સુરતમાં સુમુલના નામે ડુપ્લિકેટ ઘી બનાવતું આખું કારખાનું ઝડપાયું, શું તમે આવું ઘી તો નથી આરોગી રહ્યાને?

સુરતમાં ફરી એકવાર નકલી ઘી (Duplicate ghee making) બનાવવાનું રેકેટ પોલીસે ઝડપી પાડ્યું છે. મનપા આરોગ્યની ટીમ (SMC health team) દ્વારા બાતમીના આધારે પોલીસને સાથે રાખીને એક ટેમ્પોને ઝડપી પાડવામાં આવ્યો હતો. જે બાદમાં પૂછપરછ કરતા સરથાણા વિસ્તારમાંથી એક ગોડાઉન પણ મળી આવ્યું હતું. આ મામલે પોલીસે કાર્યવાહી કરી પાંચ લોકોની અટકાયત કરી છે, જ્યારે સૂત્રધાર એવા એક યુવાનને વોન્ટેડ જાહેર કર્યો છે. સુરતમાંથી સતત નકલી કે ભેળસેળવાળી વસ્તુઓ વેચાઈ રહી હોવાના બનાવો બનતા રહે છે. થોડા સમય પહેલા જ સુરતના એક વિસ્તારમાંથી નકલી ઘી બનાવવાનું કારખાનું પકડાયું હતું. આ જ કડીમાં ગતરોજ સુરત મનપાની આરોગ્ય ટીમને એક બાતમી મળી હતી. જેના આધારે વૉચ ગોઠવીને અવધ ટેક્ષટાઇલ માર્કેટની સામે એક મીની વાનમાંથી બે યુવાનને રૂ.1.50 લાખની કિંમતના સુમુલ ઘીના 300 પાઉચ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.

પોલીસ અને આરોગ્ય ટીમે ઘીના પાઉચ બાબતે ખરાઈ કરવા સુમુલ ડેરીમાં મોકલતા તે ડુપ્લિકેટ હોવાનું પુરવાર થયું હતું. પોલીસે ટેમ્પોમાં સવાર રત્નકલાકાર હરેશભાઇ જાદવભાઈ બોદરા અને વેપારી અલ્પેશ મનસુખભાઈ આસોદરીયાની અટકાયત કરી તેમની પૂછપછ શરૂ કરી હતી. આ ઈસમોની પૂછપરછ બાદ પોલીસે સરથાણા વિસ્તારમાં આવેલા વ્રજચોક સર્કલ પાસે ક્રિષ્નાનગર સોસાયટી દુકાન નં.104 અને તેની પાછળના ભાગે આવેલા ગોડાઉન તેમજ વ્રજચોક પાસે ત્રિમૂર્તિ સુરતી બજારમાં આવેલી પતરાવાળી દુકાન નં. 229માં દરોડાં પાડ્યાં હતાં.

દરોડા દરમિયાન સુમુલ ઉપરાંત અન્ય બ્રાન્ડનું ડુપ્લિકેટ ઘી બનાવવાનું કારખાનું-ગોડાઉન મળી આવ્યું હતું. પોલીસે ત્યાંથી પાઉચ પેક કરવાનું પેડલ મશીન કિંમત રૂ.12,31,590, પાઉચ અને પ્લાસ્ટિકના ડબ્બામાં પેક કરેલું અલગ અલગ બ્રાન્ડનું 1,891 લિટર ડુપ્લિકેટ ઘી, 1,725 લિટર વનસ્પતિ ઘી, તેલ, રોકડા રૂ.74 હજાર, મીની વાન અને અન્ય સાધન સામગ્રી મળી કુલ રૂ.18,98,480નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસે દુકાનમાંથી નિલેશ મગનભાઈ સાવલીયા, નૃપેશ ઉર્ફે નિકુંજ હરસુખભાઈ સાવલીયા અને પરેશ માવજીભાઈ સાવલીયાને ઝડપી પાડ્યા હતા. જોકે, ઝડપાયેલા આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેઓ મિત્રો છે અને ડુપ્લિકેટ ઘી બનાવવા માટેનો સામાન તેમનો એક મિત્ર રવિશ ઉર્ફે રવિ છગનભાઈ પટોળીયા લાવી આપતો હતો. નિલેશ, નૃપેશ અને પરેશ ડુપ્લિકેટ ઘી બનાવે પછી હરેશ અને અલ્પેશ બજારમાં છૂટક વેચાણ કરતા હતા. પુણા પોલીસે આ અંગે ગુનો નોંધી પાંચ જેટલા ઈસમોની ધરપકડ કરી આ ગુનામાં મુખ્ય સૂત્રધાર રવિશને વોન્ટેડ જાહેર કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો