સુરતીઓએ વેપાર – ધંધા બંધ રાખીને પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી, દોઢ કરોડનું ફંડ ભેગું કર્યું

સુરત: પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ દેશ સહિત શહેરમાં પણભારે આક્રોશ શનિવારે પણ જોવા મળ્યો. જેમાં શહેરનો ટેક્સટાઇલ ઉદ્યોગ પણ જોડાયો હતો. શહેરની 185 કાપડ માર્કેટના 70,000 વેપારીઓએ સ્વયંભૂ દુકાનો બંધ રાખી આતંકવાદ સામે રોષ વ્યક્ત કર્યો હતો. કાપડનાં પાર્સલો બહારગામ લઈ જતા 3500 ટ્રકનાં પૈડાં પણ આજે થંભી ગયાં હતાં. બંધને પગલે સુરતના કાપડ બજારને એક અંદાજ 200 કરોડનો વેપાર સ્થગિત થયો છે. ઉપરાંત શહેરની સામાજિક, ધાર્મિક સંસ્થાઓએ ભેગા મળીને શહીદોના પરિવાર માટે દોઢ કરોડનું ફંડ એકઠું કર્યું હતું.

હીરાબજાર, હીરાનાં કારખાનાઓ ચાલુ રહ્યાં
1.કાપડ માર્કેટ સહિત શહેરની અનેક દુકાનો વીરજવાનોની શહીદીને શ્રદ્ધાંજલિ માટે બંધ રહી હતી ત્યાં સુરતના મહિધરપુરા અને મિનીબજાર ખાતેના હીરાબજારો અને શહેરના હીરાનાં કારખાનાઓ રાબેતા મુજબ ચાલુ રહ્યાં હતાં. સુરત ડાયમંડ એસોસિએશનના દામજી માવાણીએ કહ્યું કે, બંધની કોઈ જાહેરાત કરાઈ નહોતી અને રૂટિનમાં બજાર ચાલુ રહ્યું હતું.

આજે મારુતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા કેન્ડલ માર્ચ કઢાશે
2.ભારતીય સેના અને શહીદ જવાનો માટે કામ કરતી મારૂતી વીર જવાન ટ્રસ્ટના પ્રમુખ નાનુભાઈ સાવલિયાએ જણાવ્યું કે શહીદ જવાનોને રૂપિયા કરતા વધુ જરૂરત હુંફ અને એ પરિવારને એવું મહેસુસ કરાવવું છે કે આખો દેશ તેમની સાથે છે. અમારૂ ટ્રસ્ટ શહીદના પરિવારોને 2.50-2.50 લાખ રૂપિયા આપશે. આજે ટ્રસ્ટ દ્વારા જવાનોને શ્રદ્ધાંજલી આપવા માટે કેન્ડલ માર્ચ કાઢવામાં આવશે.

પુણામાં પાકિસ્તાનની સ્મશાનયાત્રા કાઢવામાં આવી
3.પુણામાં લોકો અને કોંગ્રેસ સમિતિ દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર પોકારતાં સેંકડો લોકો રસ્તા પર ઊતર્યા હતા. શિક્ષણ સમિતિ સભ્ય સુરેશ સુહાગિયા સહિતના અગ્રણીઓએ આતંકી દેશ પાકિસ્તાનની સ્મશાનયાત્રા કાઢી હતી.

રમકડાં વેચતા પ્રજ્ઞાચક્ષુની શહીદોના પરિવારને સહાય
4.આતંકી હુમલામાં 40 જવાનો શહીદો થતાંના સમાચાર રેડિયો પર સાંભળીને ઘોડદોડ રોડ પર રંગીલા પાર્ક પાસે ફુટપાથ પર રમકડા વેચતા પ્રજ્ઞાચક્ષુ દિલીપભાઈ દિકરીને ભાસ્કર ઓફિસે આવી શહીદોના પરિવાર માટે દાન આપ્યું હતું.

ટેમ્પો એસોસિયેશને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી
5.સુરત શહેર ટેમ્પો એસોસિયેશનના આગેવાનો, કાર્યકરોએ 451 માર્કેટ પાસે એકત્રિત થઈને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી બે મિનિટ મૌન પાળ્યું હતું.

સમૂહલગ્ન પહેલા શહીદો માટે ચાંદલાના 11 લાખ ભેગા થયાં
6.સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા રવિવારે 60 મો સમુહલગ્ન યોજાઈ રહ્યો છે. લગ્ન સમારોહમાં જે ચાંદલો આવશે તે 40 શહીદોના પરિવારને આપવામાં આવશે. લોકોએ લગ્ન પહેલા જ ચાંદલો આપવા લાગ્યા છે. શનિવારના દિવસે 11 લાખ રૂપિયા ચાંદલાના જમા થયા હતા. વધુ 15 લાખ રૂપિયા લગ્ન સમયે ભેગા થશે એવી સંભાવના છે.

શહીદોને શ્રદ્ધાંજલિ રૂપે ફુલ નહીં તો ફુલની પાંખળી રુપે સહાય કરતા દરેક લોકોને દિલથી સલામ છે.. સમસ્ત લેઉવા પટેલ સમાજ વતી આવા દાતાઓને નમન અને વંદન છે..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો