સુરતમાં પહેલી વખત ગુજરાતી અધિકારી રાજેન્દ્ર બ્રહ્મભટ્ટની પોલીસ કમિશનર તરીકે નિમણુંક

સોમવારે રાજ્ય સરકાર 29 આઈપીએસ અધિકારીઓની બદલી કરી હતી. તેમાં સુરતની ખાલી જગ્યા પર આઈબીના આઈજીપી આર.બી. બ્રહ્મભટ્ટની નિમણુંક કરી છે. સુરત પોલીસ કમિશનરેટ બન્યું ત્યાર બાદ પહેલી વખત સુરતમાં મૂળ ગુજરાતી અધિકારીની પોલીસ કમિશનર તરીકે નિમણુંક કરી છે. આ ઉપરાંત સુરતના જોઈન્ટ કમિશનર હરેક્રિષ્ણા પટેલની ગાંધીનગર બદલી કરી છે. સુરતના પોલીસ કમિશનર તરીકે આર.બી.બ્રહ્મભટ્ટની નવરાત્રિના બીજા નોરતે નિમણુંક કરવામાં આવી છે.

સુરત પોલીસના ઈતિહાસમાં 37 વર્ષ પછી ગુજરાતી આઇપીએસ ઓફિસર સુરતના પોલીસ કમિશનર તરીકે આવ્યા છે. 1981 પહેલા સુરત શહેર જિલ્લામાં હતું ત્યારે ડીસીપી દારૂવાલા પણ ગુજરાતી આઈપીએસ હતા. જેઓ પણ પહેલીવાર સુરત જિલ્લાના ડીસીપી બન્યા હતા અને દારૂવાલા પોતે પારસી હતા.

સવાલઃ સુરતમાં પોક્સોના વધતા બનાવોને રોકવા માટે શું પગલાં લેશો?
જવાબઃ અગાઉના સીપી સાહેબએ સારુ કામ કર્યુ છે. આપણે એજ પ્રમાણે વધુ સારુ કામ કરવાની કોશિશ કરીશું, કાયદાની મર્યાદામાં રહીને જે કંઇ કરવાનું છે તે બધી જ કાર્યવાહી કરીશું.

સવાલઃ શહેર પોલીસમાં કરપ્શનનું પ્રમાણ વધી રહ્યું છે તેને રોકવા શું કરશો?
જવાબઃ જે કોઈ બાબત ધ્યાન પર આવે એના માટે જે કંઈ કાયદેસરના પગલા લેવાના થાય તે લેવામાં આવશે. કોઈપણ અધિકારી વ્યવસ્થિત રીતે પગલા લે તો ઓટોમેટિક કંટ્રોલ આવે છે.

સવાલઃ પોલીસ વિભાગમાં કર્મચારીઓને કામનું ભારણ હોય છે પણ તેઓ સામાન્ય માણસની જેમ મીડિયાને કહી શકતા નથી. એમની માનસિક તંદુરસ્તી જળવાય તેના માટે શું કરશો?
જવાબઃઓફિસરોએ પોલીસને સાંભળવા જોઇએ, જે કંઈ સામાન્ય જરૂરીયાતો છે, જે કંઈ મુશ્કેલી છે. એના માટે પુરતા પ્રયત્નો થશે. કોઈપણ પોલીસ કોન્સ્ટેબલ કે પોલીસ અધિકારીને મુશ્કેલી હોય તો તેને અમે દૂર કરીશું.

સવાલઃ શહેરમાં કોમન મેન ચેઇન અને મોબાઇલ સ્નેચિંગથી અને બિલ્ડરો તેમજ ઉદ્યોગપતિઓ ખંડણીખોરોથી ભયભીત છે તે માટે આપ શું પગલાં લેશો?
જવાબઃ સાયબર ક્રાઇમ હેઠળ સાચા ફોન આવે છે એમના નંબરો શું છે. અમુક લોકો ધમકી આપતા હોય છે એમાં સાચું કેટલું છે તે તપાસ થવી જોઇએ, ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમમાં અમે કડક કાર્યવાહી કરીશું અને આવા ગુના બંધ કરાવીશું.

સવાલઃ શહેરના કાપડ માર્કેટ સહિત અન્ય ક્ષેત્રોમાં થઇ રહેલા આર્થિક અપરાધને ડામવા માટે શું પોલિસી બનાવશો?
જવાબઃ આ બાબતે અત્યારે કાંઈપણ કહેવું ઉચિત નથી. હું સુરત આવું ત્યારે કહી શકું.

અક્ષરધામ પર હુમલો થતાં તેમને ગોળી વાગી હતી

મહેસાણાના નાનકડા ગામમાં રહેતા હતાં જ્યાં વરસાદ પડતા રાજ્યથી તે વિખુટુ પડી જતુ, ગામમાં પાણી ભરાઇ જતાં એસટીની સેવા બંધ થઇ જતી. ઇલેક્ટ્રિસિટી પણ જતી રહેતી. ધોરણ 6થી 12 સુધી છોટાલા ગામમાં અભ્યાસ કર્યો. 1981માં અમદાવાદની એચ.એલ. કોલેજમાં બીકોમના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવ્યો હતો. તેઓ હોસ્ટેલમાં રહીને ભણ્યાં. તેઓ પુસ્તક પ્રેમી છે તેમનો વાંચનનો ખુબ શોખ છે. તેમણે કહ્યું કે જીવનમાં પુસ્તક સાચો મિત્ર છે. સવારે 8થી 10 દરમિયાન તેઓ હોસ્ટેલમાં આવતા ત્યારે તેમના મિત્રો તેમના માટે જમવાની થાળી તૈયાર રાખતા. બીકોમ કર્યા બાદ તેમણે રાજ્ય સરકારના સચિવાલયમાં ક્લાર્ક તરીકે નોકરી કરી. ત્યાર બાદ તેમને આઇએએસ થવાની ઇચ્છા થઇ કારણકે ગામમાં આઇએએસ ઓફિસર આવતાં ત્યારે લોકો તેમને સલામી આપતા તેમને જોઇ આઇએએસ બનવાની ઇચ્છા થઇ. સનદી પરીક્ષાઓ આપવાની શરૂ કરી.આર.બી.બ્રહ્મભટ્ટ દુબળા પાતળા હોવાથી પોલીસ વિભાગે વાંધો ઉઠાવ્યો હતો જેથી યુનિવર્સિટી પાસે મહેન્દ્ર ગદ્દા નામના કોચ પાસેથી તાલિમ મેળવી. ગાંધીનગર ખાતે જ્યારે તેઓ એસપી હતાં ત્યારે અક્ષરધામ પર હુમલો થતાં તેમને ગોળી વાગી હતી. પિતા શિક્ષક હતાં. ગામમાં અન્ય વિદ્યાર્થીઓને જે રીતે ભણાવે તેવી જ રીતે તેમને ભણાવતા. તેમના પિતાએ એક સુત્ર આપેલું હતું કે, ‘ વિપત પડે ન વલખિયે, વલખે વિપત ન જાય, વિપતે ઉદ્યમ કિજીયે, ઉદ્યમ વિપતને ખાય’ તેના સિદ્ધાંતના આધારે તેમણે પોતાનું કેરિયર બનાવ્યું છે.

આપ્પા સાહેબ ટ્રાફિક ડીસીપી

સોમવારે સરકારે 20 આઈપીએસ અધિકારીઓની જાહેરાત કરી હતી. તેમાં સુરતના પોલીસ કમિશનર તરીકે આર બી બ્રહ્મભટ્ટની નિમણુંક કરાઈ છે. આર.બી.બ્રહ્મભટ્ટ ગાંધીનગરમાં આઈબીમાં હતા. સુરતના જ જોઈન્ટ પોલીસ કમિશનર સેક્ટર-1 હરેક્રિષ્ણા પટેલની ગાંધીનગરમાં આઈજીપી વહિવટ તરીકે નિમણુંક કરી છે. દેવભુમિ દ્વારકાના આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડેન્ટ પ્રશાંત આપ્પાસાહેબ સુમ્બેને સુરતમાં ટ્રાફિક ડીસીપી તરીકે નિમણૂંક આપી છે.

કેટલાકને પ્રમોશન મળ્યું

સુરતના એસસીએસટી સેલના પીનાકિન પરમારને પ્રમોશન મળતા તેમને ગાંઘીધામ એસપી મરીન ટાસ્ટ ફોર્સ કમાન્ડર તરીકે નિમણુંક આપી છે. તેવીજ રીતે અંકલેશ્વરના એસીપી લખધીરસિંહ ઝાલાને ડીસીપી તરીકે પ્રમોશન આપીને સુરતમાં એસપી મરીન ટાસ્ક ફોર્સ કમાન્ડર હજીરા તરીકે નિમણુંક આપી છે. રાજ્યમાં 7 પોલીસ ઇન્સ્પેક્ટરનો એસીપી તરીકે પ્રમોશન અપાયું છે. આર.કે.ઝાલાને સુરત એસસીએસટી સેલના અસીપી તરીકે નિમણુંક અપાઈ છે. રાજ્યમાં કેટલાક સંદેવનશીલ વિસ્તારમાં મરીન ટાસ્ક ફોર્સના એસપીની નવી જગ્યાઓ ઉભી કરાઈ છે. હજીરામાં પોસ્ટ ઉભી કરી છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો