સુરતના હીરા ઉદ્યોગના કપરા દિવસો, રફ ડાયમંડની કિંમત વધતા નાના કારખાના રોજ બંધ થઈ રહ્યા છે

ડાયમંડ પ્રોસેસિંગનું વૈશ્વિક હબ કહેવાતા સુરતનો ડાયમંડ ઉદ્યોગ હાલ કપરા દિવસોમાંથી પસાર થઈ રહ્યો છે. નોટબંધી, જીએસટીથી કમર તૂટી ગયેલો ઉદ્યોગ હાલ રફ ડાયમંડની કિંમત વધતાં ઈમ્પોર્ટમાં થયેલો ઘટાડો અને મોટી ડાયમંડ કંપનીઓમાં ઉનાળુ વેકેશન જાહેર થવાની અસર સ્થાનિક હીરા બજારની નાની કંપનીઓને થઈ રહી છે. પ્રોડક્શન ઘટના કારણે નાની કંપનીઓમાં અઠવાડિયે બે દિવસની રજા આપવાનું શરૂ થઈ ગયું છે.જેથી રત્નકલાકારોને બેકાર બનવાના વખત આવ્યા છે.

નોટબંધી જીએસટીની હજુ અસર બજારમાં

હીરા ઉદ્યોગકાર રાહુલ પટેલે જણાવ્યું હતું કે, ડાયમંડ ઉદ્યોગ વિશ્વાસ અને ચીઠ્ઠિના સોદાથી ચાલતો હતો. નોટબંધીથી પેમેન્ટની આખી સિસ્ટમ ખોરવાઈ ગઈ હતી. આંગડીયા અને રોકડના વ્યવહારોને અસર થઈ હતી. પગાર સ્લિપ કારીગરોને અપાતી નહોતી. રોકડમાં ચાલતાં ધંધાને જીએસટીથી ભારે ફટકો પડ્યો અને ગાડી પાટે ચડે એ પહેલાં જ સરકાર દ્વારા હજુ હજાર કરોડથી વધુના રિફંડ અટકાવી દેવામાં આવ્યાં છે જેના કારણે બજારમાં લિક્વીડિટી ઘટતાં સીધી અસર ધંધા પર પડી રહી છે.

ડાયમંડ કંપનીઓમાં ઉનાળુ વેકેશન જાહેર થવાની અસર સ્થાનિક હીરા બજારની નાની કંપનીઓને થઈ રહી છે

હીરાના ઈમ્પોર્ટમાં 40 ટકાનો ઘટાડો

જીજેઈપીસીના આંક પ્રમાણે, નાણાંકીય વર્ષ 2017-18ની સરખામણીએ વર્ષ 2018-19માં રફ હીરાની ઈમ્પોર્ટમાં 40 ટકાથી વધુનો ઘટાડો થયો છે. રફ ડાયમંડની કિંમતમાં પણ 10 ટકાનો વધારો નોંધાયો છે. હાલ પૂરતા પ્રમાણમાં ખરીદી વૈશ્વિક માર્કેટમાં પણ નહીં હોવાનું સુરતના હીરા અગ્રણીઓનું કહેણું છે. ત્યારે સ્થાનિક બજારની મોટી કંપનીઓમાં ઉનાળુ વેકેશન જાહેર થઈ ચૂક્યું છે. 10 થી 15 દિવસના વેકેશનની સીધી અસર જોબવર્ક કરતી નાની હીરા પેઢીઓના પ્રોડક્શનને પણ થઈ છે.

અઠવાડીયે બે રજાઓ જાહેર

કેટલીક કંપનીઓમાં તા.12મી મે થી અઠવાડિયામાં બે દિવસની રજા જાહેર કરી દીધી છે. રવિવારની સાથે સોમ અને મંગળ અથવા શુક્ર-શનિવારની રજા આપવાની શરૂઆત થઈ ચૂકી છે. આ અંગે સુરત ડાયમંડ એસો.ના પ્રમુખ બાબુ ગુજરાતીના જણાવ્યાનુસાર, વેકેશનના કારણે 20 ટકા સુધી કારીગરોની અછત છે. પ્રોડક્શનની સાઈકલ સેટ કરવા માટે અઠવાડિયે એક કે બે દિવસની રજા આપવામાં આવી રહી છે.

કલાક પ્રમાણે પગારની સાઈકલ શરૂ

ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ રણમલ જીલરિયાના જણાવ્યાનુસાર, અઠવાડિયામાં બે દિવસ રજાની સાથો-સાથ રિસેસના સમયમાં પણ વધારો કરી દેવાયો છે. જેની અસર પગારધારા પર પડી છે. કલાક પ્રમાણે પગાર રત્નકલાકારોને આપવામાં આવી રહ્યો છે. જેને પગલે તા.16મી મે થી ધરણાંનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જે અંગે કલેકટરની પરવાનગી મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે.

નાના કારખાનેદારોને વધુ અસર

હીરાનું નાનું યુનિટ ચલાવતા કેતન રાચપરાએ જણાવ્યું હતું કે,મોટા ઉદ્યોગકારોને એટલો વાંધો નથી જેટલી નાના ઉદ્યોગકારોને તકલીફ છે. મંદિના આ દિવસોમાં નાના યુનિટો રોજના બે ચાર બંધ થઈ રહ્યાં છે. અંદાજે 20ટકા નાના કારખાના દિવાળી પછી ખુલ્યા જ નહોતાં.

કારીગરો અન્ય ધંધામાં ચડ્યાં

દેવાંગ ભડીયાદરાએ જણાવ્યું હતું કે, આમ તો સુરતના અન્ય ધંધામાં જે પણ સૌરાષ્ટ્રીય છે તેઓ ક્યારેક ને ક્યારેક હીરા સાથે સંકળાયેલા હતાં જ પરંતુ હાલની હીરા ઉદ્યોગની મંદીથી કંટાળીને ઘણા કારીગરો અન્ય ધંધા જેવા કે એમ્બ્રોઈડરીથી લઈને સિક્યુરિટી ગાર્ડ સુધીના કામ કરી રહ્યાં છે.તો અમુક લોકો વતન પરત જતાં રહ્યાં છે.

દુકાન શરૂ કરી દીધી

વિપુલ પટેલે જણાવ્યું હતું કે, 10 વર્ષ સુધી રત્નકલાકાર તરીકે કામ કર્યું. પરંતુ અવારનવાર મંદીથી બેકાર બનતાં આખરે ધંધો છોડવાનું નક્કી કર્યુ હતું. બાળકો ભણતા હોવાથી અને વતનમાં જઈ શકાય તેમ ન હોવાથી ભાડાની દુકાન શરૂ કરી દીધી છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો