સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડના દિવસે જન્મેલા બાળકના લાડવા પ્રસંગે પરિવારે દ્રારા ફાયર સેફ્ટીનો પ્રચાર કર્યો

તક્ષશિલા અગ્નિ કાંડ બાદ સરકારી તંત્ર તો રીતસર ધંધે લાગ્યું જ છે પણ બીજી બાજુ સમાજ મારે સારા સંકેત જાણવા મળતાં હોય તેમ લોકો પણ જાગૃત થવા લાગ્યા છે. આવો એક અનુકરણીય કિસ્સો તાજેતરમાં મોટા વરાછા વિસ્તારમાં બન્યો. જેમાં એક યુવાન ઉદ્યોપતિને ત્યાં પુત્રના જન્મ બાદ લાડવાની વિધિ વખતે ફાયર સેફ્ટીનાં સાધનો બતાવી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરાયો એટલું જ નહીં પણ ટ્રાફિક સંદર્ભે લોકોને જાણકારી મળી રહે તે માટે ટ્રાફિક અવેરનેશ પુસ્તિકાનું પણ વિતરણ કરાયું હતું.

પુત્રનું નામ રામ પાડ્યું

મોટા વરાછાની સાંઇશ્રદ્ધા સોસાયટીમાં રહેતા અને એમ્બ્રોઇડરીનું કારખાનું ધરાવતા ધરમ પ્રવીણભાઈ ગોયાણીને ત્યાં તા. 23-5-19ના રાત્રિના સાડા બાર વાગ્યે પુત્રનો જન્મ થયો. તેના બીજા જ દિવસે એટલે કે તા. 24મીએ બપોરે સાડા ત્રણ વાગ્યે તક્ષશિલા અગ્નિ કાંડની દુર્ઘટના બની. ધરમ અને દૃષ્ટિબહેન પહેલા જ પુત્રના માતા-પિતા બન્યા હોવાથી આનંદ વ્યાપ્યો હતો. બરોબર તે જ સમયે આ દુર્ઘટનામાં 22 નિર્દોષ વિદ્યાર્થીઓ મોતને ભેટ્યા. પરિણામે આ પરિવારે પુત્રનું નામ રાશિ મુજબ વિચારવાના બદલે તમામ લોકોના મોઢેથી હે રામ શબ્દ ઉચ્ચારાતો હતો તેને ધ્યાને લઈ પુત્રનું નામ રામ રાખી દીધું.

લાડવા પ્રસંગમાં જાગૃતિ ફેલાવાઈ

બન્યું એવું કે પરંપરા પ્રમાણે પહેલી પ્રસૂતિ પીયરમાં થાય. જ્યાં લાડવા લઇ પતિના સગા સંબંધીઓ જાય છે. આ રીતે બે દિવસ પૂર્વે આ ગોયાણી પરિવારના સગા સંબંધીઓ મળી કુલ 55 લોકો ગોકુળધામ રેસિડેન્સી, મોટા વરાછા ખાતે લાડવા લઈને ગયા. જ્યાં ફાયર સેફ્ટીનાં સાધનો સાથે સોસાયટીમાં પ્રવેશ્યા એ સાથે જ સોસાયટીના લોકો જોઇ રહ્યા હતા. લોકોમાં જાગૃતિ આવે તે માટે ફાયર સેફ્ટીનાં સાધનો, પોસ્ટરો સંખ્યાબંધ લોકોને બતાવાયાં હતાં.

લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ

આ બાબતે ધરમ ગોયાણીએ કહ્યું કે, તક્ષશિલા અગ્નિ કાંડમાં ફાયર બ્રિગેડની કે અન્ય સરકારી વિભાગની બેદરકારી પછી છે પણ પહેલા તો લોકોમાં જાગૃતિ ન હતી તે વાત મોટી છે. ખરેખર તો પ્રત્યેક વ્યક્તિએ પોતાની જાતની સુરક્ષાને અગ્રિમતા આપવી જોઇએ આ વાતને ધ્યાને લઈ અમે આ નમ્ર પ્રયાસ કર્યો છે…

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો