓની સેવામાં સહભાગી થવા ડોક્ટર, નર્સિંગ સ્ટાફ અને વર્ગ 4ના કર્મચારીઓને અપીલ કરી છે. છેલ્લા એક પખવાડિયામાં 60-70 જેટલા દર્દીઓને ખલિલે ફ્રીમાં ઘરે પહોંચાડતા હવે તેને મિત્રો ખલિલ રિક્ષાવાળા તરીકે ઓળખતા થયા છે.
સમાજ સેવાની ઈચ્છા પુરી
ખલીલ નબી શેખ (ઉ.વ. 52, રહે. મામણાવાડ, ગોપીપુરા)એ જણાવ્યું હતું કે, સમાજ સેવા કરવાની ઈચ્છા તો મનમાં પહેલે જ હતી પણ આર્થિકભીંસ વચ્ચે બે પત્ની 7 દીકરી અને બે પુત્રોનું જ ભરણ પોષણ કરવાની તકલીફ પડતી હોય તો સેવાનો ખ્યાલ મનમાં જ રહી ગયો હતો. જોકે, વિશ્વના માથે સંકટ સમાન કોરોના વાઇરસની મહામારી વચ્ચે પ્રભુએ આ ઈચ્છા પણ પુરી કરી દીધી છે. 108માં સિવિલ આવતા દર્દીઓ અને તેમના સગાઓને આર્થિક રીતે કે લોકડાઉનમાં લાચાર જોઈ ફ્રી ઘરે છોડી આવવાની જવાબદારી ઉપાડતા રાત્રે ઊંઘ સરસ આવે છે.
રિક્ષા ચાલકોને સંદેશો આપ્યો
ખલીલે વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા એક પખવાડિયાથી આ કામ કરી રહ્યો છું. જોકે રસ્તે લોકડાઉનનું પાલન કરાવતા સુરક્ષા કર્મચારીઓ અટકાવતા અને સાચી હકીકત જણાવ્યા બાદ પણ ઘર્ષણ કરતા હોવાની વાત આખરે સિવિલના RMO ડો. નાયક ને કહેતા તેઓ મારી સેવા સાંભળી ચોંકી ગયા હતા. તાત્કાલિક આ બાબતે એમણે પોલીસ કમિશનર અને કલેકટર કચરીના લાગતા વળગતા અધિકારીઓને જાણ કરી એમની પાસે મોકલી આપતા મને લેખિતમાં પરવાનો મળી ગયો હતો. આજે આ પરવાનો આગળના કાચ પર લગાડી દર્દીઓને છોડવા જાઉં છું પણ કોઈ સુરક્ષા કર્મચારીઓ અટકાવતા નથી. આનંદ થાય છે આવી સેવા કરીને હું ઘણા વર્ષોથી અનેક પ્રકારની સેવા સાથે જોડાયેલો છું અને રહીશ પણ મારા તમામ રિક્ષા ચાલક મિત્રોને એક સંદેશો આપવા માગું છું લાચાર અને આર્થિક તંગીવાળા દર્દીઓ પાસે ભાડું ન લો ભગવાન એના કરતાં વધારે આપશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

